12 March, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના નિવેદનને પગલે ક્રિપ્ટોકરન્સી માર્કેટ ફરીથી નિરાશ થઈ છે અને સોમવારે માર્કેટમાં ઘટાડાનું વલણ ફરી શરૂ થયું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સાંજે માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૫૦ ટકાના ઘટાડા સાથે ૨.૬૮ ટ્રિલ્યન ડૉલર થયું છે.
ટ્રમ્પે શનિવાર આઠમી માર્ચે ફોક્સ ન્યુઝના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એમની આર્થિક નીતિઓને લીધે થોડા સમય માટે આર્થિક તકલીફ વધી શકે છે. એને પગલે ક્રિપ્ટો જેવી જોખમ ધરાવતી ઍસેટ્સમાં રોકાણ કરવામાં હવે રોકાણકારો અચકાયા છે.
નોંધનીય છે કે ગયા સાત દિવસમાં ક્રિપ્ટો માર્કેટના મુખ્ય કૉઇનમાં પાંચથી લઈને ૩૦ ટકાનો ઘટાડો થયો છે. સાત દિવસમાં બિટકૉઇન ૧૩.૮૩ ટકા ઘટીને ૮૦,૦૪૨ ડૉલર ટ્રેડ થઈ રહ્યો છે. ઇથેરિયમમાં ૧૪.૨૬ ટકા, એક્સઆરપીમાં ૨૨, બીએનબીમાં ૯, સોલાનામાં ૨૫.૫૨, ડોઝકૉઇનમાં ૨૪,૪૫, કાર્ડાનોમાં ૩૦, ટ્રોનમાં પાંચ, ચેઇનલિંકમાં ૧૯.૪૭ અને અવાલાંશમાં ૨૫.૪૩ ટકા ઘટાડો નોંધાયો છે.
અહીં જણાવવું રહ્યું કે અમેરિકન ટેક્નૉલૉજી સ્ટૉક્સમાં પણ હાલમાં ઘણો ઘટાડો થયો છે. પાંચ દિવસમાં એનવિડિયામાં ૮.૭ ટકા, ટેસ્લામાં ૧૨.૫ ટકા અને મેટામાં ૭.૧૭ ટકા ઘટાડો નોંધાયો છે.