04 February, 2025 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકામાં બિટકૉઇનને રિઝર્વ કરન્સી બનાવવાની વાતો થવાને પગલે એ અગ્રણી ક્રિપ્ટોકરન્સીનો ભાવ વધી ગયો હતો, પરંતુ હવે ડોનલ્ડ ટ્રમ્પના શાસનમાં વેપારયુદ્ધ શરૂ થવાની ભીતિને પગલે સમગ્ર ક્રિપ્ટો માર્કેટમાં ધરખમ ઘટાડો થવા લાગ્યો છે. ટ્રમ્પે કૅનેડા, મેક્સિકો અને ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર ટૅરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે. આથી વેપારયુદ્ધ ભડકવાની આશંકા છે. આ સંજોગોમાં લોકો હવે વધુ જોખમી ઍસેટમાં રોકાણ કરવાનું ટાળશે. ક્રિપ્ટોકરન્સી પ્રમાણમાં વધુ જોખમી રોકાણ ગણાય છે અને એથી જ હવે એમાં મોટા પાયે વેચવાલી શરૂ થઈ છે.
આ લખાઈ રહ્યું છે એના ૨૪ કલાકના ગાળામાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં કૅપિટલાઇઝેશન ૭.૧૧ ટકા ઘટીને ૩.૧૨ ટ્રિલ્યન ડૉલર થઈ ગયું છે. બિટકૉઇનમાં ૨.૭૮ ટકાના ઘટાડા સાથે ભાવ ૯૬,૩૬૧ ડૉલર થયો છે. ઇથેરિયમમાં ૧૫.૩૨ ટકા ઘટાડા સાથે ભાવ ૨૬૦૮ ડૉલરના સ્તરે પાછો ફર્યો છે. આ જ રીતે એક્સઆરપીમાં ૧૫.૫૯ ટકા, સોલાનામાં ૬.૪૭ ટકા, બીએનબીમાં ૧૧.૨૪, ડોઝકૉઇનમાં ૧૩.૦૧, કાર્ડાનોમાં ૧૭.૪૨, ટ્રોનમાં ૭.૫૮ ટકા અને અવાલાંશમાં ૧૬.૨૩ ટકા ઘટાડો થયો છે. બિટકૉઇનમાં ૪૬૫ મિલ્યન ડૉલર મૂલ્યની લીવરેજ પોઝિશન લિક્વિડેટ કરાઈ હોવાનું જાણવા મળે છે. આ જ કારણ છે કે બિટકૉઇનના ભાવમાં એકસામટો મોટો ઘટાડો થયો છે.