બજાર નવાં શિખરો બનાવી નીચે સરક્યું

20 November, 2014 05:01 AM IST  | 

બજાર નવાં શિખરો બનાવી નીચે સરક્યું


શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ

ઇન્ટ્રા-ડેમાં બૅક-ટુ-બૅક ઑલટાઇમ હાઈ બતાવી શૅરબજાર ગઈ કાલે નરમ બંધ આવ્યું છે. સેન્સેક્સ ૧૩૦ પૉઇન્ટ ઘટીને ૨૮,૦૩૩ તથા નિફ્ટી ૪૩ પૉઇન્ટની પીછેહઠમાં ૮૩૮૨ રહ્યો છે. ઇન્ટ્રા-ડેમાં શૅરઆંક ૨૮,૨૯૪ તથા નિફ્ટી ૮૪૫૫ની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. પોણાબે વાગ્યા સુધી માર્કેટ એકંદર પૉઝિટિવ ઝોનમાં હતું. ત્યાર પછીનો ગાળો વેચવાલીના નોંધપાત્ર પ્રેશરનો હતો. એમાં સેન્સેક્સ ૨૭,૯૬૩ તથા નિફ્ટી ૮૩૬૦ના તળિયે ગયા હતા. બજારનું માર્કેટકૅપ ૬૮,૦૦૦ કરોડ રૂપિયાના ઘટાડે ૯૮.૫૫ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. સેન્સેક્સના ૩૦માંથી ૨૨ શૅર તથા બજારના ૨૪માંથી ૨૦ બેન્ચમાર્ક ઘટેલા હતા.

સેક્ટરલમાં આઇટી ઇન્ડેક્સ ૨૨ પૉઇન્ટ, ટેક ઇન્ડેક્સ ૭ પૉઇન્ટ તથા હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૧ પૉઇન્ટ જેવા નહીંવત્ સુધારામાં હતા. સામે મેટલ ઇન્ડેક્સ, ઇન્ફ્રા ઇન્ડેક્સ, પીએસયુ, પાવર, ઑઇલ-ગૅસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા ઇન્ડેક્સ સવાથી બે ટકાની રેન્જમાં ખરડાયા હતા. એશિયા ખાતે તાઇવાન ૧.૬ ટકા તથા સિંગાપોર અને ઇન્ડોનેશિયા અડધો ટકો પ્લસ હતા. અન્યત્ર નરમાઈ હતી. જોકે ઘટાડો મહત્તમ ૦.૭ ટકાએ સીમિત હતો જે હૉન્ગકૉન્ગ ખાતે નોંધાયો હતો.

આઇશર ૧૫,૦૦૦ રૂપિયા નજીક

આઇશર મોટર્સ ૧૪,૦૬૬ રૂપિયાના આગલા બંધ સામે ગઈ કાલે ત્રણેક ગણા કામકાજમાં ૧૪,૯૬૫ રૂપિયાની ઑલટાઇમ હાઈ બતાવી પોણાપાંચ ટકાની તેજીમાં ૧૪,૭૩૮ રૂપિયા બંધ હતો. ગયા વર્ષે ૨૧ નવેમ્બરના રોજ શૅર ૪૧૩૩ રૂપિયાના બાવન સપ્તાહના તળિયે ગયો હતો. કંપનીએ વૉલ્વો સાથેની ૫૦ ટકા ભાગીદારીમાં ૨૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઇન્દોર નજીક લાઇટ-ટુ-મિડિયમ ટ્રક અને બસના ઉત્પાદન માટે વીઈ કમર્શિયલ વેહિકલ્સ નામે નવી કંપની સ્થાપી છે. બજાજ ઑટો ૨૬૮૬ રૂપિયાની વિક્રમી સપાટી બતાવી એક ટકાના સુધારામાં ૨૬૭૦ રૂપિયા હતો. અશોક લેલૅન્ડ અને એસએમએલ-ઇસુઝુ બે ટકા, તાતા મોટર્સ ૨.૩ ટકા તથા તાતા મોટર્સ ડીવીઆર ૨.૬ ટકા ડાઉન હતા. મહિન્દ્ર દોઢ ટકો, મારુતિ સુઝુકી પોણો ટકો, હીરો ર્મોટોકોપ ૦.૩ ટકા કે દસેક રૂપિયા, સ્કૂટર્સ ઇન્ડિયા બે ટકા, ટીવીએસ મોટર્સ ૨.૨ ટકા, એસ્ર્કોટ્સ ૨.૬ ટકા નરમ હતા.

ટાયર શૅરમાં પંક્ચર

ટાયર-રબર પ્રોડક્ટ્સ સેગમેન્ટના ૨૧માંથી ૧૬ શૅર ગઈ કાલે ઘટેલા હતા. સીએટ એક ટકો વધી ૯૧૩ રૂપિયા હતો. અન્ય ૪ શૅર મામૂલી સુધર્યા હતા. સામે બાલક્રિષ્ન ઇન્ડસ્ટ્રીઝ ૨.૭ ટકાની વધુ નરમાઈમાં ૬૩૪ રૂપિયા બંધ હતો. આ શૅર સપ્તાહ પૂર્વે ૮૫૫ રૂપિયાની વિક્રમી સપાટીએ જોવાયો હતો. એમઆરએફ ૫૮૧ રૂપિયા કે ૧.૮ ટકા, મોદી રબર ૪.૮ ટકા, ડનલપ ઇન્ડિયા ૪.૬ ટકા, અપોલો ટાયર્સ ૩.૪ ટકા, ફાલ્કન ટાયર્સ સવાત્રણ ટકા, જેકે ટાયર્સ ૧.૭ ટકા, ગુડયર ૧.૨ ટકા, ટીવીએસ શ્રીચક્ર પોણાત્રણ ટકા ઢીલા હતા. ઑટો એન્સિલિયરીઝ સેક્ટર પણ નેગેટિવ બ્રેડ્થમાં હતું. એના ૯૭માંથી ૩૮ શૅર વધ્યા હતા. આઇપી રિંગ્સ ૨૦ ટકાની તેજીમાં ૧૧૨ રૂપિયા, કાર મોબાઇલ્સ ૧૦ ટકાના ઉછાળે ૪૧૪ રૂપિયા, રાણે એન્જિન ૯.૮ ટકાના જમ્પમાં ૬૪૦ રૂપિયા, લુમેક્સ ટેક્નો નવ ટકાની તેજીમાં ૨૮૭ રૂપિયા, અમરાજા બૅટરીઝ આઠ ટકાના ઉછાળે ૭૮૩ રૂપિયા, ટ્રાઇટન વાલ્વ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૦૦૦ રૂપિયા, એન્કેઇ વ્હીલ્સ પાંચ ટકા વધી ૧૬૩ રૂપિયા બંધ હતા. મુંજાલ શોવા, જય ઉસીન, જેબીએમ ઑટો, સુબ્રોસ, પીપીએપી, ગુજ. ઑટો ગિયર્સ, હેલ્લા ઇન્ડિયા, ક્લચ ઑટો, ઑટોલાઇટ, ઑટોમોટિવ એક્સેલ જેવાં કાઉન્ટરો બેથી સાડાપાંચ ટકા ખરાબ હતાં.

મેટલ શૅરમાં ઑલરાઉન્ડ નરમાઈ

ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ દસેદસ શૅરના ઘટાડામાં સર્વાધિક ૨.૧ ટકા કે ૨૪૪ પૉઇન્ટ ઓગળ્યો હતો. તાતા સ્ટીલ અને જિંદલ સ્ટીલ ત્રણ ટકા, સેઇલ અઢી ટકા, હિન્દુસ્તાન ઝિન્ક સવાબે ટકા, કોલ ઇન્ડિયા ૧.૬ ટકા, એનએમડીસી ૧.૩ ટકા ડાઉન હતા. હિન્દાલ્કો સૌથી ઓછો એવો ૦.૪ ટકા ઘટી ૧૫૫ રૂપિયા નીચે હતો. અન્ય મેટલ્સ-મિનરલ્સ શૅરમાં મોનેટ ઇન્ડસ્ટ્રીઝ ૪.૭ ટકા, મુકંદ ૩.૮ ટકા, વેલકાસ્ટ સવાચાર ટકા, ઉષા માર્ટિન ૫.૫ ટકા, શિવાલિક બાયમેટલ્સ ૩.૪ ટકા, કર્લિોસ્કર ફેરો ૩.૨ ટકા, કલ્યાણી સ્ટીલ ૩.૮ ટકા, ગોદાવરી પાવર પોણાબે ટકા, માન ઇન્ડસ્ટ્રીઝ ૪.૬ ટકા, ગાંધી સ્પે.. ટયુબ્સ ૩ ટકા, માન ઍલ્યુમિનિયમ ૫.૮ ટકા, આશાપુરા માઇન ૩ ટકા, લેશા ઇન્ડ. ૫ ટકા, ઓડિશા મિનરલ્સ બે ટકા, શિરપુર ગોલ્ડ સવાબે ટકા ડાઉન હતા. ગેલન્ટ મેટલ્સ ૨૦ ટકાની તેજીમાં ૨૭.૪૦ રૂપિયા, તાતા સ્પન્જ સવાબે ટકા વધી ૭૦૭ રૂપિયા, ઈસ્ટકોસ્ટ સ્ટીલ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૮૩ રૂપિયા તો હિસાર મેટલ્સ ૧૯.૮ ટકાના જમ્પમાં ૨૮ રૂપિયા બંધ હતા.

રોકડું ૮૨ માસની ટોચે જઈને ઘટયું

ગઈ કાલે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧૧,૫૫૦ નજીક જાન્યુઆરી ૨૦૦૮ પછીના શિખરે જઈ ૦.૭ ટકાના ઘટાડે ૧૧,૩૬૮ બંધ હતો. મિડ કૅપ બેન્ચમાર્ક ૧૦,૩૫૬ની સર્વોચ્ચ સપાટી બનાવી ૦.૬ ટકાની નરમાઈમાં ૧૦,૨૧૦ હતો. માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી ખરાબ હતી. મિડ કૅપના ૨૬૭માંથી ૮૪ અને સ્મૉલ કૅપના ૪૭૩માંથી ૧૩૯ શૅર જ વધ્યા હતા. હેરિટેજ ફૂડ ૧૭ ટકા, ધાનુકા ૯ ટકા, ઑન મોબાઇલ નવ ટકા, કામા હોલ્ડિંગ ૮ ટકા, એસઆરએફ સવાનવ ટકા, અજન્ટા ફાર્મા ૮.૫ ટકા, એઆઇએ એન્જિ. ૪.૭ ટકા, ટૉરન્ટ ફાર્મા ૪.૩ ટકા, આઇએનજી વૈશ્ય બૅન્ક સવાચાર ટકા એમાં મુખ્ય હતા. સામે વૈભવ ગ્લોબલ ૧૧ ટકા, એડલવાઇસ ૫.૨ ટકા, ડેલ્ટાર્કોપ ૫ ટકા, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન્સ ૪.૮ ટકા, થર્મેક્સ ૪.૭ ટકા, દેના બૅન્ક ૪ ટકા, આંધþ બૅન્ક સવાચાર ટકા, સેન્ચુરી ટેક્સટાઇલ્સ પ ટકા, આરસીએફ ૪.૫ ટકા, એસ્ટર ૯.૫ ટકા, સેન્ચુરી પ્લાય ૭ ટકા, એસવીજી ગ્લોબલ ૬.૫ ટકા, એચએફસીએલ ૫.૮ ટકા, ડીબી રિયલ્ટી ૫.૮ ટકા, સંઘવી મૂવર્સ પોણાપાંચ ટકા, સી. મહેન્દ્ર પાંચ ટકાની ખરાબીમાં મોખરે હતા.

માર્કેટ-બ્રેડ્થ નબળી પડી

પ્રમાણમાં સારીએવી નબળી માર્કેટ-બ્રેડ્થમાં ૧૨૦૧ શૅર વધેલા હતા. ૧૮૬૧ જાતો ડાઉન હતી. એ-ગ્રુપના ૭૨ ટકા, બી-ગ્રુપના ૬૪ ટકા અને ટી-ગ્રુપના ૫૨ ટકા શૅર ઘટીને બંધ હતા. ૨૯૪ શૅર ઉપલી સર્કિટે હતા તો ૨૭૮ કાઉન્ટર મંદીની સર્કિટમાં હતાં. ભાવની રીતે ૨૮૯ ãસ્ક્રપ્સ એક વર્ષ કે એથી વધુ ગાળાની રીતે ઊંચા શિખરે પહોંચી હતી. બીજી તરફ ૬૭ શૅરમાં ઐતિહાસિક બૉટમ દેખાયું હતું. ડૉ. રેડ્ડીઝ લૅબ ૩૫૩૦ રૂપિયાની ઑલટાઇમ ટોચ બનાવી છેલ્લે અઢી ટકાની મજબૂતીમાં ૩૫૧૫ રૂપિયા હતો. સામે સન ફાર્મા પોણાબે ટકા અને સિપ્લા દોઢ ટકો ડાઉન હતા. રિલાયન્સ એક ટકો, ઓએનજીસી ૧.૭ ટકા, ભેલ તથા એનટીપીસી બે ટકા, ગેઇલ ૨.૩ ટકા નરમ હતા. એસઆરએફ સવાનવ ટકા, અજન્ટા ફાર્મા ૮.૫ ટકા, અમરરાજા બૅટરીઝ ૭.૯ ટકા, મણપ્પુરમ ૬.૭ ટકા તથા અપોલો હૉસ્પિટલ્સ ૫.૬ ટકાની તેજીમાં એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યા હતા.

ડીમૅટના મામલે ૫૭ શૅરને સજા

સેબીના નિયત ધોરણ પ્રમાણે પબ્લિક હોલ્ડિંગના કમસે કમ ૫૦ ટકા અને પ્રમોટર્સ હોલ્ડિંગના ૧૦૦ ટકા શૅર ડીમૅટ કરવાનું અને દરેક ત્રિમાસિક ગાળાના અંતે શૅરહોલ્ડિંગ પૅટર્નની વિગત શૅરબજારોને સુપરત કરવાનું ફરજિયાત છે. આ નિયમના ભંગ બદલ બીએસઈ તરફથી ૫૭ કંપનીઓને ટ્રેડ-ટુ-ટ્રેડમાં મૂકવાની જાહેરાત કરાઈ છે. સામે નિયમભંગ સુધારી લેવા બદલ ૩૬ કંપનીઓને ટી-ગ્રુપમાંથી બહાર ખસેડવામાં આવી છે. આ પગલું ૨૪ નવેમ્બરથી અમલી બનશે. ડીમૅટ ધોરણનો ભંગ કરનારી સજા પામનારી કંપનીઓની યાદીમાં લોક હાઉસિંગ, જયભારત ક્રેડિટ, વૅલ્યુમાર્ટ રીટેલ, દુજોડવાલા પેપર, કોહિનૂર બ્રૉડકાસ્ટિંગ, લૅન્ડમાર્ક લીઝર, ડેન ક્રોનિકલ, ટિમ્બર હોમ, ફિલાટેક્સ ફૅશન, વૅક્સ હાઉસિંગ, વીનસ પાવર, પ્રીમિયર એનર્જી, મૂવિંગ પિક્ચર, એઇસ ટૂર્સ વલ્ર્ડવાઇડ, ઈએલ ર્ફોજ જેવાં જાણીતાં નામ છે જે ૨૪મીથી ટી-ગ્રુપમાં જશે. આલ્ફ્રેડ હર્બર્ટ, આર્શિયા, લીએન્ડની સૉફ્ટવેર, પાયોનિયર ડિસ્ટિલરી, ગંગોત્રી આયર્ન, હાનૂગ ટૉયઝ, અભિષેક કૉર્પોરેશન, મહાવીર ઇન્ફો, પૃથ્વી ઇન્ફો, ફીનિક્સ ટાઉનશિપ, કૉમ્પેક્ટ ડિસ્ક, પ્રોફિન કૅપિટલ જેવા ૩૬ શૅરનો ટ્રેડ-ટુ-ટ્રેડમાંથી મોક્ષ થશે.

બજારની અંદર-બહાર

ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝે ફ્રાન્સ ખાતે વર્ષે ૨૦ લાખ નંગ સ્માર્ટ મીટર્સના ઉત્પાદન માટે નવી ફૅસિલિટી શરૂ કરવાનું નક્કી કર્યું છે. શૅર ઉપરમાં ૨૦૬ રૂપિયા થઈ અંતે ૩.૪ ટકાની નરમાઈમાં ૧૯૬ રૂપિયા હતો.

સહારા વન મીડિયાએ ટ્રાયોલૉજિક ડિજિટલ મીડિયા સાથે ટીવી કન્ટેન્ટ ઇત્યાદિના સેલ માટે કરેલા એમઓયુને ટર્મિનેટ કરતાં શૅર ૮૦૦ શૅરના વૉલ્યુમમાં ૭.૭ ટકા તૂટી ૯૫ રૂપિયા નીચે હતો.

શક્તિ પમ્પ્સમાં ફ્રૅન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા શૅરદીઠ ૧૯૨ રૂપિયા જેવા ભાવે ૭૯,૫૧૩ શૅર ખરીદાયાના અહેવાલે ભાવ ૧૩.૫ ટકા ઊછળી ૨૨૬ રૂપિયા બંધ હતો.

અપાર ઇન્ડસ્ટ્રીઝ એની સિંગાપોર ખાતેની પૂર્ણ માલિકીની સબસિડિયરી મારફત યુએઈ ખાતે સ્પે.શ્યલિટી ઑઇલ્સ તથા લુબ્રિકન્ટ પ્લાન્ટ સ્થાપશે એવા અહેવાલે ભાવ ૪૬૮ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે ત્રણેક ટકાના ઘટાડે ૪૩૮ રૂપિયા નીચે બંધ હતો.

અતુલ ઑટો ૪૦ ગણા કામકાજમાં ઉપરમાં ૪૩૪ રૂપિયા થઈ છેલ્લે ૭ ટકાની તેજીમાં ૪૧૧ રૂપિયા બંધ હતો. શૅરની ફેસવૅલ્યુ પાંચ રૂપિયાની છે.

અમૃતાંજન હેલ્થકૅર સાતગણાથી વધુના વૉલ્યુમમાં સાડાસાત ટકાના ઉછાળે ૩૨૩ રૂપિયા નજીક રહ્યો હતો. ફેસવૅલ્યુ બે રૂપિયા છે.

વિકાસ ડબ્લ્યુએસપી ૩૬ લાખ શૅરના ભારે કામકાજમાં પોણાતેર ટકાની તેજીમાં ૨૦.૪૦ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ એક રૂપિયાની છે.

સીસીએલ પ્રોડક્ટ્સ ચારગણા કામકાજમાં ૧૫૮ રૂપિયાના નવા શિખરે જઈ અંતે ૪.૩ ટકાની મજબૂતીમાં ૧૪૯ રૂપિયા હતો. વર્ષ પૂર્વે આ શૅર ૨૭ રૂપિયાના તળિયે હતો.

બોશ લિમિટેડ અઢીગણા વૉલ્યુમમાં ૧૭,૭૬૨ રૂપિયાના આગલા બંધ સામે ૧૯,૨૦૦ રૂપિયાની ઑલટાઇમ હાઈ બતાવી નીચામાં ૧૭,૯૦૦ રૂપિયા થઈ છેલ્લે ૨.૨ ટકાના સુધારામાં ૧૮,૧૪૭ રૂપિયા બંધ હતો.

ગ્લૅનમાર્ક ફાર્મા ત્રણગણા વૉલ્યુમમાં ૮૨૯ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી સાડાત્રણ ટકાની આગેકૂચમાં ૮૧૬ રૂપિયા જેવો બંધ હતો. ફેસવૅલ્યુ એક રૂપિયાની છે.