બજાર પર કોરોના:ઇન્ડિયન ઇન્વેસ્ટર્સે એક મહિનામાં 33.95 લાખ કરોડ ગુમાવ્યા

13 March, 2020 09:00 AM IST  |  Mumbai

બજાર પર કોરોના:ઇન્ડિયન ઇન્વેસ્ટર્સે એક મહિનામાં 33.95 લાખ કરોડ ગુમાવ્યા

શૅર બજાર

વૈશ્વિક શૅરબજારમાં ભાગ્યે જ જોવા મળતી મંદી અત્યારે ચાલુ થઈ ગઈ છે. અમેરિકા, જપાન, ભારત, ફ્રાન્સ અને જર્મનીમાં બજારો છેલ્લી ઊંચાઈએથી ૨૦ ટકા કરતાં વધારે ઘટી ગયાં છે, પણ હજી મંદી અટકી નથી કે વેચવાલી પણ અટકતી નથી. ગુરુવારે અમેરિકન શૅરબજાર ખૂલતાંની સાથે જ એસઍન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ ૭ ટકા ઘટી જતાં મંદીની સર્કિટ લાગી હતી અને બજારમાં ટ્રેડિંગ ૧૫ મિનિટ અટકી ગયું હતું. આજના ઘટાડા સાથે ઇન્ડેક્સ ૨૪ ટકા ઘટી ગયો છે. અમેરિકન શૅરબજારમાં આ સપ્તાહની બીજી મંદીની સર્કિટ છે. ડાઉ જૉન્સ અત્યારે ૭.૫૪ ટકા કે ૧૭૯૯ પૉઇન્ટ ઘટી ગયો છે. અમેરિકામાં એક વધેલા શૅર સામે ૨૯ ઘટેલા શૅર જોવા મળી રહ્યા છે. અગાઉ એશિયાના ટ્રેડિંગમાં થાઇલૅન્ડ, ફિલિપીન્સ અને ઇન્ડોનેશિયામાં મંદીની સર્કિટ આજે લાગી હતી અને ટ્રેડિંગ અટકાવી દેવું પડ્યું હતું.

વૈશ્વિક વેચવાલીથી ભારત પણ બાકાત રહ્યું નહોતું. ભારતીય બજારમાં સેન્સેક્સ ૨૯૧૯.૨૬ પૉઇન્ટ કે ૮.૧૮ ટકા ઘટીને ૩૨,૭૭૮.૧૪ પૉઇન્ટ બંધ આવ્યો હતો. નિફ્ટી ૮૬૮.૨૫ પૉઇન્ટ કે ૮.૩૦ ટકા ઘટીને ૯૫૯૦.૧૫ બંધ આવ્યો છે. ટકાવારીની દૃષ્ટિએ સેન્સેક્સ અને નિફ્ટી માટે છેલ્લાં ૧૧ વર્ષનો આ સૌથી મોટો ઘટાડો હતો. આ સાથે સોમવારે ભારતીય બજારે બનાવેલો એક જ દિવસમાં સૌથી વધુ પૉઇન્ટ ઘટવાનો વિક્રમ પણ તૂટી ગયો છે.

કોરોના વાઇરસ હવે ૧૦૦થી વધુ દેશોમાં ફેલાયો છે. ૪૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા એને મહામારી જાહેર કરવામાં આવી છે અને ભારત, ઇટલી, અમેરિકા જેવા દેશોએ પોતાના નાગરિકો પર અને તેમના વિદેશપ્રવાસ પર પ્રતિબંધ ફરમાવ્યા છે. વ્યાજના દર ઘટાડાનો દોર પૂરો થયો અને એનાથી પણ બજારને રાહત નથી મળી. પોતાનો નફો બાંધી રાખવા કે નુકસાન ઘટાડવા માટે અત્યારે ફિયર ફૅક્ટર એટલું વધી ગયું છે કે કોઈ પણ ભાવે વેચવાલી આવી ગઈ છે.

અમેરિકામાં વૉલેટિલિટી ઇન્ડેક્સ જે ડરને આંકે છે (ગ્રિડ એટલે કે લાલચે વધુ ખરીદવું અને ફિયર કે ડર એટલે કે વધુ વેચવું) એ ૬૮.૭૬ પહોંચ્યો છે અને ૨૦૦૮ પછીની સૌથી ઊંચી સપાટીએ છે. ભારતનો વૉલેટિલિટી ઇન્ડેક્સ ૩૫ ટકા વધીને ૪૩.૩૨ની સપાટીએ હતો જે છેલ્લાં ૧૨ વર્ષની સૌથી ઊંચી સપાટી છે. છેલ્લે આ સપાટી ૨૦૦૮માં વૈશ્વિક નાણા-કટોકટી વખતે જોવા મળી હતી.

ભારતીય શૅરબજારમાં છેલ્લા એક મહિનાનાં ૨૦ ટ્રેડિંગ સત્રમાં ૨૫ દિવસ સેન્સેક્સ કે નિફ્ટી ઘટીને બંધ આવ્યા છે. આ એક મહિનામાં ભારતીય રોકાણકારોનું ૩૩,૯૫,૬૬૬ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. ગુરુવારે એક જ દિવસમાં રોકાણકારોએ ૧૧.૨૭ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી છે. આવી જ રીતે ડાઉ જૉન્સ માત્ર પાંચ વખત, નિકક્કી ૭ વખત, બ્રિટનનો એફટીએસઈ ઇન્ડેક્સ પણ માત્ર ૭ વખત વધીને બંધ આવ્યા છે.

દરમ્યાન, ક્રૂડ ઑઇલ આજે પણ વધુ ઘટ્યું હતું. વેસ્ટર્ન ટેક્સસ વાયદો ૫.૨૨ ટકા ઘટીને ૩૧.૨૬ ડૉલર અને બ્રેન્ટ ક્રૂડ ૬.૭૩ ટકા ઘટીને ૩૩.૩૮ ડૉલર પ્રતિ બૅરલ જોવા મળી રહ્યા છે. ગુરુવારે દિવસભર સોનાના ભાવ સ્થિર રહેવાના પ્રયત્ન કરી રહ્યા હતા, પણ વૉલ સ્ટ્રીટમાં શૅરબજાર ખૂલતાની સાથે આ સપ્તાહની બીજી મંદીની સર્કિટ લાગી હતી. શૅરબજાર ૧૦ ટકા જેટલું ઘટી જતાં રોકાણકારોએ પોતાની સોનાની કમાણી બચાવવા માટે વેચવાલી કરી હતી. અત્યારે સોનું વાયદો ૩.૬૧ ટકા કે ૫૯.૨૫ ડૉલર ઘટી ૧૫૮૩.૦૫ ડૉલર અને ચાંદી વાયદો ૫.૩૬ ટકા કે ૮૯ સેન્ટ ઘટીને ૧૫.૮૭૭ ડૉલર પ્રતિ ઔંસ છે.

coronavirus sensex nifty bombay stock exchange business news