Coronavirus Effects: HSBC બેંક 35,000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરશે

17 June, 2020 08:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Effects: HSBC બેંક 35,000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરશે

પ્રતીકાત્મક તસવીર

હોંગકોંગ શાંઘાઈ બેંકિંગ કોર્પોરેશન (HSBC) બેંક તેના 35,000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરશે. તદઉપરાંત, બેન્ક તમામ પ્રકારની એક્સ્ટર્નલ રિક્રુટમેન્ટ પણ સ્થગિત કરશે. બેંકે વિશ્વભરના પોતાના 2.35 લાખ કર્મચારીઓને મોકલેલી માહિતિમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસ (COVID-19) મહામારીને પગલે બેંકને નુકસાન થઈ રહ્યું હોવાથી ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમેય છેલ્લા ત્રણ વર્ષથી HSBC બેંકના નફામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

HSBCના ચીફ એક્ઝિક્યુટિવ નોએલ ક્વિને કહ્યું હતું કે, અમે બહુ લાંબા સમય માટે નવી ભરતી કરવાનું સ્થગિત નથી કરી રહ્યાં. જોકે, આ સ્થિતિ કેટલો સમય રહેશે તે અંગે કંઈ કહેવું શક્ય નથી. અમારા ધંધાનો કેટલોક ભાગ અપેક્ષા મુજબ કામગીરી નથી કરી રહ્યો. તેથી અમારા રોકાણકારોને વધુ સારા પરિણામો આપવા માટે અમે અમારી યોજના પર ફરીથી વિચાર કરી રહ્યા છીએ. કોરોના મહામારીને કારણે બેંકને અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અગાઉ નિવેદનમાં બેંક અમેરિકાના વ્યવસાયના ક્ષેત્રને ઘટાડવાનું કહી ચુકી છે. વર્ષની શરૂઆતમાં એટલે કે ફેબ્રુઆરી મહિનામાં HSBCએ નોકરીમાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી પરંતુ તેને પાછળથી મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ હવે કટોકટી વધશે એટલે બેંક તેના ખર્ચ ઘટાડશે અને કર્મચારીઓની સંખ્યા 2.35 લાખથી ઘટાડીને 2 લાખ કરશે.

coronavirus covid19 business news