કોરોનાના રોગચાળા સામે જીત મેળવ્યા બાદનો માર્કેટનો સુધારો જોરદાર હશે

30 March, 2020 10:15 AM IST  |  Mumbai Desk | Khyati Mashroo Vasaani

કોરોનાના રોગચાળા સામે જીત મેળવ્યા બાદનો માર્કેટનો સુધારો જોરદાર હશે

પ્રતીકાત્મક તસવીર

કહેવાની જરૂર નથી કે આ લેખ તમે લૉકડાઉનને કારણે ઉદ્ભવેલી નવી માનસિક અને શારીરિક સ્થિતિમાં વાંચી રહ્યા છો. વડા પ્રધાને બાવીસમી માર્ચે જનતા કરફ્યુ પોકાર્યો અને મહદંશે એને સફળતા મળી. આમ છતાં કોરોનાના વધતા પ્રમાણને અનુલક્ષીને તેમણે ૨૧ દિવસનું લૉકડાઉન જાહેર કરવું પડ્યું.  જો ૨૧ દિવસ સુધી ઘરમાં નહીં રહીએ તો દેશ ૨૧ વર્ષ પાછળ ચાલ્યો જશે એવું સચોટ નિવેદન વડા પ્રધાન મોદીએ કર્યું છે. આ રોગચાળાનો મુકાબલો કરવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ અત્યંત અસરકારક ઉપાય છે. સ્વાભાવિક છે કે એને લીધે માત્ર લોકોના રોજિંદા જીવન પર નહીં, સમગ્ર અર્થતંત્ર પર અસર થશે. 

કોટક મ્યુચ્યુઅલ ફન્ડના મૅનેજિંગ ડિરેક્ટર અને અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઑફ ઇન્ડિયાના ચૅરમૅન નીલેશ શાહના જણાવ્યા મુજબ આવા પ્રકારની તાકીદની સ્થિતિ જોયાનો તેમનો આ પહેલો અનુભવ છે. નાણાકીય કટોકટીઓ તો આની પહેલાં પણ આવી ચૂકી છે, પરંતુ આ વખતે તબીબી કટોકટીને લીધે વિકટ નાણાકીય પરિસ્થિતિ સર્જાઈ છે.

૧૯૯૪માં ન્યુમોનિક પ્લેગ થયો એ વખતે સુરત શહેરમાં સંપૂર્ણ લૉકડાઉન હતું, પરંતુ નાણાકીય બજારો પર અસર થઈ ન હતી, કારણ કે એ વખતે સોશ્યલ મીડિયા ઉપલબ્ધ ન હતું અને વિશ્વમાં પણ કનેક્ટિવિટી ઓછી હતી.

વડા પ્રધાને કહ્યું એને પગલે રિઝર્વ બૅન્કે બોન્ડ માર્કેટમાં દરમિયાનગીરી કરીને તથા બીજાં પગલાં ભરીને અર્થતંત્રમાં પ્રવાહિતા ઉમેરી છે. ઉપરાંત, નીતિવિષયક વ્યાજદર ઘટાડ્યા છે. નાણાપ્રધાને પણ કેટલીક જાહેરાતો કરી છે.

નાણાકીય બજારોમાં હજી અનિશ્ચિતતા છે અને એથી જ જોરદાર કડાકો બોલાયો છે. તમે પોતે ટ્રેડર છો કે ઇન્વેસ્ટર છો એ નક્કી કરવાનો સમય આવ્યો છે. આપણે અગાઉ વાત કરી એમ, ભારતમાં અર્થતંત્રની ગતિ ધીમી પડી હતી અને હવે કોરોનાને કારણે વધુ ધીમી પડવાની આશંકા છે.

આમ છતાં, એક વાત સ્પષ્ટ છે કે વિદેશી રોકાણકારોને ભારતીય અર્થતંત્ર પર વિશ્વાસ છે. નોંધનીય છે કે ૨૦૦૮ની નાણાકીય કટોકટી કરતાં પણ આ વખતે ભારતીય બજારમાં વધુ ઝડપી ઘટાડો આવ્યો છે. એક જ મહિનામાં ૩૦ ટકાનો ધબડકો થયો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીને લીધે લિક્વિડ ફન્ડમાં પણ એનએવી ઘટી ગઈ છે.

વળી, કોરોના વાઇરસને લીધે સર્જાયેલી સમસ્યાનો વ્યાપ પણ ઘણો મોટો છે. અત્યારે ફક્ત લોકોના જીવ નથી બચાવવાના, લોકોની રોજીરોટી પણ ટકાવી રાખવાની છે અને રોજિંદા જીવન માટે આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પણ જાળવી રાખવાનો છે.
દેશનાં દરેક ક્ષેત્રે અને વિશ્વના દરેક દેશમાં અત્યારે કટોકટી છે. બજારમાં અત્યારે ઊંડાણ નથી અને માર્કેટ કૅપ સાથેનો કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી)નો ગુણોત્તર ૨૦૦૮ના સ્તર જેટલો છે. જોકે એક વખત કોરોના વાઇરસના રોગચાળા સામે જીત મેળવી લેવાયા બાદનો માર્કેટનો સુધારો જોરદાર હશે.

coronavirus covid19 business news