ખાંડમાં તેજીની ધારણા, ચીન સાથે ૩૦ હજાર ટનનો વેપાર

11 April, 2019 10:23 AM IST  |  | કૉમોડિટી કરન્ટ

ખાંડમાં તેજીની ધારણા, ચીન સાથે ૩૦ હજાર ટનનો વેપાર

ખાંડબજારમાં તાપમાનના પારાની સાથે જ ભાવમાં પણ સુધારો થાય તેવી સંભાવના છે. એક તરફ દેશમાં એક પછી એક શુગરમિલો બંધ થવા લાગી છે અને બીજી તરફ ચીન સાથે વધુ નિકાસ વેપારો થયા હોવાના સમાચાર આવ્યા છે.

શુગરમિલો સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશમાંથી ચીન સાથે પહેલાથી ૩૦ હજાર ટનના નિકાસ વેપારો થઈ ચૂક્યા છે અને આગામી દિવસોમાં બીજા ૩૦ હજાર ટનના નિકાસ વેપારો થાય તેવી ધારણા છે. જો નિકાસ વેપારો સમયસર થશે તો ખાંડના ભાવને મોટો સર્પોટ મળે તેવી સંભાવના છે.

દેશમાં ચાલુ વર્ષ દરમ્યાન ખાંડનો ૧૫૦ લાખ ટનનો સરપ્લસ સ્ટોક રહ્યો હોવાથી સરકારે કુલ ૫૦ લાખ ટન ખાંડની નિકાસ માટે સબસિડી પણ જાહેર કરી છે. આ ઉપરાંત સરકારે પણ બીજા દેશની સરકાર સાથે નિકાસ માટેના કરાર કર્યા છે, જે અંતર્ગત ઇન્ડોનેશિયા, મલેશિયા, ચીન, સાઉથ કોરિયા અને બંગલાદેશમાં નિકાસ કરવા માટેના પ્રયાસ સરકાર દ્વારા પણ ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય ખાંડબજારને મોટો સર્પોટ મળી રહ્યો છે.

ચાલુ વર્ષ દરમ્યાન અગાઉ મલેશિયાની સરકારે પણ ૪૪ હજાર ટન ખાંડના કરારો ભારતીય મિલો સાથે કર્યા હતા. તાજેતરમાં પાકિસ્તાને ચીન સાથે સરકાર લેવલે ૩ લાખ ટન ખાંડના નિકાસ કરારો કર્યા ત્યારે ભારતની પણ બીજિંગની ઍમ્બેસીએ ચીન સરકાર સાથે કરારો કરવા માટે દબાણ વધારી દીધું છે. હાલમાં નૅશનલ ફેડરેશન ઓફ કો-ઑપરેટિવ શુગર ફેકટરી અને ઇન્ડિયન શુગર મિલ અસોસિએશન દ્વારા મિલોને સાથે રાખીને ચીનમાં નિકાસ કરવી તેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ યુરોપ સાથે ટ્રેડવૉર અને વર્લ્ડનો ગ્રોથ ઘટવાના આઇએમએફના રિપોર્ટ બાદ સોનું સુધર્યું

દેશમાંથી અત્યાર સુધીમાં કુલ ૨૨ લાખ ટન ખાંડની નિકાસ થઈ ચૂકી છે અને હજી પણ ખાંડની નિકાસ ચાલુ રહે તેવી ધારણા છે. જોકે ૫૦ લાખ ટનનો લક્ષ્યાંક પૂરો થાય તેવી સંભાવના ઓછી છે.

દરમ્યાન ખાંડના ભાવમાં છેલ્લા થોડા દિવસમાં ક્વિન્ટલે ૫૦થી ૧૦૦ રૂપિયાનો વધારો થયો છે અને હજી આટલો જ વધારો થાય તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

news