વૈશ્વિક કૉમોડિટી બજારમાં સાર્વત્રિક તેજીનો માહોલ

12 April, 2019 10:20 AM IST  |  | કૉમોડિટી કરન્ટ - મયૂર મહેતા

વૈશ્વિક કૉમોડિટી બજારમાં સાર્વત્રિક તેજીનો માહોલ

વૈશ્વિકકૉમોડિટી બજારમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ચાલુ કૅલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં બેન્ચમાર્ક કૉમોડિટી ઇન્ડેક્સમાં ૧૫ ટકાનો ઉછાળો આવ્યો છે, જે વર્ષ ૨૦૧૬ બાદનો સૌથી મોટો ત્રિમાસિક સુધારો બતાવે છે. ખાસ કરીને ક્રૂડતેલના ભાવમાં તેજીને પગલે કુલ ઇન્ડેક્સમાં વધારો થયો છે.

ગોલ્ડમૅન સાક્સનો કૉમોડિટી ઇન્ડેક્સ ૧૫ ટકા વધ્યો છે, જ્યારે ડાઉજોન્સનો કૉમોડિટી ઇન્ડેક્સ ૭.૫ ટકા વધ્યો છે. વૈશ્વિકબજારમાં ક્રૂડતેલના ભાવ ચાલુ કૅલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં ૨૭ ટકા વધી ગયા છે. માર્ચ ક્વૉર્ટરનો ત્રિમાસિક સુધારો છેલ્લાં ૧૦ વર્ષનો સૌથી મોટો ત્રિમાસિક સુધારો હતો. અમેરિકા દ્વારા ઈરાન ઉપર લાદવામાં આવેલાં નિયંત્રણો અને ઓપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) દ્વારા ઉત્પાદનમાં કાપ મૂકવાને કારણે ક્રૂડતેલના ભાવ હાલ ૭૦ ડૉલરની ઉપર પહોંચી ગયા છે.

વૈશ્વિકબજારમાં ગોલ્ડમૅન સાક્સ કૉમોડિટી ઇન્ડેક્સ છેલ્લા એક મહિનામાં ૬.૪૬ ટકા વધીને હાલ ૨૬૩૪ પૉઇન્ટ પર પહોંચ્યો છે, જ્યારે સીઆરબી ઇન્ડેક્સ ૧૯૭.૧૪ બતાવે છે, જે મહિનામાં પાંચ ટકાનો વધારો બતાવે છે. કૉમોડિટી બજારમાં તેજી થઈ હોવાનો એનો બીજો સંકેત બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ પણ આપે છે. આ ઇન્ડેક્સ પણ એક સપ્તાહમાં ૮ ટકા અને મહિનામાં ૧૨થી ૧૩ ટકાનો વધારો થઈને ૭૨૫ પર પહોંચ્યો છે.

વૈશ્વિકબજારમાં ઍગ્રી-કૉમોડિટી બજારો પણ છેલ્લા એક મહિનાથી વધી રહી છે. જેમાં ઘઉંના ભાવ ૮ ટકા, રૂના ભાવ ૭ ટકા વધ્યા છે. પામતેલ ૮ ટકા વધ્યું છે, જ્યારે દૂધ અને ચીઝના ભાવ છથી ૮ ટકા વધ્યા છે. સ્ટીલ, ઝિન્ક, નિકલ જેવી નૉન-ઍગ્રી કૉમોડિટીમાં પણ તેજી આવી છે. આમ ઑલઓવર તમામ કૉમોડિટી બજારમાં તેજી આવી હોવાથી વૈશ્વિકકૉમોડિટી ઇન્ડેક્સમાં ફરી તેજી આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ગત નાણાકીય વર્ષ 2018-19માં ઓટો ઇન્ડસ્ટ્રીમાં વેચાણ ઘટ્યું

બેન્ચમાર્ક કૉમોડિટી ઇન્ડેક્સમાં વિશ્વની મુખ્ય ૨૩ કૉમોડિટીનો સમાવેશ થાય છે, જેના વાયદા ચાલે છે અને તેનો વપરાશ પણ વધારે થાય છે. કૉમોડિટી બજારમાં તેજીની અસરે ભારતીય કૉમોડિટી બજારમાં પણ સરેરાશ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય બજારમાં ઍગ્રી-કૉમોડિટી બજારો પણ વધી રહી છે. કૉમોડિટી વાયદાબજારમાં વૉલ્યુમ પણ વધ્યાં છે. ખાસ કરીને માર્ચ ત્રિમાસિક ગાળા દરમ્યાન વૉલ્યુમમાં સારો વધારો થયો હોવાથી કુલ વૉલ્યુમ વધ્યાં છે.

news