ક્લિયર ઇન્ડિકેશનના અભાવે સોનું રેન્જબાઉન્ડ

13 November, 2014 05:37 AM IST  | 

ક્લિયર ઇન્ડિકેશનના અભાવે સોનું રેન્જબાઉન્ડ



બુલિયન બુલેટિન-મયૂર મહેતા


અમેરિકાની સ્ટ્રૉન્ગ ઇકૉનૉમીને પગલે ઇન્ટરેસ્ટ-રેટ વધશે એ શક્યતાએ સોનું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સાડાચાર વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયું હતું. સોનામાં વધુ ઘટાડા માટે નવાં કારણો બજાર પાસે નથી. સોનાના ભાવમાં ઝડપી ઘટાડા બાદ એશિયામાં ભારત અને ચીનની ફિઝિકલ ડિમાન્ડ વધવાની શક્યતા ઍનલિસ્ટો છેલ્લા ત્રણ દિવસથી બતાવી રહ્યા છે, પણ વાસ્તવમાં ફિઝિકલ ડિમાન્ડ વધી નથી. આમ સોનામાં વધુ ઘટાડાનાં કારણોના અભાવે અને તેજી થવા માટે ફિઝિકલ ડિમાન્ડનો સર્પોટ મળતો ન હોવાથી સોનું રેન્જબાઉન્ડ અથડાઈ રહ્યું છે. ચાંદીમાં ફિઝિકલ ડિમાન્ડ વધી રહી છે આથી એમાં ભાવ વધવાની આગાહી ઍનલિસ્ટો કરી રહ્યા છે, પણ અન્ય પ્રેશ્યસ મેટલનો સર્પોટ મળતો ન હોવાથી ચાંદી પણ રેન્જબાઉન્ડ અથડાઈ રહી છે.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં મંગળવારે આખો દિવસ ભાવ સુધરતા રહ્યા હતા. ડૉલરની નરમાઈને કારણે સોનાના ભાવમાં મંગળવારે ૧.૨ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. કોમેક્સ ગોલ્ડ ડિસેમ્બર વાયદો મંગળવારે ઓવરનાઇટ ૩.૨૦ ડૉલર વધીને ૧૧૬૩ ડૉલર સેટલ થયો હતો. ગઈ કાલે સવારે સ્પૉટમાર્કેટમાં સોનાનો ભાવ થોડો ઘટીને ૧૧૬૧.૬૦ ડૉલર ખૂલ્યો હતો જે ડૉલરની નરમાઈને કારણે સતત વધતો રહ્યો હતો. એક તબક્કે સ્પૉટમાં સોનાનો ભાવ વધીને ૧૧૬૪ ડૉલરને પાર કરી ગયો હતો. ચાંદીનો ભાવ ગઈ કાલે સવારે ૧૫.૬૮ ડૉલર ખૂલ્યા બાદ ધીમી ગતિએ ઘટતો રહ્યો હતો. પ્લૅટિનમનો ભાવ ૧૧૯૭ ડૉલર ખૂલ્યા બાદ ૧૨૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયો હતો. પૅલેડિયમનો ભાવ ૭૬૮.૯૮ ડૉલર ખૂલ્યા બાદ ધીમી ગતિએ વધતો રહ્યો હતો.

ચીનની ગોલ્ડ રિઝર્વ


ચીન આવનારા દિવસોમાં અમેરિકા કરતાં પણ વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતો દેશ બનવો જોઈએ એવું ચાઇના ગોલ્ડ અસોસિએશનના જનરલ મૅનેજરે કહ્યું હતું. ચીનની કરન્સી રેનેમ્બી (યુઆન)ને ઇન્ટરનૅશનલ કરન્સીનું સ્ટેટસ આપવા અમેરિકા કરતાં વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતું રાષ્ટ્ર બનવું જોઈએ. અમેરિકા પાસે હાલ વિશ્વની ૭૪ ટકા ગોલ્ડ રિઝર્વ એટલે કે ૮૧૩૩.૫૦ ટનની ગોલ્ડ રિઝર્વ પડેલી છે, જ્યારે ચીન પાસે ઑફિશ્યલી ૧૦૫૪.૧૦ ટન જેટલી વિશ્વની ગોલ્ડ રિઝર્વ પડેલી છે. ચીન કરતાં જર્મની, ઇટલી, ફ્રાન્સ, રશિયા અને ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ પાસે વધુ રિઝર્વ છે.

ગોલ્ડ ETF હોલ્ડિંગ

સોનાનો ભાવ એકધારો ઘટયા બાદ છેલ્લા ચાર દિવસથી ઘટતો અટકી ધીમી ગતિએ સુધરી રહ્યો છે. એક તબક્કે સોનાનો ભાવ સાડાચાર વર્ષની નીચી સપાટીએ પહોંચી જતાં એશિયન દેશો અને ખાસ કરીને ચીન-ભારતની ફિઝિકલ ડિમાન્ડ વધશે એ ધારણાએ છેલ્લા બે દિવસથી ઘટયા મથાળેથી સુધરી રહ્યો છે, પણ હજી એશિયન દેશોમાં સોનાની ડિમાન્ડ વધવાના કોઈ નક્કર સમાચાર આવ્યા નથી. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ) SPDR ટ્રસ્ટનું હોલ્ડિંગ મંગળવારે ૦.૧૨ ટકા ઘટયુ હતું. આ હોલ્ડિંગ સતત છઠ્ઠા દિવસે ઘટયુ હતું. હાલ SPDR ટ્રસ્ટનું હોલ્ડિંગ ૭૨૪.૨૬ ટનનું છે જે છેલ્લાં છ વર્ષની સૌથી નીચી સપાટીએ છે.

ચાંદીમાં તેજીના સંકેત

ચાંદીનો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સાડાચાર વર્ષની નીચી સપાટીએ પહોંચી જતાં ભારત સહિત અનેક દેશોમાં ચાંદીની ડિમાન્ડમાં નીચા ભાવે જબ્બર ઉછાળો જોવા મળ્યો છે. ભારતમાં દિવાળીના તહેવારોમાં અને ત્યાર બાદ ચાંદીની ડિમાન્ડ સતત વધી રહી હોવાથી લંડન સ્પૉટ માર્કેટના ભાવ પર પ્રીમિયમ હવે વધીને ૧૬થી ૧૭ સેન્ટ બોલાઈ રહ્યું છે જે દોઢ-બે મહિના અગાઉ ત્રણથી ચાર સેન્ટ જ બોલાતું હતું. ચાંદીના અગ્રણી ડીલરોના જણાવ્યા અનુસાર ચાંદીની જ્વેલરીના વેચાણમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં ઈગલ સિલ્વર કૉઇન્સનું વેચાણ ઑક્ટોબરમાં ૫૭.૯ લાખ ઔંસનું નોંધાયું હતું જે સપ્ટેમ્બરમાં ૪૧.૪ ઔંસ જ હતું. સિલ્વર ETFનું  હોલ્ડિંગ નીચા ભાવે સતત વધી રહ્યું છે. ૨૦૧૪ના આરંભથી અત્યાર સુધીમાં સિલ્વર ETFના હોલ્ડિંગમાં ૨.૩ ટકાનો વધારો નોંધાયો હતો. સિંગાપોરના ફિલિપ ફ્યુચરના ઍનલિસ્ટના અંદાજ અનુસાર આવનારા દિવસોમાં સોના કરતાં ચાંદીમાં તેજી થવાના વધારે
ચાન્સ છે.

ભારતની ગોલ્ડ ઈમ્પોટ ૨૦૧૫માં વધવાની આગાહી

ભારતની ગોલ્ડ ઈમ્પોટ સરકારનાં નિયંત્રણો બાદ સતત ઘટી રહી છે ત્યારે અમેરિકાની બૅન્ક ઑફ સ્કોટિયા મોકાટાના મૅનેજિંગ ડિરેક્ટરે ૨૦૧૫માં ભારતની ગોલ્ડ ઈમ્પોટ વધવાની આગાહી કરી છે. આગાહી અનુસાર જુલાઈ ૨૦૧૩માં સરકારે ગોલ્ડની ઈમ્પોટ-ડ્યુટી વધારી હતી અને ૮૦:૨૦ રૂલ દ્વારા ઈમ્પોટ પર નિયંત્રણો લાદી દીધાં હતાં. ત્યાર બાદ ઈમ્પોટ સતત ઘટી હતી. સપ્ટેમ્બર ૨૦૧૩માં તો માત્ર પાંચ ટનની ઈમ્પોટ થઈ હતી અને ૨૦૧૩માં ગોલ્ડનું પ્રીમિયમ પણ વધીને ૧૬૦ ડૉલર થયું હતું. ૨૦૧૪માં છેલ્લા ચાર મહિનાથી ઈમ્પોટ ધીમે-ધીમે વધી રહી છે. હવે દર મહિને ઍવરેજ ૫૦થી ૬૦ ટનની ઈમ્પોટ થવા લાગી છે. ગોલ્ડનું પ્રીમિયમ પણ ઘટીને પાંચથી દસ ડૉલર ઍવરેજ રહેવા લાગ્યું છે. સરકાર દ્વારા ઈમ્પોટ-રૂલ્સમાં કોઈ ફેરફાર નહીં થાય એવી સ્પક્ટતા થયા બાદ ગોલ્ડ માર્કેટ હવે ઈમ્પોટ નિયંત્રણો સાથે ઍડ્જસ્ટ થવા લાગી છે. ૨૦૧૫માં મુખ્ય બે કારણથી ગોલ્ડ ઈમ્પોટ વધશે. એમાં આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ માર્કેટમાં ગોલ્ડના ભાવ ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા છે અને નરેન્દ્ર મોદીની સ્થિર સરકાર આવ્યા બાદ દેશની આર્થિક સ્થિતિ ઝડપથી સુધરી રહી છે એને કારણે સામાન્ય લોકોની ખરીદશક્તિમાં જે વધારો જોવા મળ્યો છે એની અસર ૨૦૧૫માં ગોલ્ડની ખરીદીમાં જોવા મળશે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૫,૯૮૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૫,૮૩૦
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૫,૮૯૦
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)