ચીનમાં ડિફ્લેશન શરૂ થતાં ફિઝિકલ ડિમાન્ડ ઘટવાની શક્યતાએ સોના-ચાંદી ઘટ્યાં

12 March, 2025 06:53 AM IST  |  Mumbai | Mayur Mehta

ડોનલ્ડ ટ્રમ્પનો અમેરિકન ઇકૉનૉમી ટ્રા​​ન્ઝિશન પિરિયડમાંથી પસાર થઈ રહી હોવાનો એકરાર

પ્રતીકાત્મક તસવીર

ચીનનું ઇન્ફ્લેશન ૧૩ મહિના પછી માઇનસ રહેતાં ડિફ્લેશન શરૂ થતાં ફિઝિકલ ડિમાન્ડ ઘટવાની શક્યતાએ સોના-ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૨૮૯૪.૧૦ ડૉલર અને ચાંદી ઘટીને ૩૨.૩૨ ડૉલરે પહોંચ્યાં હતાં.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૨૭ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૯૦ રૂપિયા ઘટ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનનું કન્ઝ્યુમર હેડલાઇન ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં માઇનસ ૦.૭ ટકા રહ્યું હતું જેના વિશે માર્કેટની ધારણા માઇનસ ૦.૫ ટકાની હતી અને જાન્યુઆરીમાં ઇન્ફ્લેશન પ્લસ ૦.૫ ટકા હતું. ચીનમાં ૧૩ મહિના પછી ફરી એક વખત ઇન્ફ્લેશન માઇનસ કૅટેગરીમાં આવ્યું હતું. કોર ઇન્ફ્લેશન પણ ફેબ્રુઆરીમાં માઇનસ ૦.૧ ટકા રહ્યું હતું જે જાન્યુઆરીમાં પ્લસ ૦.૬ ટકા હતું. ફૂડ પ્રાઇસ ઘટીને ૧૩ મહિનાની નીચી સપાટીએ માઇનસ ૩.૩ ટકા રહ્યા હતા જે જાન્યુઆરીમાં પ્લસ ૦.૪ ટકા હતા. આમ ચીનમાં નબળી ઇકૉનૉમિક ક​ન્ડિશન વચ્ચે ડિફ્લેશનનો ભય ફરી દેખાવા લાગ્યો હતો.

અમેરિકાના નૉન ફાર્મ પે-રોલ ડેટામાં ફેબ્રુઆરીમાં ૧.૫૧ લાખનો ઉમેરો થયો હતો, જેમાં જાન્યુઆરીમાં ૧.૨૫ લાખનો ઉમેરો થયો હતો અને માર્કેટની ધારણા ૧.૬૦ લાખના ઉમેરાની હતી. અમેરિકાના જૉબમાર્કેટમાં છેલ્લા બે મહિનાથી સુસ્તીનો માહોલ દેખાઈ રહ્યો છે. ડિસેમ્બરમાં ૩.૨૩ લાખ નવી નોકરીઓ ઉમેરાયા બાદ સતત બે મહિનાથી નવી નોકરીઓની સંખ્યા ઘટી રહી છે જેને કારણે અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં વધીને ૪.૧ ટકાએ પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ચાર ટકા હતો અને માર્કેટની ધારણા પણ ચાર ટકાની હતી. અમેરિકાના એમ્પ્લૉઈને મળતું પ્રતિ કલાક વેતન ફેબ્રુઆરીમાં ૧૦ સેન્ટ એટલે કે ૦.૩ ટકા વધીને ૩૫.૯૩ ડૉલરે પહોંચ્યું હતું જે જાન્યુઆરીમાં ૦.૪ ટકા વધ્યું હતું.

અમેરિકાના નૉન ફાર્મ પે-રોલ ડેટા નબળા આવતાં અને અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ વધતાં ડૉલર ઇન્ડેક્સ ઘટીને નવી ચાર મહિનાની નીચી સપાટીએ ૧૦૩.૫૬ પૉઇન્ટે પહોંચ્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પે શનિવારે ફોક્સ ન્યુઝને આપેલા ઇન્ટરવ્યુમાં અમેરિકન ઇકૉનૉમી ટ્રા​ન્ઝિશન પિરિયડમાંથી પસાર થઈ રહી હોવાનો એકરાર કર્યો હતો અને ટ્રેડવૉરને કારણે અમેરિકન ઇકૉનૉમિક ડેટા છેલ્લાં બે સપ્તાહથી નબળા આવી રહ્યા હોવાથી ડૉલર ઇન્ડેક્સ સતત ઘટી રહ્યો છે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

ચીનની ગવર્નમેન્ટ ઑથોરિટી દ્વારા અનેક પ્રકારનાં સ્ટીમ્યુલસ પૅકેજ જાહેર થયા છતાં અમેરિકા સાથે ટ્રેડવૉર શરૂ થતાં ઇકૉનૉમિક ક​ન્ડિશન સતત બગડી રહી છે. ચીનમાં ૧૩ મહિના પછી ફરી ડિફ્લેશન શરૂ થતાં ઇકૉનૉમિક ક​​ન્ડિશન વધુ બગડવાની શક્યતા ઊભી થઈ છે. ચીન વર્લ્ડમાં સોનાનું સૌથી મોટું કન્ઝ્યુમર અને ઇમ્પોર્ટર હોવાથી સ્વભાવિક રીતે એની ઇકૉનૉમિક ક​ન્ડિશનનો સીધો સંબંધ સોનાની તેજી-મંદી સાથે છે. ચીનની સેન્ટ્રલ બૅન્કે ફેબ્રુઆરીમાં સતત ચોથે મહિને સોનાની ખરીદી કરી હોવા છતાં જાન્યુઆરીમાં સોનાની ઇમ્પોર્ટ ઘટી હતી. ભારતમાં સોનાના ઊંચા ભાવને કારણે સોનાની ઇમ્પોર્ટ ઘટી રહી હોવાથી હવે ફરી એક વખત સોનામાં ફિઝિકલ ડિમાન્ડ ઘટવાનું જોખમ વધી રહ્યું હોવાથી સોનાની તેજીને બ્રેક લાગી છે. વિશ્વમાં સોનાની કુલ ફિઝિકલ ડિમાન્ડમાંથી ૫૦ ટકા ડિમાન્ડ ચીન અને ભારતમાંથી આવી રહી છે ત્યારે બન્ને દેશની ફિઝિકલ ડિમાન્ડ છેલ્લા બે મહિનાથી એકધારી ઘટી રહી છે. આગામી દિવસોમાં ચીનના ફેબ્રુઆરી મહિનાના ઇમ્પોર્ટના ડેટા પણ નબળા આવશે તો સોનામાં વધુ ઘટાડો જોવા મળશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૫,૯૩૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૫,૫૮૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૬,૬૩૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

gold silver price commodity market china indian economy united states of america business news