ઇન્વેસ્ટમેન્ટને વેગ આપવા પૉલિસીઓમાં સુધારા કરવામાં આવશે : પી. ચિદમ્બરમ

07 August, 2012 05:41 AM IST  | 

ઇન્વેસ્ટમેન્ટને વેગ આપવા પૉલિસીઓમાં સુધારા કરવામાં આવશે : પી. ચિદમ્બરમ

પી. ચિદમ્બરમે ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે ‘ઇન્વેસ્ટરોનો કૉન્ફિડન્સ પાછો લાવવા અને રોકાણને વેગ આપવા માટે વર્તમાન પૉલિસીઓમાં સુધારા કરવામાં આવશે. આ ઉપરાંત બજેટની જોગવાઈઓને કારણે કરવેરાને લગતી જે સમસ્યાઓ ઊભી થઈ છે એ પણ દૂર કરવામાં આવશે. પાછલી સમયમર્યાદાથી કરવેરાની જોગવાઈઓમાં ફેરફાર કરવાની જે વાત છે એનો પણ રિવ્યુ કરવામાં આવશે.’

 

પી. ચિદમ્બરમે એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે ‘અત્યારે વ્યાજના દર ઊંચા છે. કેટલીક વાર ઇન્વેસ્ટમેન્ટ સ્ટિમ્યુલેશન તેમ જ ગ્રાહકો પરનો બોજ હળવો કરવા માટે ગણતરીપૂર્વકનાં જોખમો લેવાં પડે છે. અમે આ બાબતે પણ યોગ્ય પગલાં લઈશું. વિવિધ વર્ગના લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે નીતિઓમાં જરૂરી સુધારા કરવામાં આવશે. ઇન્વેસ્ટમેન્ટનું લેવલ જીડીપીના ૩૦ ટકા જેટલું કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. અર્થતંત્ર સામે અત્યારે અનેક પરિબળોનો પડકાર છે, પરંતુ સાઉન્ડ પૉલિસી, ગુડ ગવર્નન્સ અને અસરકારક અમલીકરણ દ્વારા અમે આ ચૅલેન્જિસનો સામનો કરી શકીશું.’

નાણાપ્રધાન પી. ચિદમ્બરમે ગઈ કાલે જાહેરાત કરી હતી કે રીટેલ રોકાણકારોને મ્યુચ્યુઅલ ફન્ડ, ઇન્શ્યૉરન્સ પૉલિસી અને અન્ય રોકાણસાધનોમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આકર્ષવા સરકાર ટૂંક સમયમાં અનેક પગલાં જાહેર કરશે.

જીડીપી = ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ