100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઈ-ઇન્વોઇસ અનિવાર્ય

12 November, 2020 03:00 PM IST  |  New Delhi | Agency

100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઈ-ઇન્વોઇસ અનિવાર્ય

જીએસટી

કેન્દ્ર સરકાર નવા વર્ષથી ઈ-ઇન્વોઇસ પ્રણાલીમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ માટે એક અધિસૂચના જારી કરવામાં આવી છે. અધિસૂચના મુજબ પહેલી જાન્યુઆરી ૨૦૨૧થી ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે પ્રમાણમાં ટર્નઓવરવાળા કારોબારીઓ અને કંપનીઓ માટે બિઝનેસ-ટુ-બિઝનેસ ટ્રાન્ઝેક્શન (બીટુબી ટ્રાન્ઝેક્શન્સ) પર ઈ-ઇન્વોઇસ ફરજિયાત બનાવી દેવાયું છે.

તેની સાથે પહેલી એપ્રિલ ૨૦૨૧થી બધા કરદાતા માટે બિઝનેસ-ટુ-બિઝનેસ લેણદેણ પર ઈ-ઇન્વોઇસ ફરજિયાત થશે. હાલમાં વર્ષે ૫૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઈ-ઇન્વોઇસ ફરજિયાત છે. ઈ-ઇન્વોઇસને ઈ-બિલ પણ કહેવાય છે.

જીએસટી કાયદા હેઠળ બિઝનેસ-ટુ-બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ માટે પહેલી ઑક્ટોબર ૨૦૨૦થી ૫૦૦ કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઈ-ઇન્વોઇસ અનિવાર્ય કરી દેવાયું છે. નવા વર્ષથી વર્ષે ૧૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે પણ ઈ-ઇન્વોઇસ ફરજિયાત થતાં હવે તેમના માટે બે મહિનાથી ઓછો સમય તેમના માટે રહ્યો છે. કંપનીઓએ આ સમયગાળામાં નવા નિયમ મુજબ પોતાના બિલિંગ સોફ્ટવેરને અપગ્રેડ કરવું પડશે.

નવી કાર્યપ્રણાલી હેઠળ વર્ષે ૧૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી અથવા તેનાથી મોટી કંપનીઓએ દરેક વેચાણ માટે એક યુનિક ઇન્વોઇસ રેફરન્સ પોર્ટલ પર જઈને ઈ-ઇન્વોઇસ કાઢવું પડશે. તેમાં એક ઇન્વોઇસ રેફરન્સ નંબર (આઇઆરએન) જનરેટ થશે. નવા વર્ષે આમ ન કરનારી કંપનીઓ બિઝનેસ-ટુ-બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ નહીં કરી શકે. સરકારના આ પગલાંથી જીએસટીના નિયમોનું પાલન યોગ્ય રીતે થઈ શકશે. તેનાથી સરકારને જીએસટીથી થતી આવક વધશે.

goods and services tax business news