વાહનોનું ઉત્પાદન ચાલુ વર્ષમાં ૫.૮૦ ટકા વધશે

05 November, 2012 05:54 AM IST  | 

વાહનોનું ઉત્પાદન ચાલુ વર્ષમાં ૫.૮૦ ટકા વધશે



ઇકૉનૉમિક રિસર્ચ કંપની સીએમઆઇના રિપોર્ટમાં જણાવ્યા મુજબ વ્યાજના ઊંચા દર, ફ્યુઅલના ઊંચા ભાવ તેમ જ નબળા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઑગસ્ટ દરમ્યાન વાહનોના ઉત્પાદનને પ્રતિકૂળ અસર થઈ છે. ફેસ્ટિવલ સીઝન અને નવાં વાહનોના લૉન્ચિંગને પગલે પાછલા છ મહિનામાં ઉત્પાદનમાં વૃદ્ધિ થવાની અપેક્ષા છે. સમગ્ર વર્ષમાં વાહનોના ઉત્પાદનનો વૃદ્ધિદર ૬ ટકાનો રહેવાનો અંદાજ છે. જોકે આગલા વર્ષે ૧૩.૮૦ ટકાના ગ્રોથરેટ કરતાં એ ઓછો જ હશે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં વૃદ્ધિદર ૪.૧૦ ટકાનો રહ્યો છે.

વાહનોના કુલ ઉત્પાદનમાં ટૂ અને થ્રી-વ્હીલરનો હિસ્સો ૭૫ ટકા જેટલો હોય છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ સેગમેન્ટનો ગ્રોથરેટ માત્ર ૫.૯૦ ટકા જેટલો રહેવાની અપેક્ષા છે, જેની અસર સમગ્ર ઇન્ડસ્ટ્રીના વૃદ્ધિદર પર પડશે. મલ્ટિ યુટિલિટી, કાર અને વૅન સેગમેન્ટનો ગ્રોથરેટ ૩૨.૭૦ ટકાનો રહેશે એને પગલે સમગ્ર ઑટોમોબાઇલ ક્ષેત્રનો ગ્રોથરેટ ૬.૨૦ ટકા જેટલો રહેવાની ગણતરી છે.

એપ્રિલ-ઑગસ્ટ ૨૦૧૨ દરમ્યાન પૅસેન્જર કાર અને વૅન સેગમેન્ટનું ઉત્પાદન ૨.૪૦ ટકા ઘટ્યું છે, જે ફેસ્ટિવલ સીઝન અને નવાં વાહનોના લૉન્ચિંગને કારણે સમગ્ર વર્ષ દરમ્યાન ૨.૬૦ ટકા વધવાનો અંદાજ છે.

મિડિયમ અને હેવી કમર્શિયલ વેહિકલ્સનું ઉત્પાદન ચાલુ વર્ષમાં ૬.૪૦ ટકા ઘટશે, જ્યારે લાઇટ કમર્શિયલ વેહિકલ્સનું ૮.૯૦ ટકા જેટલું વધશે.

સીએમઆઇઈ = સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી