કૅપિટલ ગુડ્સ, પાવર અને ઇન્ફ્રા શૅરની આગેકૂચ

19 November, 2014 05:30 AM IST  | 

કૅપિટલ ગુડ્સ, પાવર અને ઇન્ફ્રા શૅરની આગેકૂચ



શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ

વૉલેટિલિટીને જાળવી રાખતાં શૅરબજાર મંગળવારે બેતરફી વધ-ઘટ બાદ નહીંવત્ ઘટાડે બંધ રહ્યું છે. સેન્સેક્સ ૧૪ પૉઇન્ટની નરમાઈમાં ૨૮૧૬૩ તથા નિફ્ટી પાંચ પૉઇન્ટની પીછેહઠમાં ૮૪૨૬ નજીક સેટલ થયા છે. જોકે ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૨૮૨૮૩ તથા નિફ્ટી ૮૪૫૪ની નવી વિક્રમી સપાટીએ ગયા હતા. પોણાબેથી સવાબેનો ગાળો વી શેપનો હતો, જેમાં સેન્સેક્સ ૨૮૧૨૦ તથા નિફ્ટી ૮૪૦૭ના તળિયે ગયા હતા. આ અડધા કલાકને બાદ કરતાં બજાર આખો દિવસ પૉઝિટિવ ઝોનમાં હતું. બજારનું માર્કેટ કૅપ પ્રોવિઝનલ ફિગર પ્રમાણે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના ઉમેરામાં હવે ૯૯.૨૪ લાખ કરોડ રૂપિયાના નવા વિક્રમી શિખરે પહોંચી ગયું છે. ઇન્ટ્રા-ડેનું લેવલ બરકરાર રરહ્યું હોત તો મંગળવારે જ બીએસઈનું માર્કેટકૅપ ૧૦૦ ટ્રિલ્યન રૂપિયાના માઇલસ્ટોનને સર કરી ચૂક્યું હોત. એની વે, બુધવાર કે ગુરુવારથી વધુ રાહ નહીં જોવી પડે. જૅપનીઝ શૅરબજાર સોમવારના આંચકાને પચાવી ગઈ કાલે ૩૭૦ પૉઇન્ટ કે બે ટકાથી વધુના બાઉન્સબેકમાં ફરી વાર ૧૭ની ઉપર ૧૭૩૪૭ બંધ આવ્યું છે. સાઉથ કોરિયન કોસ્પી ઇન્ડેક્સ ૧.૨ ટકા, ઇન્ડોનેશિયન માર્કેટ એક ટકો, સિંગાપોર તથા થાઇલૅન્ડ પોણા ટકાથી વધુ ઊંચકાયા હતા. સામે હૉન્ગકૉન્ગ એક ટકા કરતાં વધુ અને ચાઇના પોણા ટકાની નજીક નરમ હતા. યુરોપનાં બજારો અડધાથી સવા ટકાની રેન્જમાં ઉપર દેખાતા હતા.

કૅપિટલ ગુડ્સમાં સૌથી વધુ તેજી

બજારના સામાન્ય નેગેટિવ ક્લોઝિંગ સામે ગઈ કાલે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સૌથી વધુ ૧.૬૧ ટકા એટલે કે ૨૫૬ પૉઇન્ટ વધ્યો હતો. છેલ્લે ૧૬૧૭૧.૧૪ પર બંધ જોવા મળ્યો હતો. એનાં ૧૮માંથી ૧૪ કાઉન્ટર્સ તેજીમાં બંધ હતાં. સેન્સેક્સના સૌથી વધુ વધનારા ત્રણ શૅરોમાં બે શૅર કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સના હતા. હેવીવેઇટ ભેલ બે ટકાની મજબૂતીમાં ૨૫૪.૧૫ રૂપિયા બંધ હતો, તો એલઍન્ડટી ૧.૭૯ ટકા વધીને ૧૬૪૪.૭૦ રૂપિયા રહ્યો હતો. લાર્સને બજારને ૨૭ પૉઇન્ટનો ફાયદો કરાવ્યો હતો. પૂંજ લૉઇડ પાંચ ટકા ઊંચકાઈને ૪૦.૧૫ રૂપિયા, ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ ૪.૬૨ ટકાની મજબૂતીમાં ૨૦૨.૮૫ રૂપિયા, પીપાવાવ ડિફેન્સ બે ટકા પ્લસમાં ૩૭.૩૦ રૂપિયા, સિમેન્સ ૧.૮૦ ટકા વધીને ૯૩૪.૨૫ રૂપિયા, વાટેક વાબેગ ૧.૪૮ ટકાના વધારે ૧૫૯૨.૧૫ રૂપિયા, એઆઇએ એન્જિ. ૧.૪૫ ટકા ઊંચકાઈને ૧૧૨૨.૬૦ રૂપિયા, ફાગ બેરિંગ્સ ૧.૩૧ ટકા વધીને ૩૧૩૦ રૂપિયા, લક્ષ્મી મશીન્સ ૦.૭૩ ટકા વધીને ૪૩૩૦.૭૦ રૂપિયા, થર્મેક્સ ૦.૬૫ ટકા સુધરીને ૧૦૬૫.૨૫ રૂપિયા, એબીબી ૦.૪૨ ટકા, અલ્સટૉમ ટીઍન્ડડી ૦.૪૨ ટકા અને એઆઇએલ ૦.૨૫ ટકા પૉઝિટિવ ઝોનમાં બંધ રહ્યા હતા. તો સામેની બાજુ સુઝલોન એનર્જી સૌથી વધુ ૧.૭૨ ટકા ઘટયો હતો. એસકેએફ ઇન્ડિયા ૧.૩૫ ટકા ઘટીને ૧૩૪૫.૯૦ રૂપિયા, બીઈએલ ૦.૭૧ ટકાની નરમાઈમાં ૨૨૫૮.૮૫ રૂપિયા અને હેવેલ્સ ૦.૦૭ ટકા ઘટીને ૩૦૭.૨૫ રૂપિયા પર બંધ જોવા મળ્યો હતો.

સુરાણા વેન્ચર્સમાં બેતરફી ધમાલ

સુરાણા વેન્ચર્સ ૯૮ રૂપિયા નજીકના આગલા બંધ સામે મજબૂત ખૂલી ઉપરમાં ૧૦૦ રૂપિયાને વટાવી ગયા બાદ ૨૦ ટકાની નીચલી સર્કિટે ૭૮.૨૦ રૂપિયા થયો હતો. પછીથી હાઈનેટ વર્થ બાઇંગ સર્પોટમાં બાઉન્સબેક થઈ ૯૨ રૂપિયા નજીક બંધ હતો. વૉલ્યુમ પાંચ ગણું હતું. કંપની દ્વારા ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરના પાંચ રૂપિયામાં વિભાજન માટે ૨૬ નવેમ્બરની રેકૉર્ડ-ડેટ જાહેર કરવામાં આવી છે. કંપનીને આંધ્ર પ્રદેશ તથા તેલંગણ રાજ્ય સરકાર તરફથી ૨૦૦ કરોડ રૂપિયાનો ૪૦૦૦ સોલર ફોટોવૉલ્ટિક વૉટર-પમ્પ સેટ સપ્લાય કરી કાર્યરત કરવાનો ઑર્ડર મળ્યો હોવાના અહેવાલ શૅરમાં મોટા પ્રત્યાઘાતી સુધારાનું કારણ બન્યા હતા. ૨૪૬૦ લાખ રૂપિયાની ઇક્વિટીમાં મોટર્સ હોલ્ડિંગ ૭૫ ટકા છે. ૧૦ રૂપિયાના શૅરના બે રૂપિયામાં વિભાજનનો નિર્ણય લેવામાં આવ્યો છે એ હેથવે કેબલ્સ પણ ગઈ કાલે ૧૬ ગણા કામકાજમાં નીચામાં ૩૩૯ અને ઉપરમાં ૩૬૦ થઈ છેલ્લે ૧.૯ ટકા વધીને ૩૫૦ રૂપિયા બંધ હતો. આગલા દિવસે ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૨૦૨ રૂપિયા બંધ રહેલો શક્તિ પમ્પ્સ નીચામાં ૧૬૫ રૂપિયા થઈ બાઉન્સબેકમાં ૧૯૯ રૂપિયા પ્લસ હતો. કામકાજ ૧૧ ગણું નોંધાયું હતું.


રેણુકા શુગરમાં સળંગ બીજા દિવસે મીઠાશ


રેણુકા શુગર લગભગ ૪૪ લાખ શૅરના વૉલ્યુમમાં સળંગ બીજા દિવસે સવાસાત ટકાની તેજીમાં ૧૯.૩૫ રૂપિયા બંધ હતો. ભાવ ઉપરમાં ૨૦ રૂપિયા નજીક ગયો હતો. બલરામપુર ચિની બમણાથી વધુના કામકાજમાં ૪.૬ ટકા વધીને ૬૮.૩૫ રૂપિયા બંધ હતો. શુગર સેક્ટરના કુલ ૩૯માંથી ૩૩ શૅર ગઈ કાલે ઊંચકાયા હતા. સિમ્ભોલી શુગર ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૭ રૂપિયા, અપરગંગા શુગર ૧૫ ટકાના જમ્પમાં ૪૭.૨૫ રૂપિયા, ઔંધ શુગર ૧૧.૬ ટકાના ઉછાળામાં ૨૫ રૂપિયા, શક્તિ શુગર પોણાનવ ટકા વધીને ૨૦ રૂપિયા નજીક, ધરણી શુગર ૭.૫ ટકાની મજબૂતીમાં ૨૧ રૂપિયા નજીક તથા દ્વારકેશ શુગર સવાસાત ટકાની તેજીમાં ૪૦ રૂપિયા બંધ હતા. ત્રિવેણી, બજાજ હિન્દુસ્તાન, ઉત્તમ શુગર, રાજશ્રી શુગર અને પોની ઈરોડ જેવા શૅર પાંચથી સાત ટકા મીઠા થયા હતા. ઘટેલા ૬ શૅરમાં ધામપુર શુગર ૩.૫ ટકા, કેસર એન્ટરપ્રાઇઝિસ ૨.૯ ટકા તથા ઈઆઇડી પૅરી ૧.૭ ટકાની નરમાઈમાં ટૉપ લૂઝર હતા.


જ્વેલરી શૅર નિસ્તેજ


ગોલ્ડની આયાત ઑક્ટોબરમાં ૨૮૨ ટકા વધીને ચાર અબજ ડૉલરને આંબી ગયા બાદ સરકાર તથા રિઝવર્‍ બૅન્ક ગોલ્ડ ઈમ્પોર્ટ વિશે વધુ કડક બને એવા વર્તારા છે. એના પગલે જ્વેલરી શૅર ગઈ કાલે સારાએવા ઝંખવાયા હતા. સ્વર્ણસરિતા સાતેક ટકા ગગડીને ૩૯ રૂપિયા નીચે બંધ હતો. તાતા જ્વેલ ૩.૨ ટકા, ટીબીઝેડ સવાબે ટકા, શ્રેણુજ ઍન્ડ કંપની પોણાત્રણ ટકા, શ્રીગણેશ જ્વેલરી અઢી ટકા, પીસી જ્વેલર્સ ૨.૮ ટકા, ગીતાંજલિ જેમ્સ એક ટકો, ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ દોઢ ટકા, લિપ્સા જેમ્સ સવાત્રણ ટકા અને સી. મહેન્દ્ર એક્સર્પોટ્સ પાંચ ટકા ડાઉન હતા. રેનેસાં જ્વેલરી ૨.૪ ટકા, થંગમિયલ એક ટકો, શાંતિવિજય જ્વેલ્સ ચાર ટકા વધીને બંધ હતા. ટાઇટન એક ટકો ઘટીને ૩૭૩ રૂપિયા હતો. જેમ્સ-જ્વેલરી સેગમેન્ટના ૨૬ શૅરમાંથી માત્ર ૬ શૅર વધીને બંધ હતા. જ્વેલરી શૅરની નરમાઈ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સને અડધો ટકો ઘટાડવામાં મુખ્ય નિમિત્ત બની હતી, કેમ કે આ બેન્ચમાર્કના ૧૦માંથી જે પાંચ શૅર ઘટેલા હતા એમાંથી ચાર શૅર જેમ્સ જ્વેલરી સેગમેન્ટના હતા.


૩૦૭ જાતો ઐતિહાસિક ઊંચી સપાટીએ


બીએસઈ ખાતે ૭૪ શૅર એક વર્ષર્‍ કે એથી વધુ સમયગાળાની રીતે તળિયે ગયા હતા. સામે ૩૦૭ કાઉન્ટરમાં ઐતિહાસિક શિખર બન્યાં હતાં, જેમાં કેટલાંક જાણીતાં નામ આ મુજબ છે : આરતી ડ્રગ્સ, એજિસ લૉજિસ્ટિક, એઆઇએ એન્જિનિયરિંગ, અજન્ટા ફાર્મા, અલ્સટૉમ ઇન્ડિયા, અશોક આલ્કોકેમ, એસિયન ગ્રેનિટો, અરબિંદો ફાર્મા, બાયર લૉરી, ભારત ર્ફોજ, બૅન્ક ઑફ બરોડા, બાન્કો પ્રોડક્ટ્સ, બૉશ, બૉમ્બે બર્મા, ડાબર ઇન્ડિયા, ડીસીબી, ડાયનાકોન્સ સિસ્ટમ્સ, આઇશર મોટર્સ, ડી. એસ. કુલકર્ણી, ઇરોઝ, એસેલ પ્રોપેક, ક્રૂડ ઍન્ડ ઇન્સ, ફેડરલ મુગલ, ગૃહ ફાઇનૅન્સ, હિન્દ રેક્ટિફાયર્સ, હિટાચી હોમ, ઇન્ડિયન હોટેલ્સ, ઇન્ફોસિસ, આઇઆરબી ઇન્ફ્રા, કોલ્તે પાટીલ, જિન્દલ સૉ, લુપિન, માયસોર પેટ્રો, ઑનમોબાઇલ, પટેલ ઇન્ટિગ્રેટ્સ, પિડિલાઇટ, રાણે એન્જિન, રાષ્ટ્રીય કેમિકલ્સ, એસબીઆઇ, ટાઇડ વૉટર, ટિપ્સ ઇન્ડ, ટ્રેન્ટ, તાતા મોટર્સ, તાતા કેમિકલ્સ, તાતા ફાઇનૅન્સ, તાતા કમ્યુનિકેશન્સ, વૉલ્ટાસ, ઝાયકૉમ સિક્યૉરિટીઝ એન્ટરટેઇનમેન્ટ, ઝેનટેક, ટૉરન્ટ ફાર્મા, સ્ટરલાઇટ ટેક્નૉ, નાઇલ વગેરે.


માર્કેટ-બ્રેડ્થમાં મજબૂતાઈ


ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૪ શૅર તથા બજારના ૨૪માંથી ૧૬ ઇન્ડાઇસિસ વધીને બંધ હતા. ૪૦૭ શૅર તેજીની સર્કિટે તો ૨૭૮ ãસ્ક્રપ્સ નીચલી સર્કિટે બંધ હતી. કુલ ૩૨૦૬ શૅરમાં સોદા પડ્યા હતા. એમાંથી ૧૭૨૪ શૅર વધેલા હતા. તો ૧૩૮૯ જાતો નરમ હતી. સેન્સેક્સની નામ કે વાસ્તે પીછેહઠ સામે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧.૬ ટકા, ઇન્ફ્રા ઇન્ડેક્સ દોઢ ટકો, મેટલ ઇન્ડેક્સ એક ટકો, પાવર ઇન્ડેક્સ ૧.૩ ટકા અને સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૦.૯ ટકા પ્લસ હતા. ઇન્ફી પોણો ટકો અને ટીસીએસ ૧.૨ ટકા ઘટીને બંધ આવતાં આઇટી ઇન્ડેક્સ સર્વાધિક પોણો ટકો ડાઉન હતો. રિયલ્ટી તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અડધા ટકાની આસપાસ ઢીલા હતા. સેન્સેક્સ ખાતે સેસા સ્ટરલાઇટ ૪ ટકા, ભેલ ૨ ટકા, લાર્સન ૧.૮ ટકા, ભારતી ઍરટેલ ૧.૬ ટકા, એચડીએફસી બૅન્ક અને તાતા સ્ટીલ ૧.૪ ટકા અપ હતા. સામે એચડીએફસી અને સન ફાર્મા ૧.૯ ટકાના ઘટાડે ટૉપ લૂઝર બન્યા હતા. જોકે હિન્દાલ્કો બે ટકા ડાઉન હતો, પણ વેઇટેજ ઓછું હોવાથી એ બજાર માટે ઉપરના બે કરતાં ઓછો હાનિકારક નીવડ્યો હતો. ઓએનજીસી દોઢ ટકો નરમ હતો. સેન્સેક્સ ઉપરાંત સ્મૉલકૅપ, મિડકૅપ, બીએસઈ-૧૦૦, ૨૦૦ અને ૫૦૦, ઇન્ફ્રા, ઑટો, બૅન્કેક્સ, ટેક્નૉલૉજી સહિત કુલ ૧૧ બેન્ચમાર્ક નવા વિક્રમી સ્તરે પહોંચ્યા હતા. ખાતરઉદ્યોગના ૧૮માંથી માત્ર ૩ શૅર વધ્યા હતા. મૅન્ગલોર કેમિકલ્સ સર્વાધિક ૫.૪ ટકા ખરાબ હતો. તો એરિસ ઍગ્રો ૭.૬ ટકાની તેજીમાં ૧૦૫ રૂપિયા રૂપિયા બંધ હતો. સિમેન્ટ શૅરમાં દાલમિયા ભારત ૯ ટકાના જમ્પમાં ૫૨૨ રૂપિયા અને કાકટિયા સિમેન્ટ ૮.૯ ટકાની તેજીમાં ૧૧૯ રૂપિયા હતા. જેકે સિમેન્ટ, જેકે લક્ષ્મી, અલ્ટ્રાટેક, ઇન્ડિયા સિમેન્ટ, એસીસી, અંબુજા સિમેન્ટ જેવાં ચલણી કાઉન્ટર ઘટાડામાં હતાં.

બજારની અંદર-બહાર

સેસા સ્ટરલાઇટ ૨૫૦૦ કરોડ રૂપિયાના રોકાણથી તામિલનાડુના પ્લાન્ટની ક્ષમતા વધારશે એવા અહેવાલે શૅર તગડા કામકાજમાં ૪ ટકા વધીને ૨૪૭ રૂપિયા બંધ હતો.


એસઆરએસ રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ દ્વારા ૧:૧ બોનસ જાહેર થતાં ઉપરમાં ૪૮ નજીક જઈ છેલ્લે ૦.૯ ટકાના સુધારામાં ૪૫.૮૦ રૂપિયા બંધ હતો.


ફાઇનૅન્શિયલ ટેક્નૉ દ્વારા મૉરિશિયસ-બેઝ્ડ એક્સચેન્જને ૪૦૫ લાખ ડૉલરમાં વેચવાના કરાર થયાના અહેવાલે ભાવ ૪.૩ ટકા વધીને ૧૯૦ રૂપિયા જેવો બંધ હતો.


પૂંજ લૉઇડને રોડ ટ્રાન્સર્પોટ ખાતા તરફથી ૬૬૬ કરોડ રૂપિયાનો હાઇવે ઈપીસી કૉન્ટ્રૅક્ટ મળતાં શૅર પાંચ ટકાની તેજીમાં ૪૦ રૂપિયા ઉપર બંધ હતો.


વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ રોજના સરેરાશ ૩૧૨૮ શૅર સામે ગઈ કાલે ૧.૩૧ લાખ શૅરના વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૭૧ રૂપિયાની મલ્ટિયર ટોચે બંધ હતો.