25 October, 2022 06:23 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
દિગ્ગજ કંપની યુનિલિવર (Unilever)ના ઘણા શેમ્પૂ બ્રાન્ડ્સમાં બેન્ઝીન નામનું ખતરનાક કેમિકલ મળી આવ્યું છે, જે કેન્સરનું કારણ બની શકે છે. કંપનીએ યુએસ માર્કેટમાંથી ડવ, નેક્સસ, સુવે, ટિગી અને ટ્રેસેમે એરોસોલ્સ સહિત ઘણા ડ્રાય શેમ્પૂ પાછા મગાવ્યા છે.
ઑક્ટોબર 2021 પહેલાં બનાવેલી પ્રોડક્ટ
શુક્રવારે ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવેલી નોટિસ અનુસાર, યુનિલિવરની આ પ્રોડક્ટ્સ ઑક્ટોબર 2021 પહેલાં બનાવવામાં આવી હતી અને વિશ્વભરના રિટેલર્સને પણ સપ્લાય કરવામાં આવી હતી.
જો કે, હવે જ્યારે આ ઉત્પાદનોમાં કેન્સર પેદા કરતું રસાયણ મળ્યું છે, ત્યારે કંપની આ માલનો જથ્થો પાછો મગાવી રહી છે. આ સમાચાર ફરી એકવાર પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં સુરક્ષા પર સવાલ ઊભા કરે છે. છેલ્લા દોઢ વર્ષમાં, જોહ્ન્સન ઍન્ડ જ્હોન્સનની ન્યુટ્રોજેના, એજવેલ પર્સનલ કેર કંપનીની બનાના બોટ અને બીર્સડોર્ફ એજીના કોપરટોન, તેમ જ પ્રોક્ટર ઍન્ડ ગેમ્બલ કંપની દ્વારા સ્પ્રે-ઓન એન્ટી પર્સપીરન્ટ્સ જેવા અનેક એરોસોલ સનસ્ક્રીન જેવા પ્રોડક્ટ્સ પાછા મગવવામાં આવ્યા હોવાના અહેવાલો છે.
ડ્રાય શેમ્પૂ શું છે?
કોલિન્સ ડિક્શનરી અનુસાર, ડ્રાય શેમ્પૂ પાવડર અથવા સ્પ્રે જેવું છે. આ ઉત્પાદનોનો ઉપયોગ સામાન્ય રીતે વાળને ભીના કર્યા વગર સાફ કરવા માટે થાય છે. ક્લેવલેન્ડ ક્લિનિક અનુસાર, આ આલ્કોહોલ અથવા સ્ટાર્ચ આધારિત સ્પ્રે વાળમાંથી ગ્રીસ અને તેલ દૂર કરે છે. કેટલાક ડ્રાય શેમ્પૂમાં એરોસોલ સ્પ્રે હોય છે જ્યારે કેટલાકમાં વાળના રંગ સાથે મેળ ખાતો પાવડર ટીન્ટેડ હોય છે.
આ પણ વાંચો: મુહૂર્ત ટ્રેડિંગમાં બજાર ૫૨૪ પૉઇન્ટ ઝળક્યું, ૨૦૦૮ પછીનો સૌથી બેસ્ટ દેખાવ કર્યો