રઘુરામ રાજન સામે અરુણ જેટલી શિંગડાં ભરાવે છે

30 December, 2014 05:35 AM IST  | 

રઘુરામ રાજન સામે અરુણ જેટલી શિંગડાં ભરાવે છે


ભારત સરકારે દેશમાં બિઝનેસની સ્થાપના કરવા આડે આવતા તમામ અવરોધો દૂર કરવાનું તથા મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ઉત્પાદન ક્ષેત્રને વેગ મળે એ માટે કરવેરાનું પ્રમાણ સ્પર્ધાત્મક રાખવાનું વચન આપ્યું હતું.નાણાપ્રધાન અરુણ જેટલીએ નવી દિલ્હીમાં કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમનો હેતુ સ્થાનિક તથા વિદેશી માર્કેટ માટે ગુણવત્તાપૂર્ણ વસ્તુઓનું ઓછા ખર્ચે ઉત્પાદન કરવાનો છે. આ ક્ષેત્રે મંદી માટે ઊંચા વ્યાજદર જ કારણભૂત હોવાનું પણ તેમણે કહ્યું હતું સાથે-સાથે તેમણે વ્યાજદર ઊંચા હોવાની વાતનો આડકતરો ઉલ્લેખ પણ કર્યો હતો તથા મેક ઇન ઇન્ડિયામાં ચીનનું અનુકરણ નહીં કરવાની રિઝવર્‍ બૅન્કના ગવર્નર રઘુરામ રાજનની ચેતવણીનું મહત્વ ઓછું આંક્યું હતું. મેક ઇન ઇન્ડિયાના પ્રોત્સાહન માટે ૨૫ ક્ષેત્રોની કાર્યયોજના ઘડવા યોજાયેલા કાર્યક્રમમાં જેટલીએ વધુમાં કહ્યું હતું કે બજારમાં પ્રવાહિતા લાવવાની જરૂર છે. મૂડીની ઊણપનો સામનો કરી રહેલા ઉદ્યોગોને પૂરતી મૂડી મળી રહે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે. આ સાહસના અંત ભાગમાં વડા પ્રધાન સાથે યોજાનારી બૅન્કર્સની ચર્ચાની સફળતા તથા મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને પગલે દેશમાં મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.

નાણાપ્રધાને મૂડીની ઊણપનો મુદ્દો ઉખેળીને દેશમાં પ્રવર્તતા ઊંચા વ્યાજદરનો પરોક્ષ ઉલ્લેખ કર્યો હતો. ઉદ્યોગોની માગણી છતાં રિઝવર્‍ બૅન્કે વ્યાજદર ઘટાડ્યા નથી એ મુદ્દો હાલ નાણાકીય ક્ષેત્રે ચર્ચામાં છે. હાલમાં રાજને મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ વિશે કહ્યું હતું કે આપણે ફક્ત નિકાસની દ્રષ્ટ્રિએ ઉત્પાદન કરવામાં ચીનની દેખાદેખી કરવી જોઈએ નહીં અને ફક્ત ચીનને સફળતા મળી તેથી આપણને પણ મળશે એવું ધારી લેવું જોઈએ નહીં. આ સંબંધે નાણાપ્રધાને કહ્યું હતું કે આપણો મુખ્ય ઉદ્દેશ્ય ઓછા ખર્ચે ગુણવત્તાપૂર્ણ વસ્તુઓનું ઉત્પાદન કરવાનો છે, એ ભારતમાં વેચાય કે વિદેશમાં વેચાય એનું વધારે મહત્વ નથી. જો આપણે ખર્ચ અને ગુણવત્તાની બાબતે પાછળ રહી જશું તો આપણો દેશ ફક્ત વેપારીઓનો દેશ કહેવાશે, ઉત્પાદકોનો નહીં.