જીરું વાયદામાં લાંબા ગાળે મોટી તેજી કરવા માટે ગોઠવાતો તખ્તો

08 December, 2014 05:58 AM IST  | 

જીરું વાયદામાં લાંબા ગાળે મોટી તેજી કરવા માટે ગોઠવાતો તખ્તો



કૉમોડિટી અર્થકારણ- મયૂર મહેતા

ભારતમાં ચાલતી કૅશ કૉમોડિટી જીરું, મરચાં, હળદર, ધાણા, એરંડા, ગુવાર, મેન્થા ઑઇલ, મરી, એલચી વગેરેની ક્રૉપ સાઇઝ નાની હોવાથી દર બે-ત્રણ વર્ષે એમાં મોટી તેજી ગોઠવાતી આવી છે. ૧૧ વર્ષ અગાઉ રાષ્ટ્રીય કૉમોડિટી વાયદા બજારો ચાલુ થયાં ત્યારથી દર વર્ષે નાની સાઇઝની એક કે બે કૉમોડિટીમાં મોટી તેજીનો સિલસિલો નિયમિત ચાલ્યો આવ્યો છે. ચાલુ વર્ષે દેશના સટોડિયા અને ફાઇનૅન્સ કંપનીઓની સિન્ડિકેટ પહેલાં ધાણામાં અને ત્યાર બાદ એરંડામાં મોટી તેજી કરી છે. હાલ ધાણા અને એરંડા વાયદામાં ભાવ સટ્ટાકીય રીતે ઊંચા ચાલી રહ્યા છે. ગયા વર્ષે ગુવાર-ગમ વાયદામાં તેજી કરવામાં આવી હતી. ગંજાવર ફાઇનૅન્સ કંપનીઓ, બ્રોકરો અને સટોડિયાઓની સિન્ડિકેટ ભેગી મળીને કોઈ એક ઍગ્રી કૉમોડિટીના આખા ક્રૉપ પર કબજો જમાવીને આખી બજારને આંગળીના ટેરવે નચાવવાનો ખેલ છેલ્લાં બે-ત્રણ વર્ષથી બેરોકટોક ચાલી રહ્યો છે. આવી રીતે કોઈ પણ ઍગ્રી કૉમોડિટીના ભાવને જોતજોતાંમાં ચારથી પાંચ ગણા ઉછાળીને બજાર પર કબજો જમાવીને સટોડિયા યોગ્ય સમયે જંગી નાણાં કમાઈને બહાર નીકળી જાય છે. નવા વર્ષે આ સિન્ડિકેટે જીરુ અને હળદરમાં મોટી તેજી કરવાનો વ્યૂહ ઘડ્યો છે. આ બન્ને ઍગ્રી કૉમોડિટીઝનાં ફન્ડામેન્ટલ્સ મોટી તેજી કરવા માટે ફેવરેબલ બની રહ્યાં છે.

તેજીતરફી વાતાવરણ

જીરુંમાં મોટી તેજી કરવાનો તખ્તો ધાણા, ગુવારના રાજસ્થાનના કેટલાક સટોડિયા ગ્રુપ અને મુંબઈના ધાણામાં કમાયેલા ફાઇનૅન્સરોએ તૈયાર કરવાનો ચાલુ કર્યો છે. પ્રતિકૂળ વાતાવરણને કારણે ગુજરાતમાં ૫૦ ટકા અને રાજસ્થાનમાં ૩૫થી ૪૦ ટકા ઉતારા કપાવાની ધારણા અત્યારે મુકાઈ રહી છે. ઊંઝાના સ્ટોકિસ્ટો અને ઑપરેટરો ગયા મહિના સુધી મોટા સ્ટૉક, મોટા ઉત્પાદન અને મંદીની વાતો કરતા હતા તેઓ હવે ઊંચા સ્ટૉક અને મંદીની વાતો કરવામાંથી બહાર નીકળી ગયા છે. ઊંઝાના જીરુંના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે ઑક્ટોબર અને નવેમ્બરમાં જીરુંમાં આવેલી તેજીથી મોટા ભાગનો સ્ટૉક બહાર નીકળી ગયો છે. ઊંઝામાં ઑક્ટોબરમાં કુલ  ૨.૪૫ લાખ બોરી (૫૫ કિલોની બોરી)ની આવક હતી જે ગયા વર્ષે ૧.૭૦ લાખ બોરીની આવક થઈ હતી, જ્યારે નવેમ્બરમાં કુલ ૩.૪૫ લાખ બોરીની આવક થઈ હતી જે ગયા વર્ષે નવેમ્બરમાં ૧.૩૧ લાખ બોરીની થઈ હતી. ડિસેમ્બરમાં ગયા વર્ષે ૧.૧૬ લાખ બોરીની આવક થઈ હતી એટલે કે ઍવરેજ રોજની છથી સાત હજાર બોરીની આવક હતી એના પ્રમાણમાં અત્યારે પાંચેક હજારની ઍવરેજ જીરુંની આવક થઈ રહી છે. આટલી આવકો બાદ અગાઉ જે ૨૮થી ૩૦ લાખ બોરી નવી સીઝનમાં કૅરિફૉર્વર્ડ થવાની વાતો કરી રહ્યા હતા એ હવે ઘટીને ૧૫ લાખ બોરી કૅરિફૉર્વર્ડ રહેવાની વાતો કરવા લાગ્યા છે. ડિસેમ્બરના આરંભથી જીરુંના ભાવ વધવા લાગ્યા છે એથી હવે ડિસેમ્બરમાં જીરુંની આવકો વધતાં ભાવ ન વધે તો સંગીન તેજી માટેનો પાયો મજબૂત બનશે.


ભાવમાં વધારો શરૂ

ગયા સપ્તાહના અંતે ગુજરાતનાં લગભગ તમામ સેન્ટરોમાં જીરુંના ભાવ ૨૦ કિલોએ ૧૦થી ૩૦ રૂપિયા સુધી વધ્યા હતા. જીરું વાયદામાં છેલ્લા ત્રણ દિવસથી તેજી જોવા મળી રહી છે. છેલ્લા ૧૦ દિવસમાં જીરું વાયદામાં ૫૦૦ રૂપિયાનો ઉછાળો જોવા મYયો હતો. ૧૦ દિવસ અગાઉ ૨૫ નવેમ્બરે જીરું વાયદા નીચામાં ૧૧૯૨૦ રૂપિયા હતા એ વધીને છેલ્લે ૧૨૫૪૦ રૂપિયા થયા હતા. વળી જીરુંમાં ૨૦૦ રૂપિયાથી વધુના બદલા મળવા લાગતાં બદલાસ્વરૂપે એક્સચેન્જનાં ગોડાઉનોમાં જથ્થો વધી રહ્યો છે. ફ્ઘ્Dહ્ના વેરહાઉસ સ્ટૉક છેલ્લા રિપોર્ટટ અનુસાર ૧૭૬૮ ટન (૩૦,૦૦૦ ગૂણી)એ પહોંચ્યો છે જે ૧૫ દિવસ અગાઉ ૯૭૭ ટન (૧૭,૦૦૦ ગૂણી) હતો.

નિકાસમાં વધતી માગ


 જીરુંની નિકાસ ઉત્તરોત્તર વધી રહી છે. અત્યારે મિડલ ઈસ્ટમાં ભારતીય જીરુંની પુષ્કળ માગ છે. ઑગસ્ટથી ઑક્ટોબરમાં ચીનમાં જીરુંની જંગી નિકાસ થઈ હતી. ગયા વર્ષ કરતાં આ વર્ષે જીરુંની નિકાસ વધીને સવા લાખ ટનને પાર કરે એવી શક્યતા છે. ઇન્ટરનૅશનલ માર્કેટમાં ભારતીય જીરુંના ભાવ અત્યારે ૧૮૫૦થી ૨૦૦૦ ડૉલર પ્રતિ ટન ચાલી રહ્યા છે એની સામે સિરિયા અને તુર્કીના જીરુંના ભાવ ૨૪૦૦થી ૨૬૦૦ ડૉલર ચાલી રહ્યા હોવાથી ભારતીય જીરુંની દરેક દેશમાં સારી ડિમાન્ડ જોવા મળી રહી છે. દિલ્હી સ્થિત નૉર્થ ઇન્ડિયાને જીરું પૂરૂ પાડનાર હોલસેલર ટ્રેડરે જણાવ્યું હતું કે ગયા વર્ષે જીરુંના ભાવ સતત ઘટતા હોવાથી તમામ ટ્રેડરો હૅન્ડ ટુ માઉથ હતા પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાયદા સુધરતાં હોવાથી ટ્રેડરો જરૂરિયાત કરતાં દોઢ ગણાથી બેગણો માલ ખરીદવા લાગ્યા છે. જ્યારે રાજસ્થાનના એક ઑપરેટરે જણાવ્યું હતું કે અત્યારે રાજસ્થાનમાં ત્રણથી ચાર સપ્તાહ સુધી વાવેતર ચાલુ રહેશે એવી સ્થિતિમાં જીરુંમાં કોઈ મોટી તેજી કરીને વાવેતર વધે એવી સ્થિતિ સટોડિયાઓ ઊભી કરવા માગતા નથી. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી જીરુંમાં તેજી થઈ ન હોવાથી ત્રણ-ચાર મહિનામાં જીરું વાયદાને વધારીને ૧૫,૦૦૦ રૂપિયા અને લાંબા ગાળે ૨૫,૦૦૦ રૂપિયા સુધી વાયદાને ખેંચી જવાનો લક્ષ્યાંક સટોડિયા ગ્રુપે મૂક્યો છે.