નવા રોકાણકાર માટે ઇન્ડેક્સ ફન્ડ સારું

29 December, 2014 05:22 AM IST  | 

નવા રોકાણકાર માટે ઇન્ડેક્સ ફન્ડ સારું



મ્યુચ્યુઅલ ફન્ડની દુનિયા-અમિત ત્રિવેદી

એમાંથી અમુક લોકો નાણાં ગુમાવીને અને પ્રથમ ગ્રાસે મક્ષિકાનો અનુભવ લઈને શૅરબજારને કાયમના રામરામ કરી દેતા હોય છે. બીજી બાજુ, એમાંથી જ અમુક લોકો ટૂંકા ગાળે લાભ મેળવી લઈને ખોટા પાઠ શીખી લેતા હોય છે. અર્થાત્ પોતાને શૅરબજારના ખાં સમજવા લાગે છે. બીજા અમુક લોકો શરૂઆતમાં જ સ્ટૉક માર્કેટમાં મોટી રકમ ચૂકવીને સાચો પાઠ શીખી લેતા હોય છે, એટલે કે શૅરબજારને આપણા વશમાં કરી શકાય નહીં. આપણે ગમે તે કહીએ, આવા બધા અનુભવો અનિવાર્ય હોય છે.

આથી જ શૅરબજારમાં રોકાણ શરૂ કરવું હોય તો શેનાથી કરવું એવો પ્રશ્ન પુછાય ત્યારે મ્યુચ્યુઅલ ફન્ડનો માર્ગ લેવો સારો. એમાં રોકાણના પાઠ પઢીને યોગ્ય લાગે તો શૅરમાં પ્રત્યક્ષ રોકાણ કરવું. જોકે ઇક્વિટીમાં રોકાણ કરનારા મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં પણ ઘણા વિકલ્પો હોય છે. એમાંથી યોગ્ય પસંદગી કરવાનું મુશ્કેલ બની જાય છે. આથી જ ઘણી વાર લોકો એવા પ્રશ્નો પૂછતા હોય છે કે કયા ફન્ડ મૅનેજર સારા અને સારા ફન્ડ મૅનેજર પણ સારું વળતર અપાવવામાં નિષ્ફળ જાય ત્યારે શું કરવું. આ બાબતે મારું કહેવું છે કે નવા રોકાણકારે ઇન્ડેક્સ ફન્ડની પસંદગી કરવી, કારણ કે એમાં ફન્ડ મૅનેજરની કામગીરીના આધારે પસંદગી કરવાનો સવાલ જ ઊભો થતો નથી.

ચાલો, તો આપણે આજે ઇન્ડેક્સ ફન્ડની જ વાત કરી લઈએ. જે મ્યુચ્યુઅલ ફન્ડ સ્ટૉક માર્કેટના કોઈ એક ફન્ડનું અનુકરણ કરે ત્યારે એને ઇન્ડેક્સ ફન્ડ કહેવાય. ઇન્ડેક્સમાં જે સિક્યૉરિટી જેટલા પ્રમાણમાં હોય એટલા જ પ્રમાણમાં ઇન્ડેક્સ ફન્ડ પણ રોકાણ કરતું હોય છે. દા.ત. એક ફન્ડ જે ભારતના જાણીતા સેન્સેક્સને ટ્રૅક કરતું હોય. જો સેન્સેક્સ ૧૦ ટકા ઉપર જાય તો ઇન્ડેક્સ ફન્ડની NAV પણ લગભગ એટલી જ ઉપર જાય. આપણે લગભગ શબ્દનો ઉપયોગ કર્યો, કારણકે ઇન્ડેક્સ અને ફન્ડના વળતર વચ્ચે થોડો તફાવત તો રહેતો જ હોય છે. આ ફરકને ટ્રૅકિંગ એરર કહેવાય છે જેમાં ટ્રૅકિંગ એરર ઓછી હોય એને સારું ઇન્ડેક્સ ફન્ડ કહી શકાય. ટ્રૅકિંગ એરર રહેવા પાછળનાં અનેક પરિબળો હોય છે. એમાંનું એક પરિબળ મ્યુચ્યુઅલ ફન્ડ કંપની દ્વારા વળતરમાંથી કરાતી ખર્ચની બાદબાકી હોય છે. 

ભારતમાં સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબીએ નક્કી કરેલી મર્યાદા કરતાં વધારે ખર્ચ બાદ કરી શકાતો નથી. સક્રિયપણે સંચાલિત ફન્ડની તુલનાએ ઇન્ડેક્સ ફન્ડ માટે ખર્ચની મર્યાદા ઘણી નીચી રાખવામાં આવી છે, કારણ કે એમાં ફન્ડ મૅનેજરે ખરીદી કે વેચાણ માટે સિક્યૉરિટીઝની પસંદગી કરવાની કોઈ કામગીરી બજાવવી પડતી નથી.

ઇન્ડેક્સ ફંડ સેન્સેક્સ, નિફ્ટી, લ્&ભ્ ૫૦૦, વગેરે કોઈ પણ ઇન્ડેક્સનું અનુકરણ કરનારું હોઈ શકે છે. આપણી પાસે તો કોઈ એક ઉદ્યોગને ટ્રૅક કરતાં ફન્ડ પણ છે. દા.ત. બૅન્ક ઇન્ડેક્સ ફન્ડ કે PSU બૅન્ક ઇન્ડેક્સ ફન્ડ. ભારતમાં રહીને પણ વિદેશી માર્કેટમાં રોકાણ કરી શકાય એવાં ઇન્ડેક્સ ફન્ડ પણ છે. વિકસિત બજારોમાં તો બૉન્ડ ઇન્ડેક્સને ટ્રૅક કરતાં ઇન્ડેક્સ ફન્ડ પણ છે.

આજની તારીખે આ સેગમેન્ટમાં અનેક પ્રકારનાં ફન્ડ આવી ગયાં હોવાથી રોકાણકારો અલગ-અલગ માર્કેટના અલગ-અલગ સેગમેન્ટમાં એક્સપોઝર લઈ શકે છે. ઇન્ડેક્સ ફન્ડ પસંદ કરતી વખતે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ:

૧. ફન્ડમાં કયા ઇન્ડેક્સનું ટ્રૅકિંગ કરવામાં આવે છે

૨. ફન્ડની ટ્રૅકિંગ એરર કેટલી છે

૩. ફન્ડમાં લેવાતા ખર્ચનું પ્રમાણ કેટલું છે

ઇન્ડેક્સ ફન્ડની પસંદગી કરતી વખતે ઉક્ત ત્રણ મુદ્દાઓ સિવાયના બીજા કોઈ પરિબળનો વિચાર કરવાની જરૂર હોતી નથી. હવે આપણે ઇન્ડેક્સ ફન્ડમાં મળતા વળતર વિશે એક અગત્યની વાત કરી લઈએ. વળતર કોણ વધારે આપે, ઇન્ડેક્સ ફન્ડ કે સક્રિય રીતે સંચાલિત ફન્ડ? જવાબ એકદમ સહેલો છે. કોઈ પણ ઇન્ડેક્સ એમાં સામેલ સિક્યૉરિટીઝની સરેરાશ હોય છે અને એથી એનું વળતર પણ સરેરાશ જ હોવાનું. અમુક ફન્ડ્સ ઇન્ડેક્સ કરતાં સારી કામગીરી કરતાં જ હોય છે, ફક્ત સમસ્યા એ છે કે પહેલેથી કાંઈ કહી શકાતું નથી.

(અમિત ત્રિવેદી કર્મયોગ નૉલેજ ઍકૅડેમીના સ્થાપક છે. તેમણે અહીં પોતાનાં અંગત મંતવ્યો રજૂ કર્યા છે.)