અમેરિકન ડૉલર ગગડતાં સોનામાં બે ટકાનો ઉછાળો

27 December, 2014 06:35 AM IST  | 

અમેરિકન ડૉલર ગગડતાં સોનામાં બે ટકાનો ઉછાળો


બુલિયન બુલેટિન- મયૂર મહેતા

અમેરિકી ડૉલર ૯ વર્ષની ઊંચાઈએથી રિબાઉન્ડ થતાં તેમ જ રશિયાની ઇકૉનૉમી વિશેનાં ત્યાંની ગવર્‍મેન્ટનાં કેટલાંક પૉઝિટિવ નિવેદનોને પગલે સોનામાં ઝડપી બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ચાલુ સપ્તાહના આરંભે ઘટીને ૧૧૭૦.૧૭ ડૉલર સુધી ઘટેલું સોનું ફરી ૧૨૦૦ ડૉલરની નજીક પહોંચી ગયું હતું. ૨૦૧૪માં સોના, ચાંદી અને પ્લૅટિનમના ભાવ ઘટયા હતા, પણ એની સામે પેલેડિયમના ભાવ ૧૩ ટકા વધ્યા હતા. પેલેડિયમના ફ્યુચર પ્રોસ્પેકટસ પણ તેજીમય હોવાનો રિપોર્ટ અનેક ઍનલિસ્ટોએ આપ્યો હતો.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગુરુવારે ક્રિસમસની રજાને કારણે સોનાના ભાવમાં ખાસ કોઈ મૂવમેન્ટ જોવા નહોતી મળી. કૉમેક્સ ફ્યુચર માર્કેટ ક્રિસમસની રજાને કારણે બંધ હતું. વિદેશમાં મોટા ભાગની માર્કેટોમાં રજાના માહોલને કારણે વૉલ્યુમ સુસ્ત રહ્યાં હતાં. અમેરિકી ડૉલર એકસાથે વધુપડતો ઊછળતાં ૮ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ રીઍક્શન આવતાં ડૉલર નબળો પડતાં સોનામાં નીચા મથાળેથી ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે સવારે સોનાનો ભાવ ૧૧૮૬.૫૦ ડૉલર ખૂલ્યો હતો જે ગયા સોમવારે ઘટીને ૧૧૭૦.૧૭ ડૉલર થયો હતો. છેલ્લા એક સપ્તાહમાં સોનામાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. બપોર બાદ સોનામાં ઝડપી ઉછાળો આવતાં ભાવ ૧૨૦૦ ડૉલરની નજીક ૧૧૯૯.૫૦ ડૉલર સુધી પહોંચી ગયા હતા. ચાંદીના ભાવ ૧૬.૦૩ ડૉલર ખૂલ્યા બાદ ઝડપી ઊછળીને ૧૬.૨૪ ડૉલર થયા હતા. પ્લૅટિનમનો ભાવ ૧૨૦૧.૫ ડૉલર ખૂલ્યા બાદ વધીને ૧૨૧૦ ડૉલર થયા હતા, જ્યારે પેલેડિયમનો ભાવ ૮૧૦ ડૉલર ખૂલ્યા બાદ વધીને ૮૧૯ ડૉલર થયા હતા.

ઇકૉનૉમિક ફ્રન્ટ

અમેરિકાની ઇકૉનૉમિક સિચુએશન સતત સ્ટ્રૉન્ગ બની રહી હોવાથી સોનામાં મંદીના સંજોગો વધી રહ્યા છે. અમેરિકાનો ત્રીજા ક્વૉર્ટરનો ગ્રોથ ૧૧ વર્ષની ઊંચાઈએ જાહેર થયા બાદ ગુરુવારે રાત્રે જાહેર થયેલા વીકલી એમ્પ્લૉયમેન્ટ બેનિફિટના ડેટા પણ ધારણા કરતાં વધુ સ્ટ્રૉન્ગ આવ્યા હતા. વીકલી જૉબલેસ બેનિફિટમાં ૯૦૦૦નો ઘટાડો નોંધાયો હતો. આ સતત ચોથા સપ્તાહે અને જૉબલેસ ક્લેમ સાત સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે અમેરિકી ડૉલર ૯ વર્ષની નીચી સપાટીએથી રિબાઉન્ડ થતાં સોનું સુધર્યું હતું, પણ આવનારા દિવસોમાં ઇકૉનૉમિક ફ્રન્ટ પર થતાં ડેવલપમેન્ટો, એમાંય ખાસ કરીને અમેરિકાના ઇકૉનૉમિક ડેવલપમેન્ટો જ સોનાના ભાવ પર હાવી રહેશે. ચાઇનાની ઇકૉનૉમી સતત નબળી પડતી જતી હોવાથી ૨૦૧૪માં સવા કરોડ લોકોને નવી રોજગારી મળી હોવાથી ચીનની ઇકૉનૉમીની મૂવમેન્ટ અને ચીનમાં શરૂ થયેલા ગ્લોબલ ગોલ્ડ એક્સચેન્જમાં ઝડપથી વધી રહેલા ટ્રેડિંગની પણ સોનાના ભાવ પર મોટી અસર જોવા મળશે.

પેલેડિયમ - બેસ્ટ પફોર્ર્મર

૨૦૧૪માં પ્રિસિયસ મેટલ સેકટરમાં પેલેડિયમ-૧૩ ટકાના ઉછાળા સાથે બેસ્ટ પફોર્ર્મર રહ્યું હતું. ઑટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં કેટાલિક કન્વર્ટર તરીકે તેમ જ જ્વેલરી-ઇલેક્ટ્રૉનિક્સ ક્ષેત્રે પણ વપરાતા પેલેડિયમના ભાવ અત્યારે ૧૩ વર્ષની ઊંચાઈએ ચાલી રહ્યા છે. સોનું, ચાંદી અને પ્લૅટિનમ ત્રણેય પ્રિસિયમ મેટલના ભાવ ૨૦૧૪માં ઘટuા હોવા છતાં પેલેડિયમના ભાવ વધ્યા હતા અને પેલેડિયમના ફ્યુચર પ્રોસ્પેકટસ બહુ જ સારાં હોવાનું ઍનલિસ્ટો કહી રહ્યા છે. પેલેડિયમના વૈશ્વિક ઉત્પાદનમાં ૫૦ ટકા હિસ્સો ધરાવતા રશિયાની સતત બગડતી ઇકૉનૉમિક હાલતને કારણે આવનારા દિવસોમાં પેલેડિયમના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે એની સામે પેલેડિયમની ફૅબ્રિકેશન, ઇન્ડસ્ટ્રિયલ અને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ વધવાને કારણે ૨૦૧૫માં પેલેડિયમના ભાવ વધીને ૧૦૦૦ ડૉલરની સપાટીને પાર કરી જાય એવું ઍનલિસ્ટો દૃઢપણે માની રહ્યા છે. પેલેડિયમના ભાવ અત્યારે ૮૧૦ ડૉલર ચાલી રહ્યા છે.

૨૦૧૪માં ગોલ્ડ ઈમ્પોર્ટ ૧૩ ટકા ઘટવાનો અંદાજ

ભારતની ગોલ્ડ ઈમ્પોર્ટ ૨૦૧૪માં ૧૩ ટકા ઘટીને ૬૫૦ ટન થવાનો અંદાજ ઑલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશને મૂક્યો હતો. ૨૦૧૩માં ભારતે ૭૫૦ ટન ગોલ્ડ ઈમ્પોર્ટ કર્યું હતું. ૨૦૧૩માં સરકારે સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી બે ટકાથી વધારીને ૧૦ ટકા કરતાં અને ઈમ્પોર્ટના રૂલ્સમાં નિયંત્રણો લાદતાં ભારતીય સોનાની ઈમ્પોર્ટ સતત ઘટી રહી છે. ઇન્ડસ્ટ્રીઝનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે નવેમ્બરમાં ગોલ્ડ ઈમ્પોર્ટ ૩૮ ટકા વધીને ૧૫૧.૫૮ ટન થઈ હોવા છતાં ઓવરઑલ ઈમ્પોર્ટ ગયા વર્ષ કરતાં ઘટશે. ડિસેમ્બરમાં ભારતની ગોલ્ડ ઈમ્પોર્ટ ઘટીને ૧૫થી ૨૦ ટન થવાનો અંદાજ છે. ક્રૂડ તેલના ભાવ ઘટીને પાંચ વર્ષના તળિયે પહોંચતાં અને ગોલ્ડ ઈમ્પોર્ટ સતત ઘટી રહી હોવાથી જેમ ઍન્ડ જ્વેલરી અસોસિએશનની માગ છે કે સરકાર પર હવે (કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ) વધવાનું પ્રેશર હવે રહ્યું નથી ત્યારે સરકારે તાત્કાલિક ગોલ્ડની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને બે ટકા કરવી જોઈએ.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૭,૯૧૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૭,૦૬૫
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૭,૭૮૦
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)