ખાદ્ય તેલની આયાત ડ્યુટીમાં પાંચ ટકાનો વધારો

26 December, 2014 05:12 AM IST  | 

ખાદ્ય તેલની આયાત ડ્યુટીમાં પાંચ ટકાનો વધારો


કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા

આખરે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલની આયાત ડ્યુટીમાં પાંચ ટકાનો વધારો કર્યો છે. દેશના તેલીબિયાં ઉદ્યોગની છેલ્લા ઘણા સમયથી ડ્યુટી વધારવાની માગ હતી જે આંશિક સંતોષાઈ છે. કેન્દ્રીય કસ્ટમ વિભાગે ક્રૂડ ખાદ્ય તેલની આયાત ડ્યુટી ૨.૫ ટકાથી વધારીને ૭.૫ ટકા અને રિફાઇન્ડ ખાદ્ય તેલની આયાત ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરી છે. આમ તમામ પ્રકારના ખાદ્ય તેલની ડ્યુટીમાં પાંચ ટકાનો વધારો થયો છે. જોકે વર્તમાન ડ્યુટી વધારાથી હજી પણ દેશનો ખાદ્ય તેલ ઉદ્યોગ નારાજ હોવાની લાગણી ઊભી થઈ છે.


દેશમાં ખાદ્ય તેલની ઑક્ટોબરમાં પૂરી થયેલી સીઝનમાં રેકૉર્ડબ્રેક ૧૧૬ લાખ ટનની ખાદ્ય તેલની આયાત થઈ હતી, જે અગાઉના વર્ષે ૧૦૪ લાખ ટનની હતી. વળી છેલ્લા પાંચ મહિનામાં દેશમાં ૫૫થી ૫૭ લાખ ટન ખાદ્ય તેલની આયાત થઈ હતી, જેને કારણે તેલીબિયાં-લૉબી દ્વારા અનેક વાર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. દેશમાં વાર્ષિક ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની ખાદ્ય તેલની આયાત થાય છે જે મુજબ ૫૦૦૦ કરોડ રૂપિયાની આવક સરકારને થશે.

કેન્દ્ર સરકાર દ્વારા ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં દેશનો રિફાઇનરી ઉદ્યોગ સરકારના નિર્ણયથી નારાજ છે. તેમના મતે ક્રૂડ અને રિફાઇન્ડ ખાદ્ય તેલ વચ્ચે ઓછામાં ઓછો ૧૫ ટકાનો ડ્યુટી-ફરક હોય તો જ દેશની રિફાઇનરીઓ ચાલુ રહી શકે છે, પરંતુ વર્તમાન પગલાથી દેશમાં ચાલુ વર્ષે ખાદ્ય તેલની આયાત વધવાની પૂરેપૂરી સંભાવના છે. દેશની રિફાઇનરીઓ અત્યારે એની ક્ષમતા કરતાં ૩૦થી ૩૫ ટકા જ કૅપિસિટીમાં ચાલુ છે.
સરકારના નિર્ણયને પગલે તમામ ખાદ્ય તેલના ભાવમાં ૧૦ કિલોએ ૫થી ૧૨ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. પામ તેલના ભાવ સરેરાશ ૧૦ કિલોએ ૧૦ રૂપિયા વધ્યા હતા.

ખાદ્ય તેલ ઉદ્યોગજગતને કોઈ જ રાહત થવાની નથી : સી

સૉલ્વન્ટ એક્સટૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. બી. વી.મહેતાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પાંચ ટકા ડ્યુટી વધારાથી ઉદ્યોગજગતને કોઈ રાહત થવાની નથી. અમારી સરકાર પાસે બે ઍન્ગલથી માગ હતી કે એક તો ડ્યુટી વધારો તમે ખેડૂતોના હિતમાં કરો અને બીજું એ કે રિફાઇનરી ઉદ્યોગને રાહત મળે. આ બેમાંથી ડ્યુટી વધતાં ખેડૂતોને થોડી રાહત મળશે, પરંતુ ઉદ્યોગને કોઈ ફાયદો નહીં થાય. ક્રૂડ અને રિફાઇન્ડ ડ્યૂટી વચ્ચેનો ફરક ૧૫ ટકા રહે એવી અમારી માગ હતી અને અમે ક્રૂડ તેલ પર ૧૦ ટકા અને રિફાઇન્ડ પર ૨૫ ટકા ડ્યુટી લાદવાની માગણી કરી હતી. સરકારે બન્ને પર પાંચ ટકા વધારી છે, પરંતુ ડ્યુટી-ફરક ૭.૫ ટકા જ રહ્યો છે. પરિણામે મલેશિયા અને ઇન્ડોનેશિયા ફેબ્રુઆરીમાં જ્યારે ક્રૂડ પામતેલ પર ડ્યુટી લાગુ પડશે ત્યારે અહીં ૭.૫ ટકાના ફરકને લીધે ડ્યુટી વધારાની અસર નીલ થઈ જશે. પાંચ ટકા ડ્યુટી વધવા છતાં ચાલુ વર્ષે આયાત વધીને ૧૨૫ લાખ ટને પહોંચે એવી પૂરી સંભાવના છે.

અમે સરકારના નિર્ણય વિશે ફેરરજૂઆત કરીશું અને અમારી એ પણ માગ છે કે ડ્યુટી વધારાથી સરકારને કુલ ૫૦૦૦ કરોડ રૂપિયાની આવક થશે, જે નાણાં તેલીબિયાંનું ઉત્પાદન વધારવા માટે અને લઘુતમ ટેકાના ભાવથી ખરીદી કરવાની સિસ્ટમમાં ઉપયોગ થાય. ગયા વર્ષે નાફેડ પાસે પૂરતું ફન્ડ ન હોવાથી ગુજરાત સહિતના મગફળીના ખેડૂતોને નુકસાન થયું હતું. એવું ભવિષ્યમાં ન થાય એ જરૂરી છે.