ક્રૂડ તેલના ભાવ ગગડતાં સોનું એક મહિનાના તળિયે પહોંચ્યું

24 December, 2014 05:14 AM IST  | 

ક્રૂડ તેલના ભાવ ગગડતાં સોનું એક મહિનાના તળિયે પહોંચ્યું



બુલિયન બુલેટિન-મયૂર મહેતા

સાઉદી અરેબિયાએ ક્રૂડ તેલના ભાવ ઘટીને ૨૦ ડૉલર સુધી જવાની સંભાવના જાહેર કરતાં ક્રૂડ તેલના ભાવ ૬૦ ડૉલરની નીચે ઊતરી જતાં એની અસરે સોનાના ભાવમાં બે ટકાનો અને ચાંદીના ભાવમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો. વળી અમેરિકાની ઈઝી મની પૉલિસી હજી ત્રણેક મહિના ચાલુ રહેવાની ધારણાએ ઇક્વિટી માર્કેટ નવી ટોચે પહોંચતાં એની અસરે ડૉલર સુધરતાં સોનામાં મંદીનું પ્રેશર વધ્યું હતું. ગોલ્ડમૅન સાક્સ અને સોસાયટ જનરલે ૨૦૧૫માં પણ સોનાના ભાવ ઘટવાની આગાહી કરતાં એની અસર થઈ હતી. જોકે ચીનના શાંઘાઈ એક્સચેન્જમાં સોનાનું પ્રીમિયમ વધીને પાંચ ડૉલર બોલાવા લાગતાં મંદીને થોડી બ્રેક લાગી હતી.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોમવારે સોનાનો ભાવ બે ટકા અને ચાંદીનો ભાવ ત્રણ ટકા તૂટયો હતો. કૉમેક્સ ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો ૧.૪ ટકા ઘટીને ૧૧૭૯.૮૦ ડૉલર બંધ રહ્યો હતો; જે ૧૮ નવેમ્બર પછીનો સૌથી નીચો ભાવ હતો. સોમવારે રાત્રે અમેરિકી ડાઉ જોન્સ સ્ટૉક ઇન્ડેક્સ ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ થતાં સોનાનો ભાવ ઓવરનાઇટ સ્પૉટમાં ઘટીને ૧૧૭૦.૧૭ ડૉલર થયો હતો જે નવેસરથી ૪ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. મંગળવારે સવારે સોનાનો ભાવ ૧૧૭૪.૮૫ ડૉલર ખૂલ્યા બાદ ધીમી ગતિએ વધ્યા હતા. ચાંદીનો ભાવ ૧૫.૬૪ ડૉલર ખૂલ્યો હતો જે વધીને એક તબક્કે ૧૫.૭૦ ડૉલરે પહોંચ્યો હતો. પ્લૅટિનમનો ભાવ ૧૧૭૬.૭૫ ડૉલર અને પેલેડિયમનો ભાવ ૮૦૭ ડૉલર ખૂલ્યો હતો. બન્ને પ્રિસિયસ મેટલમાં નીચા મથાળેથી ધીમો સુધારો જોવા મળ્યો હતો.

ક્રૂડ-ઇક્વિટીની અસર

અમેરિકન ફેડરલ રિઝર્વે ઈઝી મની પૉલિસી હજી બેથી ત્રણ મહિના ચાલુ રાખવાની જાહેરાતને પગલે વિશ્વનાં ઇક્વિટી માર્કેટો ફરી મલ્ટિલેવલ હાઈ સપાટીએ પહોચતાં અને ક્રૂડ તેલના ભાવમાં વધુ ઘટાડાને પગલે સોનાનો ભાવ સોમવારે એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ૨૦૧૪ના આરંભથી અત્યાર સુધીમાં ક્રૂડ તેલના ભાવમાં ૪૩ ટકાનો ઘટાડો નોંધાયો છે એની સામે સ્પૉટ ડૉલર ઇન્ડેક્સ ૧૧ ટકા વધ્યો હતો. ડૉલરની મજબૂતી અને ક્રૂડ તેલની મંદીને પગલે સોનું નવેમ્બરમાં ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. અમેરિકી ઇન્ટરેસ્ટ-રેટ વધવાના સંજોગોને પગલે ગોલ્ડમૅન સાક્સે ૨૦૧૫ના અંત સુધીમાં સોનાનો ભાવ ઘટીને ૧૦૫૦ ડૉલર અને સોસાયટ જનરલે સોનાનો ભાવ ઘટીને ૯૫૦ ડૉલરની આગાહી કરી હતી.

યુક્રેનનું ગોલ્ડ વેચાણ

રશિયાની જેમ જ નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા યુક્રેને સતત બીજા મહિને ગોલ્ડ વેચ્યું હતું. IMF (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ)ના રિપોર્ટ અનુસાર યુક્રેને નવેમ્બરમાં ૨.૪૯ ટન અને ઑક્ટોબરમાં ૧૪ ટન ગોલ્ડ વેચ્યું હતું. સતત બે મહિના સુધી ગોલ્ડનું વેચાણ કરતા યુક્રેનની ગોલ્ડ રિઝર્વ ૯ વર્ષની નીચી સપાટીએ પહોંચી હતી, જ્યારે રશિયાએ નાણાકીય કટોકટી છતાં સતત આઠમા મહિને ગોલ્ડ રિઝર્વ વધારી હતી. રશિયાએ નવેમ્બરમાં ૧૮.૭૫ ટન ગોલ્ડ ઉમેરીને ગોલ્ડ રિઝર્વને ૧૧૮૭.૪૯ ટને પહોંચાડી હતી. તુર્કીએ પણ નવેમ્બરમાં ૧૧.૯૫ ટન ગોલ્ડ રિઝર્વ વધારી હતી.

સૌથી મોટું ગોલ્ડ સ્મગલિંગ મહિલા પાસેથી પકડાયું

ભારતીય કસ્ટમ ડિપાર્ટમેન્ટે અત્યાર સુધીનું સૌથી મોટું ગોલ્ડ સ્મગલિંગ ચેન્નઈ ઍરર્પોટ પરથી પકડ્યું હતું. ચેન્નઈ ઍરર્પોટ પર સિંગાપોરથી આવી રહેલી એક મહિલા પાસેથી કસ્ટમ વિભાગે ૪.૨ કિલોનાં સોનાનાં બિસ્કિટ પકડી પાડ્યાં હતાં જેની કિંમત ૧.૨૬ કરોડ રૂપિયાની હતી. ચેન્નઈની એક મહિલા ટૂરિસ્ટ-વીઝા પર સિંગાપોર ફરીને પાછી ફરી હતી ત્યારે કસ્ટમ વિભાગે તેની શંકાસ્પદ હરકતો પરથી તેને ઝડપી લીધી હતી. ૧૦૦ ગ્રામનાં ૪૨ ગોલ્ડ બિસ્કિટ મહિલાના ઇનરવેર અને હૅન્ડબૅગમાંથી મળ્યાં હતાં. કસ્ટમની પૂછપરછ દરમ્યાન મહિલાએ આ બિસ્કિટ કોઈક માટે લાવી હોવાનું જણાવતાં કસ્ટમ વિભાગે આગળ તપાસ હાથ ધરી હતી.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૬૬૦

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૫૧૦

ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૬,૬૯૦

(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)