મ્યુચ્યુઅલ ફન્ડ પાસે ભરપૂર વિકલ્પો છે : તમે લક્ષ્ય નક્કી કરો ને સ્કીમ સિલેક્ટ કરો

22 December, 2014 05:25 AM IST  | 

મ્યુચ્યુઅલ ફન્ડ પાસે ભરપૂર વિકલ્પો છે : તમે લક્ષ્ય નક્કી કરો ને સ્કીમ સિલેક્ટ કરો



મ્યુચ્યુઅલ ફન્ડની ખાસ વાત-જયેશ ચિતલિયા

જોયું! જોયું! શેરબજારમાં સીધું રોકાણ કરવામાં આવું થાય. એક-બે દિવસ કે એક સપ્તાહમાં  બજારનું શું ને શું થઈ જાય? મૂડી વધવાની વાત તો બાજુએ રહી, એ ધોવાઈ જાય. છેલ્લા અમુક  દિવસોમાં બજારમાં જે કડાકા થયા તે જોઈ-અનુભવી અનેક રોકાણકારોના મનમાં આવા વિચારો જાગ્યા જ હશે. આને લીધે ઘણાને થયું હશે કે આ બજારનો ભરોસો કરાય નહીં, અહીં  સાવ અણધાર્યા જોખમ આવી પડતાં હોય છે. વાત તો બરાબર લાગે! પણ આવા જોખમ ન હોય તો એ શેરબજાર ન કહેવાય. તો શું શૅરબજારમાં રોકાણ કરવું જ નહીં? ના, એવું નથી. શૅરબજારમાં જોખમ રહેશે જ અને અણધાર્યું પણ બનતું જ રહેશે. જો તમને આ બાબત મૂંઝવતી હોય, ભય પમાડતી હોય તો બહેતર છે કે તમે શૅરબજારમાં સીધું રોકાણ નહીં કરો, કિંતુ પરોક્ષ રોકાણ કરો, જે માર્ગ મ્યુચ્યુઅલ ફન્ડ પાસે છે.

મ્યુચ્યુઅલ ફન્ડ સંબંધી મૂંઝવણ

શૅરબજારની વૉલેટિલિટી સમજાતી ન હોય અને તેનો ભય લાગતો હોય તો મ્યુચ્યુઅલ ફન્ડ અનેકવિધ સાધનો-સ્કીમ્સ ઑફર કરે છે, જે આવા સમયમાં ઓછાં જોખમ સાથે સારું વળતર અપાવી શકે છે. ચાલો, આજે એ સમજીએ કે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ ઓછું જોખમ લેવા માગતા રોકાણકારોને કેવી ચૉઇસ ઑફર કરે છે. હા, મ્યુચ્યુઅલ ફન્ડ પાસે આ માટે ભરપૂર અવકાશ છે, જે રોકાણકારોને  અનેક વિકલ્પો ઑફર કરે છે જેમ મોલ કે ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં લગભગ દરેક ચીજવસ્તુઓ મળી જાય તેમ મ્યુચ્યુઅલ ફન્ડ પાસે રોકાણકારને દરેક યોજના મળી જાય છે, જે તેની માટે એક યા બીજાં કારણસર જરૂરી હોય અથવા તેને પોતાને જોઈતી હોય. જોકે મ્યુચ્યુઅલ ફન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં રોકાણકારોને કાયમ કેટલીક મૂંઝવણો રહેતી હોવાનું જોવા મળે છે. પહેલાં તો કયાં મ્યુચ્યુઅલ ફન્ડમાં નાણાં મૂકવાં જોઈએ? તેની કઈ સ્કીમ પસંદ કરવી જોઈએ? કેટલા સમય માટે રોકાણ કરવું સલાહભયુંર્‍ ગણાય? મ્યુચ્યુઅલ ફન્ડની યોજનામાં પણ ઘણી વાર નેગેટિવ રિટર્ન મળે છે તેનું શું? વગેરે જેવા મુદ્દા ઊભા થતા હોય છે.

માત્ર નામ પાછળ દોડો નહીં

સૌ પ્રથમ એ સમજી લેવું જરૂરી છે કે રોકાણકારે કોઈ પણ મ્યુચ્યુઅલ ફન્ડમાં તેનું (મ્યુચ્યુઅલ ફન્ડનું) નામ જોઈને રોકાણ કરવું જોઈએ નહીં. એક જ સરખા ધ્યેય ધરાવતાં અનેક મ્યુચ્યુઅલ ફન્ડ હોય  છે. મોટે ભાગે રોકાણકાર નામની પાછળ પડી જતા હોય છે કે નામ જેટલું જાણીતું કે બ્રાન્ડ મોટી તેમ એની દરેક સ્કીમ સફળ જ થાય એ દર વખતે જરૂરી હોતું નથી. યુનિટ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા (UTI)નું નામ એક સમયે બહુ મોટું ગણાતું હતું, પણ પછી જ્યારે અમુક સમયે તેમાં વિવાદ બહાર આવ્યા, એ પછી સૌ UTIથી દૂર ભાગવા લાગ્યા, જેમાં UTIની સારી સ્કીમો પણ તેનો ભોગ બની. સામાન્ય રીતે રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડની બાબતમાં પણ ગાડરિયા પ્રવાહમાં તણાતા જોવા મળે છે, જેમ શૅરબજારમાં લોકો ટોળામાં ભળીને રોકાણ કરી નાખે છે. UTIની માસ્ટર શૅર અને માસ્ટર ગેઇન નામની યોજના વખતે કેવો જુવાળ થયો અને પછી કેવું સૂરસૂરિયું થયું એ જાહેર છે. જોકે આજે UTI નવા સ્વરૂપે સુસજ્જ થઈ ગયું છે અને સફળ યોજનાઓ પણ ચલાવી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફન્ડની પસંદગી તેના પ્રમોટર્સ એટલે કે તેની અસેટ મૅનેજમેન્ટ કંપની, તેના ફન્ડ મૅનેજર્સના અનુભવ કે ટ્રેક રેકૉર્ડને ધ્યાનમાં રાખીને તથા ફન્ડની સંબંધિત યોજનાની કામગીરીને ધ્યાનમાં રાખીને કરવી બહેતર  છે. જોકે તેમાં પણ માત્ર ભૂતકાળની કામગીરીને આધાર બનાવીને ચાલી શકાય નહીં, કારણ કે  ભૂતકાળની સારી કામગીરી એ ભાવિ કામગીરીની ગૅરન્ટી બની ન શકે.

સ્કીમ  સિલેક્ટ કરો


  મ્યુચ્યુઅલ ફન્ડની કઈ સ્કીમ પસંદ કરવી તેનો જવાબ રોકાણકારના પોતાના લક્ષ્ય પર વધુ આધાર રાખે છે, કારણ કે રોકાણકાર કેટલું જોખમ લેવા માગે છે? કેટલા સમયગાળા માટે રોકાણ કરવા ચાહે છે? જો રોકાણકાર લાંબા ગાળા માટે તૈયાર છે કે જોખમ લેવા માટે પણ સજ્જ છે તો તેઓ ઇક્વિટીલક્ષી સ્કીમ પસંદ કરે, વધુ જોખમ લેવાની તૈયારી ન હોય તો બેલેન્સ્ડ સ્કીમ લે, કેમ કે તેમાં ઇક્વિટી અને ડેટ સાધનો બન્નેનું રોકાણ આવી જાય છે. જો નજીવું જોખમ લેવાની જ માનસિકતા હોય તો માત્ર ડેટ (ઋણસાધનો) સ્કીમ યોગ્ય ગણાય. મહત્તમ સલામતી જોઈતી હોય તો સરકારી સિકયૉરિટીઝ (ગવર્નમેન્ટ સિકયૉરિટીઝ)માં રોકાણ કરતી સ્કીમ જ ચાલી શકે. જેની પાસે એકસાથે મોટી મૂડી ન હોય, પણ નાની-નાની મૂડી સાથે નિયમિત રોકાણ કરી શકે એમ હોય તો એ રોકાણકારો  સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) પસંદ કરી શકે. લાંબે ગાળે જો રોકાણકાર અન્ય સુરક્ષિત ગણાતા કોઈ પણ બચતસાધન સાથે સરખામણી કરે તો મ્યુચ્યુઅલ ફન્ડ તેમને બહેતર વળતર આપે છે. ચાહે એ પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ (PPF) હોય કે બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ. મ્યુચ્યુઅલ ફન્ડને જો લાંબા સમયગાળા માટે જાળવી રખાય તો મોટે ભાગે પરંપરાગત બચતસાધનો કરતાં ઊંચું વળતર  આપે છે. અલબત્ત, અપવાદ બધે હોઈ શકે છે.

ભરપૂર વૅરાયટીઝ - દરેકને ચૉઇસ

મ્યુચ્યુઅલ ફન્ડ મારફત રોકાણકારોને ભરપૂર વેરાયટીઝ મળે છે અર્થાત્ રોકાણકારની ઉંમર, જરૂરિયાત, લક્ષ્ય, સલામતીની અપેક્ષા, જોખમ લેવાની તૈયારી, કરબચતનું ધ્યેય વગેરે. ઉપરાંત નાનામાં નાની રકમ જેમ કે રૂપિયા ૧૦૦ કે ૫૦૦થી પણ રોકાણની શરૂઆત થઈ શકે છે. અહીં ગ્રોથ (વૃદ્ધિલક્ષી) સ્કીમ મળે તો સામે સમતોલ એટલે કે બેલેન્સ્ડ સ્કીમ પણ હોય, ઇન્કમ ટૅક્સ બચાવવાની સાથે નિયમિત-સિસ્ટમેટિક રોકાણ કરી શકાય એવી શૅરબજારની વૃદ્ધિનો લાભ લેવા માટેની સ્કીમ પણ મળે. પેન્શન સ્કીમ સમાન યોજના ઉપરાંત વિદેશી ઇક્વિટીમાં કે વિદેશી બજારોમાં રોકાણની તક આપતી સ્કીમ પણ મ્યુચ્યુઅલ ફંડ મારફત ઑફર થતી હોય છે. સેક્ટર સ્પેસિફિક રોકાણ કરવાની ઇચ્છા ધરાવતા ઇન્વેસ્ટરો માટે પણ મ્યુચ્યુઅલ ફન્ડ પાસે વિકલ્પ મળતા રહે છે. શૉર્ટ ટર્મ, મિડિયમ ટર્મ કે લૉન્ગ ટર્મ સ્કીમ મ્યુચ્યુઅલ ફન્ડ ઑફર કરતું રહે છે. મજાની વાત એ છે કે મ્યુચ્યુઅલ ફન્ડ સતત નવી નવી ઑફરો સમય-સંજોગો અનુસાર લાવતું રહે છે.મજાની વાત તો એ છે કે તમે રોકાણ કરી દો પછી તમને એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં રોકાણ ટ્રાન્સફર કરવું હોય તો પણ સુવિધા મળે છે જેથી જે-તે સ્કીમની કામગીરીને ધ્યાનમાં રાખી  વિચાર બદલાય તો રોકાણ પણ બદલી શકાય છે. ઈન શૉર્ટ, નાના રોકાણકાર સહિત દરેક માટે મ્યુચ્યઅલ ફન્ડની યોજનાઓ વૈવિધ્ય ઑફર કરે છે.

મૂડી સાવ જ ડૂબી જતી નથી

જોકે મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણકારની મૂડી જ ડૂબી જાય એવું બનતું નથી. જોકે અપવાદરૂપ કિસ્સામાં CRB મ્યુચ્યુઅલ ફંડ (યાદ છેને સી. આર. ભણશાલી) સહિત અમુક ફંડમાં મૂડી તૂટી  જવાની નોબત આવી હતી, કેમ કે તેમાં રીતસરનું કૌભાંડ અથવા મિસમૅનેજમેન્ટ થયું હતું. જોકે મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાનાં બધાં જ નાણાં ડૂબી ગયાં નહોતાં. રોકાણકારોને અમુક નાણાં પરત મળી શકયાં હતાં.  કિંતુ CRB કંપનીમાં મુકાયેલી ફિકસ્ડ ડિપોઝિટનાં નાણાં ડૂબી ગયાં હતાં. અહીં એ નોંધવું મહત્વનું છે કે મ્યુચ્યુઅલ ફન્ડ એક ટ્રસ્ટ સમાન રચના ધરાવતું હોઈ તેમાં ટ્રસ્ટીઓ પણ હોય છે અને તેમાં નેટ અસેટ વેલ્યુ ઓછી થાય એવું બની શકે, પરંતુ સ્કીમનાં નાણાં પૂર્ણપણે ડૂબી જાય એવું બને નહીં. હવે તો સેબીએ મ્યુચ્યુઅલ ફન્ડ માટેના નિયમનો વધુ કડક કરી દીધા છે. હવે આવું થવાની શક્યતા બહુ જૂજ થઈ ગઈ છે.