અમેરિકી ઇન્ટરેસ્ટ-રેટ વધવાનો ટાઇમ જાહેર થવાની શક્યતાએ સોનું ગગડ્યું

16 December, 2014 05:57 AM IST  | 

અમેરિકી ઇન્ટરેસ્ટ-રેટ વધવાનો ટાઇમ જાહેર થવાની શક્યતાએ સોનું ગગડ્યું



બુલિયન બુલેટિન- મયૂર મહેતા

અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાના નિશ્ચિત સમય વિશે જાહેરાત થવાની શક્યતાએ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું ગગડીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું હતું. સોનામાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૨.૭ ટકાનો ઉછાળો નોંધાયા બાદ સપ્તાહના આરંભે જ ૦.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે હેજફન્ડો, મની-મૅનેજરો, સ્પેક્યુલેટરો, ઍનલિસ્ટો અને ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ) હોલ્ડરો હજી પણ સોનામાં બુલિશ હોવાથી આગળ જતાં સોનું ૧૨૦૦ ડૉલરની સપાટી નહીં તોડે એવું મોટા ભાગના લોકો માની રહ્યા છે.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વીતેલા સપ્તાહ દરમ્યાન સોનામાં ૨.૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો, પણ નવા સપ્તાહના આરંભે જ સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. વીતેલા સપ્તાહના અંતે અમેરિકાનો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં છેલ્લાં ૮ વર્ષની ઊંચી સપાટીએ બંધ રહેતાં અને અમેરિકી જૉબડેટા ફેવરેબલ આવતાં ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ વધારવા વિશે પૉઝિટિવ નિર્ણય લેવાય એવા સંજોગો ઊજળા બનતાં સપ્તાહના આરંભથી સોનામાં ઝડપી ઘટાડાનો દોર ચાલુ થયો હતો. સોમવારે સવારે સ્પૉટમાં સોનાનો ભાવ ૧૨૧૮.૮૦ ડૉલર ખૂલ્યા બાદ ગણતરીના કલાકોમાં જ ૧૨૧૦ ડૉલરની સપાટી નજીક પહોંચ્યા હતા. ચાંદીનો ભાવ ૧૬.૯૨ ડૉલર ખૂલ્યા બાદ ઘટયા હતા. પ્લૅટિનમનો ભાવ ૧૨૨૧.૫૦ ડૉલર ખૂલ્યા બાદ ઘટ્યો હતો. જોકે પેલેડિયમનો ભાવ ૮૦૬.૯૦ ડૉલર ખૂલ્યા બાદ વધીને ૮૧૦ ડૉલર નજીક પહોંચ્યો હતો.

ફેડરલ રિઝર્વનો નિર્ણય

અમેરિકી ફેડરલ રિઝર્વની ૧૬-૧૭ ડિસેમ્બરે પૉલિસી મીટિંગ મળી રહી છે. ફેડરલ રિઝવર્‍ના ચૅરમૅન છેલ્લા ૮ મહિનાથી કહી રહ્યા છે કે અમેરિકાના ઇન્ટરેસ્ટ-રેટ ૨૦૧૫ના મધ્યમાં વધી શકે છે, પણ એ વિશેની નિશ્ચિત જાહેરાત હજી સુધી થઈ શકી ન હોવાથી ફેડરલ રિઝર્વની આગામી બે દિવસીય મીટિંગ સોનાના ભાવ માટે બહુ જ મહત્વની છે. અગાઉની તમામ મીટિંગમાં ફેડરલ રિઝર્વ દ્વારા ઇન્ટરેસ્ટ-રેટ ઝીરોની નજીક હજી થોડો સમય જાળવી રખાશે એવું કહેવાતું હતું. આગામી મીટિંગમાં ફેડરલ રિઝર્વ આ થોડો સમય ઇન્ટરેસ્ટ જાળવી રાખવાની વાતને બદલે હજી કેટલો સમય ઇન્ટરેસ્ટ-રેટ ઝીરો નજીક જાળવી રાખશે એની જાહેરાત કરશે એવી ઍનલિસ્ટોની ધારણા છે. જોકે કેટલાક ઍનલિસ્ટો જેમાં લિટરેચરમાં નોબલ પ્રાઇસ વિજેતા પૉલ ક્રુગમૅન સહિતના જણાવે છે કે ક્રૂડ તેલના સતત ઘટતા ભાવથી ડિફ્લેશનનો ભય અને ગ્લોબલ ગ્રોથ પ્રોસ્પેક્ટસ નબળાં હોવાથી ૨૦૧૫માં અમેરિકા ઇન્ટરેસ્ટ-રેટ વધારી નહીં શકે. ઇન્ટરેસ્ટ-રેટ વધવાનો સમય લંબાય તો સોનામાં તેજીના સંજોગો વધુ મજબૂત બની શકે છે.

બુલિશ મોમેન્ટમ

અમેરિકાના ઇન્ટરેસ્ટ-રેટ વધારવાના સંજોગો એક તરફ સતત મજબૂત થઈ રહ્યા છે અને આ બાબત સોનાની તેજી માટે નેગેટિવ હોવા છતાં સોનામાં બુલિશ મોમેન્ટમ પકડાયું છે. વીતેલા સપ્તાહ દરમ્યાન સોનામાં સતત બીજા સપ્તાહે ભાવ વધ્યા હતા. વીતેલા સપ્તાહ દરમ્યાન સોનામાં ૨.૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. કિટકો ન્યુઝ સર્વિસ દ્વારા દર સપ્તાહે યોજાતા સોનાના ભાવના સર્વેમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૩૬ પાર્ટિસિપન્ટ્સમાંથી ૨૧ લોકોએ ભાગ લીધો હતો અને એમાંથી ૧૦ના મતે આવનારા દિવસોમાં સોનામાં તેજી થશે, ૬ના મતે સોનામાં મંદી થશે અને પાંચના મતે સોનાના ભાવ રેન્જબાઉન્ડ રહેશે. ન્યુ યૉર્ક ગોલ્ડ ફ્યુચરમાં છેલ્લાં ચાર સપ્તાહથી હેજફન્ડો, મની-મૅનેજરો અને સ્પેક્યુલેટરો બુલિશ પોઝિશન વધારી રહ્યા છે. ૯ ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં બુલિશ પોઝિશન ૩૧ ટકા વધી હતી. વીતેલા સપ્તાહ દરમ્યાન ગોલ્ડ ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)માં સતત ૩ દિવસ સુધી હોલ્ડિંગ વધ્યું હતું, જે ઑગસ્ટ પછી પ્રથમ વખત જોવા મળ્યું હતું.

સ્વિસ ગોલ્ડની એક્સર્પોટ ભારતમાં એક લાખ કરોડ નજીક પહોંચી

નરેન્દ્ર મોદી સરકારની રચના બાદ સ્વિસ બૅન્કમાં રહેલાં કાળાં નાણાંની ચર્ચા આજદિન સુધી ચાલી રહી છે. સ્વિસ બૅન્કનું કાળું નાણું ભારત આવે કે ન આવે, પણ સ્વિટ્ઝરલૅન્ડથી ગોલ્ડ ભારતમાં જંગી માત્રામાં ઠલવાઈ રહ્યું છે. સ્વિસ ગોલ્ડની ભારતમાં એક્સર્પોટ દર મહિને વધી રહી છે. ઑક્ટોબર મહિનામાં ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનું ગોલ્ડ સ્વિટ્ઝરલૅન્ડથી આવ્યું હતું જે આગલા મહિને ૧૪,૦૦૦ કરોડ રૂપિયા હતું. ૨૦૧૪ના વર્ષમાં ઑક્ટોબર સુધીમાં ૯૩,૦૦૦ કરોડ રૂપિયાનું ગોલ્ડ સ્વિટ્ઝરલૅન્ડથી ભારતમાં આવી ચૂક્યું છે. ૨૦૧૪ના બાકી રહેલા બે મહિનામાં સ્વિસ ગોલ્ડની એક્સર્પોટનો આંક એક લાખ કરોડ રૂપિયાને પાર કરી જશે. સ્વિસ ગોલ્ડની સૌથી વધુ એક્સર્પોટ ભારતમાં થઈ રહી હોવાનું સ્વિસ કસ્ટમ ઍડ્મિનિસ્ટ્રેશનના રિપોર્ટમાં જણાવાયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર સ્વિસ બૅન્કમાં પડેલી અનઅકાઉન્ટેડ વેલ્થ ગોલ્ડ મારફત ભારતમાં ઠલવાઈ રહી હોવાની આશંકા છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૭,૦૯૦

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૯૪૦

ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૮,૬૦૫

(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)