૧૧ મહિનામાં ૭૦૦૦ પૉઇન્ટ વધેલું માર્કેટ આઠ દિવસમાં ૮૫૦ પૉઇન્ટ તૂટે તો ગભરાઈ જવાનું?

12 December, 2014 07:14 AM IST  | 

૧૧ મહિનામાં ૭૦૦૦ પૉઇન્ટ વધેલું માર્કેટ આઠ દિવસમાં ૮૫૦ પૉઇન્ટ તૂટે તો ગભરાઈ જવાનું?



સ્પેશ્યલ સ્ટોરી- જયેશ ચિતલિયા

૨૦૧૪થી શરૂ થઈ નવેમ્બર સુધીમાં ૭૦૦૦ પૉઇન્ટ વધી જનાર સેન્સેક્સ છેલ્લા આઠ દિવસમાં લગભગ ૮૫૦ પૉઇન્ટ તૂટી જતાં નાના રોકાણકારોમાં ચિંતા અને ભય ફેલાવા  લાગ્યાં  છે. બજારમાં પ્રવેશવાનું વિચારતો વર્ગ અટકી ગયો છે અને નફો બુક કરવાનું ચૂકી ગયેલો વર્ગ પસ્તાઈ રહ્યો છે. આ ૮ ટ્રેડિંગ દિવસોમાં બજાર શા માટે ઘટયુ એનાં કારણો આ બન્ને વર્ગની ચિંતામાં વધારો કરી રહ્યાં છે, કારણ કે આ વખતે ફરી ગ્લોબલ સંજોગો બજારને ઘટાડવામાં નિમિત્ત બન્યા છે. જોકે દર વખતે ઘટતી બજારમાં ખરીદવાની સલાહ આપતા નિષ્ણાતો આ વખતે ફોલિંગ માર્કેટમાં ખરીદવાને બદલે વધુ રાહ જોવાની સલાહ આપે છે. વર્તમાન સંજોગોમાં બજાર હજી નીચે જઈ શકે છે. જોકે બજારના અનુભવીઓનો મત એવો પણ છે કે ડિસેમ્બર યર એન્ડ હોવાથી FII પ્રૉફિટ બુક કરી રહ્યા છે. ગ્લોબલ લેવલે ચિંતાના કારણ ઉપરાંત અત્યારે હૉલિડે મૂડ પણ છવાઈ રહ્યો હોવાથી સેલિંગ પ્રેશર વધ્યું છે.

ગ્લોબલ કારણોની અસર

ભારતીય શૅરબજાર ફરી ગ્લોબલ સંજોગોનો શિકાર બની રહ્યું છે. અહીં આર્થિક સુધારા અને ગ્રોથ માટેના પ્રયાસોનો દોર ચાલુ છે ત્યારે (અમેરિકા)ની માર્કેટ ફરી  ઢીલી પડી હોવાનું જણાવતાં બજારના અગ્રણી બ્રોકરો કહે છે કે શાંઘાઈ, ચીન, યુરોપની બજારોની અસરરૂપે ભારતીય બજાર તૂટી છે. ગ્રીસમાં પણ મુશ્કેલી સર્જા‍ઈ હોવાના અહેવાલ છે, જ્યારે ચીનના ડેટા નબળા આવવા ઉપરાંત મંદ પડેલો ગ્રોથ પણ અનિશ્ચિતતા સર્જી‍ રહ્યો છે. જોકે બીજા સમાચાર એ પણ છે કે આ સંજોગોમાં ચીનના વૅલ્યુએશન ભારત કરતાં સસ્તાં થતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો માટે ચીનની માર્કેટ વધુ આકર્ષક બની છે. જોકે કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર દેવેન ચોકસી કહે છે કે આ ફૉલ બાઇંગ ઑપોચ્યુર્‍નિટી બની શકે છે, પરંતુ ઉતાવળે નહીં. તેમના મતે નિફ્ટી  ૮૨૦૦થી ૮૬૦૦ની રેન્જમાં રહેવાની ધારણા છે, જયારે ઇન્ડિયા ઇન્ફોલાઇનના રિસર્ચ-હેડ અમર અંબાણી હાલની અસરને કામચલાઉ તરીકે જોતાં કહે છે કે ‘જેમણે લૉન્ગ ટર્મ માટે રોકાણ કર્યું છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી, બાકી શૉર્ટ ટર્મવાળાઓએ  વૉલેટિલિટીનો સામનો કરવો પડી શકે. મોટા ભાગના બ્રોકરો આ મહિનામાં માર્કેટ હજી પાંચેક ટકા નીચે ઊતરવાની ધારણા રાખે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો છેલ્લા એક વર્ષથી સતત લેવાલ હતા અને હવે નફો બુક કરે એ સ્વાભાવિક છે.

સ્લોડાઉનનો ભારતને લાભ

US-યુરોપમાં ડિસેમ્બર-એન્ડિંગ, પણ રોકાણકારો-ફન્ડ્સ માટે હૉલિડે મૂડનો સમય શરૂ થાય છે, તેઓ આ દિવસોમાં વેચવાલી કરીને નાણાં ઘરભેગાં કરતા હોય છે, જેની અસરરૂપે પણ બજારમાં વધુ વેચાણ જોવા મળ્યું છે. જોકે ત્યાંનાં બજારોના સંજોગો પણ  એમાં નિમિત્ત બન્યાં જ છે. જોકે ભારતની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (CAD) પણ વધી હોવાના અહેવાલની અસર પણ બજાર પર છે. જોકે નાણાપ્રધાન અરુણ જેટલીએ  CADની  ચિંતાની જરૂર ન હોવાનું  નિવેદન કર્યું છે અને ઉપરથી એમ પણ કહ્યું છે કે અન્ય બજારો કે ઇકૉનૉમી નબળી પડવાનો લાભ ભારત જેવા વિકસતા અર્થતંત્રને મળી શકે છે. જોકે અત્યારે બજારમાં ગ્લોબલ આશંકા ચાલશે એથી બજાર હજી ઘટવાનો અવકાશ છે. બીજું, લોકો હજી ઘટવાની ધારણાએ નવી ખરીદી ટાળશે. ક્રૂડના ઘટેલા ભાવો ભારત માટે સારી બાબત ગણાય, પરંતુ ક્રૂડની ઘટતી માગ ગ્લોબલ લેવલે સ્લો ડાઉનના સંકેત આપે છે. આમ અત્યારે તો ભારતીય શૅરબજાર ગ્લોબલ નેગેટિવ કારણોથી ઘેરાયું છે. જેને સુધારા માટે ભારત સરકાર તરફથી કોઈ ચોક્કસ મોટા સુધારાનું ટ્રિગર જોઈશે. અત્યારે સંસદનું સત્ર ચાલુ છે, જેમાં કોઈ મોટી પૉઝિટિવ જાહેરાત આવી જાય તો સેન્ટિમેન્ટ સુધરી શકે એવી આશા પણ વ્યક્ત થાય છે.

વેઇટ ઍન્ડ વૉચ : બટ ડોન્ટ પૅનિક


આ સંજોગોમાં રોકાણકારો વેઇટ ઍન્ડ વૉચની સ્થિતિમાં આવી ગયા છે. અમુક વર્ગ ઘટાડે ખરીદવાની તક માને છે, પરંતુ બજાર હજી ઘટશે નહીં એની ખાતરી આપી શકતા નથી, વાસ્તે અત્યારે રોકાણકારો ઘટાડામાં ખરીદી કરે તો પણ થોડી-થોડી જ કરે એ હિતાવહ છે. લૉન્ગ ટર્મના ઇન્વેસ્ટરો માટે સારા શૅરોમાં ઍવરેજ કરવાની તક ગણાય, કારણ કે  અત્યારે તો તેજીને મોટી બ્રેક લાગી છે, મંદી આવી નથી અને એ પણ ગ્લોબલ કારણસર થયું છે. ભારતનો સુધારાનો દોર ચાલુ છે એમ છતાં સાવચેતી સાથે જ નર્ણિય લેવામાં સાર છે. જોકે પૅનિકમાં આવવાની જરૂર નથી.

બજારને કરેક્શનની પ્રતીક્ષા હતી


માર્કેટ કરેક્શનની વાટ જોઈ જ રહ્યું હતું. હવે માર્કેટ પાસે વધવાનાં નક્કર કારણો નથી. સરકારની કોઈ મોટી જાહેરાત અથવા આવનારું બજેટ એને કિક આપી શકે. બાકી બજાર કન્સોલિડેટ થઈ રહ્યું છે.