યુરોપ-અમેરિકાના ઇકૉનૉમિક ડેટા પૂર્વે સોનું રેન્જબાઉન્ડ

05 December, 2014 06:14 AM IST  | 

યુરોપ-અમેરિકાના ઇકૉનૉમિક ડેટા પૂર્વે સોનું રેન્જબાઉન્ડ




બુલિયન બુલેટિન- મયૂર મહેતા

યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મીટિંગમાં સ્ટિમ્યુલસ પૅકેજ આવવાની ધારણા અને અમેરિકાના ડિસેમ્બર મહિનાના નૉન ફાર્મ પેરોલ ડેટા પૂર્વે સોનું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૧૨૦૦ ડૉલરની આસપાસ રેન્જબાઉન્ડ રહ્યું હતું. અમેરિકી ડૉલર નવેસરથી કરન્સી બાસ્કેટમાં સાડાપાંચ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનામાં નજીવી પીછેહઠ જોવા મળી હતી, પણ ચોક્કસ દિશાનિર્દેશના અભાવે સોનામાં કોઈ મોટો ઘટાડો નોંધાયો નહોતો.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ બુધવારે આખો દિવસ ૧૨૦૦ ડૉલરની આસપાસ રેન્જબાઉન્ડ રહ્યો હતો. યુરો ઝોન સ્ટિમ્યુલસ પૅકેજ આવવાની ધારણા અને ક્રૂડ તેલ સુધરતાં કૉમેક્સ ગોલ્ડ બેન્ચમાર્ક ફેબ્રુઆરી વાયદો બુધવારે ઓવરનાઇટ ૯.૩૦ ડૉલર વધીને ૧૨૦૮.૭૦ ડૉલર સેટલ થયો હતો. ગુરુવારે અમેરિકી ડૉલર કરન્સી બાસ્કેટમાં નવેસરથી સાડાપાંચ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનું ગુરુવારે સવારે ઘટીને ૧૨૦૪ ડૉલર ખૂલ્યું હતું. દિવસ દરમ્યાન સોનું ઘટીને એક તબક્કે ૧૨૦૦ ડૉલરની સપાટી તોડવા નજીક પહોંચી ગયા હતા, પણ ઘટાડો ટક્યો નહોતો અને સોનું ફરી સુધર્યું હતું. ચાંદી પણ ગુરુવારે સવારે ૧૬.૩૦ ડૉલર ખૂલ્યા બાદ વધી હતી. પ્લૅટિનમના ભાવ ૧૨૩૬ ડૉલર અને પેલેડિયમના ભાવ ૭૯૯ ડૉલર ખૂલ્યા બાદ ધીમી ગતિએ ઘટયા હતા.
 
સ્ટ્રૉન્ગ અમેરિકી ડૉલર

અમેરિકી ડૉલરનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં સાડાપાંચ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. યુરોપિયન ઇકૉનૉમી સતત નબળી પડતી જતી હોવાથી યુરો સામે ડૉલર બે વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. જૅપનીઝ GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડP) સતત બે ક્વૉર્ટરથી માઇનસ ઝોનમાં હોવાથી જૅપનીઝ યેન સામે ડૉલરનું મૂલ્ય ૭ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું છે. એ ઉપરાંત રશિયન રૂબલ છેલ્લા એક વર્ષમાં અમેરિકી ડૉલર સામે ૩૮ ટકા તૂટયો હતો. મલેશિયન રિંગિટ સામે ડૉલરનું મૂલ્ય પાંચ વર્ષની ઊંચી સપાટીએ છે. વળી અમેરિકાના પ્રાઇવેટ સેPરના જૉબડેટા અને સર્વિસ સેPરના ડેટા પણ સ્ટ્રૉન્ગ આવતાં ડૉલર વધુ સ્ટ્રૉન્ગ થયો હતો. પ્રાઇવેટ સેPરમાં નવેમ્બરમાં ૨.૦૮ લાખ નવી નોકરી ઉમેરાઈ હતી. જ્યારે સર્વિસ સેPરનો ગ્રોથ ૫૯.૧ પૉઇન્ટ રહ્યો હતો જે આગલા મહિને ૫૭.૧ પૉઇન્ટ હતો.

૧૨૦૦ ડૉલરનું લેવલ

૨૦૧૪ના સેકન્ડ હાફમાં મોટા ભાગે ગોલ્ડના ભાવ ૧૨૦૦ ડૉલરની આસપાસ અથડાયા કર્યા છે. અમેરિકી સ્ટ્રૉન્ગ ઇકૉનૉમી, કરન્સી બાસ્કેટમાં ડૉલર સાડાપાંચ વર્ષની ઊંચાઈએ, ક્રૂડ તેલની મંદી, ચાઇનાની ઈમ્પોર્ટ ઘટવાની ધારણા વગેરે ગોલ્ડમાં મંદી થવાનાં કારણો વચ્ચે પણ ૧૨૦૦ ડૉલરની સપાટી નીચે લાંબા સમય સુધી ભાવ ટકી શકતા નથી. એક તબક્કે ૧૧૩૫ ડૉલર સુધી ગયેલું ગોલ્ડ ફરી પાછું ૧૨૦૦ ડૉલરની સપાટીને કુદાવી ગયું હતું. વાસ્તવમાં અમેરિકાની મોટા ભાગની ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક ગોલ્ડમાં મંદીમાં હોવાથી આંતરરાષ્ટ્રીય મીડિયામાં ગોલ્ડની મંદીની ચર્ચા વધુપડતી થઈ રહી છે. રશિયા સહિતની સેન્ટ્રલ બૅન્કોનું વધી રહેલું બાઇંગ, ભારતમાં છેલ્લા ત્રણ મહિનાથી ગોલ્ડ ઈમ્પોર્ટમાં વધારો, ચીન સહિતનાં એશિયન ગ્લોબલ ગોલ્ડ ટ્રેડ એક્સચેન્જોના વૉલ્યુમમાં સતત થઈ રહેલો વધારો ગોલ્ડમાં તેજીનાં સ્ટ્રૉન્ગ કારણો હોવાથી આવનારા દિવસોમાં ગોલ્ડ બહુ ઘટે એવી ભ્રમણામાં રહેનારા ખોટા પણ પડી શકે છે.

ગોલ્ડ ઈમ્પોર્ટ રૂલ્સ હળવા થતાં પ્રીમિયમ ગગડ્યું

ગોલ્ડ ઈમ્પોર્ટ માટેના ૮૦:૨૦ રૂલ્સ રદ થતાં ભારતીય માર્કેટમાં લંડન ગોલ્ડના ભાવ પરનું પ્રીમિયમ છેલ્લા એક સપ્તાહમાં ગગડીને અડધું થયું હતું. મુંબઈ માર્કેટમાં એક સપ્તાહ અગાઉ ગોલ્ડનું પ્રીમિયમ પ્રતિ ઔંસ ૧૦થી ૧૫ ડૉલર બોલાતું હતું એ ઘટીને ચારથી છ ડૉલર અત્યારે બોલાઈ રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી ભારતની ગોલ્ડ ઈમ્પોર્ટ ૧૦૦ ટનની ઉપર થઈ રહી છે. નવેમ્બરમાં ગોલ્ડ ઈમ્પોર્ટ ૧૦૯ ટન થયાનું ઇન્ડસ્ટ્રીઝ ર્સોસ જણાવી રહ્યા છે. વળી ભારતની કુલ ઈમ્પોર્ટમાં ગોલ્ડ અને ક્રૂડ તેલનો હિસ્સો ૪૨ ટકા છે. ક્રૂડ તેલના ભાવ વૈશ્વિક માર્કેટમાં પાંચ વર્ષના તળિયે પહોંચતાં ઑક્ટોબરમાં ક્રૂડ તેલની ઈમ્પોર્ટ-વૅલ્યુ ગયા વર્ષની સરખામણીમાં ૧૯.૨ ટકા ઘટી હોવાથી કેટલાક ઍનલિસ્ટો ગોલ્ડ ઈમ્પોર્ટ ડ્યુટી ઘટવાની શક્યતા પણ જોઈ રહ્યા છે. જોકે ફાઇનૅન્સ મિનિસ્ટ્રીએ બજેટ અગાઉ ઈમ્પોર્ટ ડ્યુટી ઘટવાની કોઈ શક્યતા ન હોવાનું જણાવ્યું હતું.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૫૩૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૩૮૦
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૭,૨૬૦
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)