ઇકૉનૉમિક ફ્રન્ટ પર પૉઝિટિવ સિગ્નલોથી સોનાએ ૧૨૦૦ ડૉલર કુદાવ્યા

26 November, 2014 05:27 AM IST  | 

ઇકૉનૉમિક ફ્રન્ટ પર પૉઝિટિવ સિગ્નલોથી સોનાએ ૧૨૦૦ ડૉલર કુદાવ્યા


બુલિયન બુલેટિન-મયૂર મહેતા

ચાઇના ગ્રોથ રેટને ૭ ટકા પર જાળવી રાખવા ઇન્ટરેસ્ટ રેટમાં વધુ ઘટાડો કરશે અને રશિયા જિયોપૉલિટિકલ ટેન્શન તથા ક્રૂડ તેલની મંદીથી થનારા ઇકૉનૉમિક લૉસને સરભર કરવા ગોલ્ડ રિઝર્વ વધારશે એવા સિગ્નલોને પગલે સોનાએ ૧૨૦૦ ડૉલરની સપાટી કુદાવી હતી. વળી અમેરિકાના ત્રીજા ક્વૉર્ટરનો GDP ગ્રોથ પણ ઘટીને આવશે એવી ધારણાએ સોનાની તેજીને સર્પોટ આપ્યો હતો. અમેરિકાના સર્વિસ સેક્ટરનો નબળો ગ્રોથ અને જર્મનીના બુલિશ ડેટાથી સોનામાં તેજી વધી હતી.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવનો ગયા સપ્તાહનો ઉછાળો સોમવારે ટકી શક્યો નહોતો અને સોનું સોમવારે ૧૨૦૦ ડૉલરની સપાટી તોડીને અંદર ગયું હતું. કૉમેક્સ ગોલ્ડ વાયદામાં સોમવારે ૦.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બેન્ચમાર્ક ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ બે ડૉલર ઘટીને ૧૧૯૭.૫૦ ડૉલર સેટલ થયો હતો. મંગળવારે સવારે સ્પૉટ માર્કેટમાં સોનાનો ભાવ ૧૯૯૭.૭૦ ડૉલર ખૂલીને એક તબક્કે ૧૨૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયો હતો. ચાંદીનો ભાવ ૧૬.૫૦ ડૉલર ખૂલીને સતત વધતો રહ્યો હતો. પ્લૅટિનમ અને પેલેડિયમ પણ વધ્યું હતું.

ઇકૉનૉમિક ફ્રન્ટ

ગોલ્ડને ઇફેક્ટ કરતાં કેટલાંક ઇકૉનૉમિક ફૅક્ટરો ગોલ્ડમાં તેજીના સંકેત આપી ગયાં હતાં. અમેરિકાનો નવેમ્બર મહિનાનો સર્વિસ PMI (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) ઘટીને ૫૬.૧ (ઑક્ટોબરમાં ૫૭.૧) પૉઇન્ટ રહ્યો હતો, જ્યારે સર્વિસ બિઝનેસ સબ ઇન્ડેક્સ ૫૫.૯ (ઑક્ટોબરમાં ૫૭.૮) પૉઇન્ટ રહ્યો હતો. સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટતાં ડૉલરની સ્ટ્રૉન્ગનેસને બ્રેક લાગી શકે છે. જર્મનીનો બિઝનેસ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ સતત એક વર્ષ સુધી ઘટયા બાદ નવેમ્બરમાં વધીને ૧૦૪.૭ (ઑક્ટોબરમાં ૧૦૩.૨) પૉઇન્ટ રહ્યો હતો. જર્મનીનો ગ્રોથ યુરોને ડૉલર સામે મજબૂત બનાવશે. રશિયન ઇકૉનૉમી અત્યારે જિયોપૉલિટિકલ ટેન્શનને કારણે વર્ષે ૪૦ અબજ ડૉલર અને ક્રૂડ તેલની મંદીને કારણે વર્ષે ૯૦થી ૧૦૦ અબજ ડૉલર ગુમાવવાની સ્થિતિએ પહોંચી છે. રશિયાએ ઇકૉનૉમીને બુસ્ટ આપવા માટે અને વેસ્ટર્ન સેન્શનનો સામનો કરવા વધુ ગોલ્ડ ખરીદવું પડશે. એ બાબત પણ સોનાની તેજી માટે પૉઝિટિવ બનશે.

ચાઇના ઇફેક્ટ

ચાઇનાએ ગયા સપ્તાહે ઇન્ટરેસ્ટ રેટમાં એકાએક ઘટાડો કરવાનો નર્ણિય લીધા બાદ ત્યાંના પૉલિસીમેકરો ઇન્ટરેસ્ટ રેટમાં વધુ કાપ મૂકવાની તૈયારી કરી ચૂક્યા છે. બે વર્ષના મોટા ગાળા બાદ ચાઇનાએ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા હતા. ડિફ્લેશન, ઇકૉનૉમિક ગ્રોથ અને અનએમ્પ્લૉયમેન્ટ કન્ટ્રોલ બહાર જાય એ અગાઉ ચાઇના વધુ સ્ટેપ લેવા માગે છે. ચાઇનાનો ગ્રોથરેટ ઝડપથી ૭ ટકાનું તળિયું તોડવા તરફ જઈ રહ્યો છે ત્યારે પૉલિસીમેકરો ગ્રોથરેટને ૭ ટકા પર જાળવી રાખવા અગ્રેસિવ સ્ટેપ લેવા માગે છે. ૨૦૧૪ના પ્રથમ ૯ મહિનામાં ગોલ્ડની ડિમાન્ડ ચાઇનામાં પાંચમા ભાગની ઘટી જતાં ચાઇનાનો ઇકૉનૉમિક સ્લો ગ્રોથ ગોલ્ડની માર્કેટ પર હાવી છે. ચાઇનાનું સ્ટિમ્યુલસ પૅકેજ અને ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો ગોલ્ડને વધુ ઘટતું અટકાવશે.

સ્વિસ રેફરેન્ડમ

સ્વિસ બૅન્ક ગોલ્ડ રિઝર્વ હાલની ૭.૮ ટકાથી વધારીને ૨૦ ટકા કરવા માટેનું રેફરેન્ડમ હવે નજીક આવી રહ્યું હોવાથી સોનાના ભાવ ૧૨૦૦ ડૉલર આસપાસ અથડાઈ રહ્યા છે. સ્વિટ્ઝરલૅન્ડના લેટેસ્ટ સર્વે પ્રમાણે ૩૮ ટકા પ્રજા ગોલ્ડ રિઝર્વ વધારવાની તરફેણ કરી રહી છે પણ સ્વિસ બૅન્કના સૂત્રધારો રિઝર્વ વધારવાનો મત ધરાવે છે. ટેક્નિકલ ઍનલિસ્ટો સ્વિસ રેફરેન્ડમમાં પૉઝિટિવ રિઝલ્ટ આવે તો સોનાનો ભાવ વધીને ૨૧ ઑક્ટોબરની સપાટીએ ૧૨૫૬.૨૦ ડૉલરે પહોંચે એવું માની રહ્યા છે, પણ નેગેટિવ રિઝલ્ટ આવે તો ઘટીને ૧૧૭૪.૭૦ ડૉલર થશે. ટેક્નિકલી ૧૦ દિવસ અને ૨૦ દિવસની મૂવિંગ ઍવરેજ બુલિશ સિગ્નલ બતાવે છે. ૪૦ દિવસની મૂવિંગ ઍવરેજ પાર કરે તો ગોલ્ડમાં નવેસરથી બુલિશ મોમેન્ટમ આવી શકે છે જે ૧૨૦૪.૨૦ ડૉલર છે, પણ સોમવારે સોનું ગયા સપ્તાહે આ લેવલને પાર કરીને ૧૨૦૭.૭૦ ડૉલર થયા બાદ આ લેવલે ટકી નહોતું શક્યું.

બે દાયકાના ગાળા બાદ ગોલ્ડ સ્મગલિંગનો બિઝનેસ જોરમાં

ભારત સરકાર દ્વારા સોનાની ઈમ્પોર્ટ પર નિયંત્રણો લદાયા બાદ ગોલ્ડ સ્મગલિંગના બિઝનેસની રોનક ખીલી છે. દુબઈ, બૅન્ગકૉક, સિંગાપોર, કોલંબો, મસ્કત, કુવૈત, શારજાહ, અબુ ધાબી, હૉન્ગકૉન્ગ અને નાઇરોબીથી એક કિલો સોનું સ્મગલિંગથી ભારતમાં ઘુસાડનારને કિલોએ સાડાત્રણથી ચાર લાખ રૂપિયાની તગડી કમાણી થઈ રહી છે. બે દાયકા અગાઉ ૧૯૬૦, ૧૯૭૦ અને ૧૯૮૦માં સોના-ચાંદીના સ્મગલિંગમાં અન્ડરવર્લ્ડ સક્રિય હતું, પણ ૧૯૯૧થી ઉદારીકરણના પગલા હેઠળ સોનાની ઈમ્પોર્ટ પણ ઉદાર બનતાં ગોલ્ડ સ્મગલિંગના બિઝનેસમાં કોઈ કસ રહ્યો ન હોવાથી સ્મગલિંગ સાવ બંધ થઈ ચૂક્યું હતું. ગયા વર્ષે સરકારે ગોલ્ડ ઈમ્પોર્ટ ડ્યુટી વધારીને ૧૦ ટકા કરતાં છેલ્લા દોઢ વર્ષથી સ્મગલિંગ સતત વધી રહ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં ઑફિશ્યલ ૬૭૮ કિલો ગોલ્ડ સ્મગલિંગ પકડાયું હતું જે આગલા વર્ષે ૩૪૬ કિલો હતું. ૨૦૧૪માં જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં ૮૦૦ કિલોનું ગોલ્ડ સ્મગલિંગ પકડાયું હતું. કસ્ટમ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ માર્કિંગ ગોલ્ડ બારનું સ્મગલિંગ મોટી માત્રામાં વધ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ અનુસાર ૨૦૧૪માં ભારતમાં ૨૦૦ ટન ગોલ્ડનું સ્મગલિંગ થવાનો અંદાજ છે. 

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૬૧૫

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૪૬૫

ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૭,૫૫૦

(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)