વાવેતર ૩૫ ટકા વધ્યું : ઘઉંના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ ગેમ-ચૅન્જર બનશે

26 November, 2014 05:21 AM IST  | 

વાવેતર ૩૫ ટકા વધ્યું : ઘઉંના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ ગેમ-ચૅન્જર બનશે


દેશમાં પંજાબ અને મધ્ય પ્રદેશ ઘઉનાં ટોચનાં ઉત્પાદક રાજ્યો છે, પરંતુ ચાલુ વર્ષે આ બન્ને રાજ્યમાં વાવેતર ઘટયુ છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના વાવેતર વિસ્તારમાં ૩૫ ટકાનો વધારો નોંધાયો છે. વેપારીઓનું કહેવું છે કે ઉત્તર પ્રદેશ ચાલુ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં નંબર વન દેશ બને એવી ધારણા છે. સામાન્ય રીતે પંજાબ ઉત્પાદનમાં ટોચ પર હોય છે.

ઉત્તર પ્રદેશના વાવેતરના આંકડાઓ પરથી ઘઉંના બજારની તેજીને પણ બ્રેક લાગી છે અને આગળ ઉપર ભાવ ઘટે એવી પણ સંભાવના નકારી શકાય એમ નથી. ચાલુ વર્ષે ઉત્તર પ્રદેશ ઘઉંના ભાવ નક્કી કરવા માટે ગેમ-ચૅન્જર સાબિત થશે. ઉત્તર પ્રદેશના વાવેતર પર જ બજારનો આધાર રહેશે. ટૂંકા ગાળા માટે ભાવમાં કોઈ વધારો થાય એવી શક્યતા દેખાતી નથી.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે દેશમાં ૧૦૭ લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે, જે ગત વર્ષે પણ આટલું જ થયું હતું. ગત વર્ષે કુલ ૩૦૯ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જે રેકૉર્ડ-બ્રેક હતું. ઉત્તર પ્રદેશમાં ૨૯.૬૮ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે ૨૨ લાખ હેક્ટરમાં થયું હતું. પંજાબમાં હજી સુધી માત્ર ૨૪.૪૭ લાખ હેક્ટર થયું છે, જે ગત વર્ષે ૨૪.૮૦ લાખ હેક્ટરમાં થયું હતું. આમ ઉત્તર પ્રદેશ ટોચ પર પહોંચ્યું છે.

દેશમાં ટૉપ-ફાઇવ રાજ્યોમાં વાવેતરની સ્થિતિ

રાજ્યનું નામ    ચાલુ વર્ષે    ગત વર્ષે    વધઘટ(ટકામાં)

ઉત્તર પ્રદેશ    ૨૯.૬૮    ૨૨.૦૭    ૩૪.૪૮

પંજાબ    ૨૪.૪૭    ૨૪.૮૦    -૧.૩૩

મધ્ય પ્રદેશ    ૨૧.૮૦    ૨૫.૫૪    -૧૪.૬૪

હરિયાણા    ૧૪.૦૭    ૧૫.૪૦    -૮.૬૩

રાજસ્થાન    ૭.૮૧    ૯.૩૯    -૧૬.૮૨

દેશનું કુલ    ૧૦૭.૩૬    ૧૦૭.૨૪    ૦.૧૧

(આંકડાઓ લાખ હેક્ટરમાં ૧૭મી નવેમ્બર સુધીના)