નાનાં મ્યુચ્યુઅલ ફન્ડ્સને સેબી તરફથી રાહત : વરસમાં બે સ્કીમ લૉન્ચ કરવાની મંજૂરી

25 November, 2014 05:09 AM IST  | 

નાનાં મ્યુચ્યુઅલ ફન્ડ્સને સેબી તરફથી રાહત : વરસમાં બે સ્કીમ લૉન્ચ કરવાની મંજૂરી


નાનાં મ્યુચ્યુઅલ ફન્ડ્સને સેબીએ વરસમાં બે સ્કીમ બહાર પાડવાની મંજૂરી આપતાં આ ફન્ડ્સમાં રાહત અને ખુશીની લાગણી પ્રસરી છે. સેબીએ થોડા વખત પહેલાં નાનાં મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઍસેટ મૅનેજમેન્ટ કંપની (AMC)ને મિનિમમ ૫૦ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવવાની સૂચના આપી હતી અને ત્યાં સુધી એની નવી સ્કીમ બહાર પાડવા પર અંકુશ મૂક્યો હતો. જોકે નાનાં ફન્ડ્સ માટે આ નેટવર્થ ઊભી કરવામાં સમય લાગી શકે એમ હોવાથી સેબીએ એમની નિર્દિક્ટ નેટવર્થ હાંસલ થાય નહીં ત્યાં સુધી ફન્ડને વરસે મહત્તમ બે યોજના માટે મંજૂરી આપતાં રાહત થઈ છે જેથી હવે નાનાં ફન્ડ્સ સ્કીમ લાવવા સજ્જ થઈ રહ્યાં છે.

જોકે સેબીએ આવાં ફન્ડ્સની દરખાસ્ત કેસ ટુ કેસ ધોરણે હાથ ધરવાનું નક્કી કર્યું છે. એમાં એમના નેટવર્થ વધારવા માટેના પ્રયાસ કેટલા ગંભીર છે એની ચકાસણી કરવામાં આવશે. વર્તમાનમાં દસ AMC એવી છે જેમની નેટવર્થ ૫૦ કરોડ રૂપિયાથી નીચે છે. આવાં ફન્ડ્સમાં ક્વૉન્ટમ, સહારા, શ્રીરામ, ટોરસ, એસ્ર્કોટ્સ અને પરાગ પરીખ ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝરી સર્વિસિસનો સમાવેશ છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સના નિષ્ણાતોના મત મુજબ સેબીનું આ પગલું વ્યવહારું અને વાજબી છે અને આનાથી નાનાં ફન્ડ્સને નેટવર્થ વધારવાની તક મળશે અને પ્રોત્સાહન પણ મળશે.બીજું, સેબી પોતાનાં ધોરણો કડક બનાવીને નાનાં ફન્ડ્સને બિઝનેસમાંથી દૂર કરી દેવા માગે છે એવું નથી એ આ પગલા પરથી સાબિત થાય છે. સેબી માત્ર આ ફન્ડ્સ ગંભીર બનીને પ્રવૃત્તિ કરે એવું ઇચ્છે છે.

નાનાં ફન્ડ્સને ૨૦૧૭ સુધીનો સમય

આ વરસના આરંભમાં સેબીએ નેટવર્થની મિનિમમ જરૂરિયાત દસ કરોડ રૂપિયાથી વધારીને પચાસ કરોડ રૂપિયા કરી ત્યારે એ પગલાની ભારે ટીકા થઈ હતી, પરંતુ સમય જતાં હવે એ પગલું વાજબી લાગી રહ્યું છે. સેબીએ આ માટે ફન્ડ્સને મે ૨૦૧૭ સુધીનો સમય પણ આપ્યો છે.

પંચાવન ઇક્વિટીલક્ષી સ્કીમ

આ વરસે અત્યાર સુધીમાં ઇક્વિટી કૅટેગરીમાં પંચાવન સ્કીમ બજારમાં આવી છે, જે મોટા ભાગે મધ્યમ અને લાર્જ સાઇઝ ફન્ડ્સની રહી છે.