તેજીનો તાલ લાંબો ચાલશે, પરંતુ કયા શૅરોમાં રોકાણ કરવામાં સારુ રહેશે?

24 November, 2014 05:19 AM IST  | 

તેજીનો તાલ લાંબો ચાલશે, પરંતુ કયા શૅરોમાં રોકાણ કરવામાં સારુ રહેશે?



શેરબજારની સાદી વાત-જયેશ ચિતલિયા


ગયા સોમવારે આપણે તેજી સામેના શંકા અને ભય વિશે ચર્ચા કરી. તેજી સામે થતા સવાલો-શંકા કે ભયના જવાબો મેળવવાનો પણ પ્રયાસ કર્યો. જો માની લઈએ કે તેજી મજબૂત પાયા પર રચાઈ છે અને એ લાંબા ગાળા સુધી ચાલતી રહેશે તો હવે આપણે કરવું શું? એવું શું કરીએ કે આ તેજીનો લાભ લઈ શકાય? અગાઉ આપણે જોયું છે કે તેજીમાં પણ રોકાણકારોનો બહુ મોટો વર્ગ નુકસાન કરતો હોય છે અથવા ઊંચા ભાવે ખોટા શૅરોમાં ફસાઈ જતો હોય છે. આ વખતે મોદી સરકારના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી તેજીમાં જ્યારે સતત નવા બેન્ચમાર્ક બની રહ્યા છે, સેન્ટિમેન્ટ પણ સતત ગુલાબી બની રહ્યું છે, ફન્ડામેન્ટલ્સ વધુ મજબૂત થવા જઈ રહ્યાં છે ત્યારે આ લાંબી રેસમાં આપણે પણ દોડવાનું થશે. જોકે પડી ન જવાય એ રીતે, સંભાળીને. તેજીનો ખરો લાભ મેળવવાનો આ ઉત્તમ સમય ગણાય છે. એમ છતાં ભૂલો થઈ શકે છે. આ ભૂલો રોકાણકારો અગાઉ કરી ચૂક્યા હોય તો એ ભૂલોને યાદ કરી પોતાને જ ગુરુ બનાવે અને આ સમયનો લાભ લેવા કઈ રીતે રોકાણની વ્યૂહરચના ગોઠવે એની સાદી-સરળ વાત કરીએ.


તાજેતરમાં એક ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનારમાં ભાગ લેવાનું બન્યું હતું. ત્યાં ઉત્સુક રોકાણકારોનો બહુ સારો વર્ગ હાજર હતો. રોકાણકાર-વર્ગમાં તાજેતરમાં એક ખાસ વાત એ જોવા મળે છે કે મોદી સરકાર આર્થિક વિકાસને ઊંચે લઈ જશે એ વાત પર તેમને વ્યાપક ભરોસો બેઠો છે. સેન્સેક્સની ઊંચાઈને આ સરકારનાં પગલાં જ વધુ ઉપર લઈ જશે એવો આશાવાદ વિશાળ ઇન્વેસ્ટર વર્ગમાં સતત વધતો જોવા મળે છે. એમ છતાં ક્યાંક ભય અને શંકા વચ્ચે આવા સવાલો છે. અમારે આ માહોલમાં શૅરોની પસંદગી કઈ રીતે કરવી? ખોટા શૅરોમાં ઊંચા ભાવે ભેરવાઈ જવાય નહીં એ માટે શું ધ્યાન રાખવું? તેજી આગળ ચાલશે, પરંતુ મારા શૅરોના ભાવ વધશે ખરા? આનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ.


સારા શૅરો કઈ રીતે શોધવા?


સારા શૅરો પસંદ કરવા માટેના ચોક્કસ સિદ્ધાંત હોય છે, પરંતુ સંજોગો મુજબ એમાં વિવેકબુદ્ધિના આધારે ફેરફાર પણ કરવા પડે. આપણે વર્તમાન સંદર્ભમાં જોઈએ તો અત્યારે રોકાણકારોએ સરકાર તરફથી આર્થિક સુધારાનાં જે કંઈ પગલાં લેવાઈ રહ્યાં છે એની સીધી અને સારી અસર જે સેકર પર પડી રહી હોય અથવા પડવાની સંભાવના હોય એ સેકર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જોકે એક સેકરમાં અનેક કંપનીઓ હોઈ શકે, પરંતુ રોકાણકારોએ એમાં માત્ર કામગીરી અને ટ્રૅક-રેકૉર્ડના આધારે મજબૂત હોય એવા શૅરો અલગ તારવવા જોઈએ. એ પછી પણ પસંદગીને બારીક કરવા એ શૅરોમાં સાતત્યપૂર્ણ કામગીરી કોની છે તેમ જ કઈ કંપનીઓ પાસે ભાવિ-વિકાસલક્ષી પ્લાન છે એના પર વધુ નજર રાખવી જોઈએ. યાદ રહે કે આ શૅરો સેન્સેક્સ કે નિફ્ટીમાં સ્થાન ધરાવતા હોય તો વધુ સારું. જો એમાં ચૉઇસ નાની પડતી હોય તો A ગ્રુપમાં નજર કરવી. આ સિવાયના શૅરો બની શકે તો ટાળવા અથવા વધુ સિલેક્ટિવ બનીને જ આગળ વધવું. દાખલા તરીકે તાજેતરમાં સરકારનાં સુધારાનાં પગલાંની અસર હેઠળ આવી શકે એવાં સેકરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, બૅન્કિંગ, મૅન્યુફૅક્ચરિંગ, કન્ઝ્યુમર, કૅપિટલ ગુડ્સ અને રિયલ્ટીનો સમાવેશ થાય છે. અલબત્ત, આમાંથી પણ સિલેક્ટિવ બનવું પડે. દાખલા તરીકે બધા જ રિયલ્ટી શૅરો ચાલે એવું બની શકે નહીં. વધુમાં આવા શૅરોના છેલ્લાં બાવન સપ્તાહના હાઈ અને લો ભાવ પણ જોઈ જવા, જેથી નીચામાં આ શૅર ક્યાં સુધી અને ઊંચામાં ક્યાં સુધી ગયો છે એનો અંદાજ મળી શકે. અમુક શૅરો ખરેખર સારા હોય, પરંતુ ઑલરેડી બહુ વધી ગયા હોય એવું બની શકે. તેથી સારા શૅરોમાં પણ ભાવ બાબતે સિલેક્ટિવ બનવું પડે.


ધીમે અને થોડી ખરીદી કરવી


વાત આટલેથી પતી જતી નથી. આ શૅરોની ખરીદી પણ આડેધડ કરવી જોઈએ નહીં. બલકે જુદાં-જુદાં સેકરોમાંથી અમુક-અમુક કંપનીઓના શૅરો જમા કરવાનું રાખવું. એકસાથે બધી જ મૂડી ન રોકવી. દર થોડા-થોડા સમયે થોડા-થોડા શૅર જમા કરતા રહેવામાં સાર રહે છે. ખાસ કરીને ઘટાડાના દિવસે ખરીદી કરવી, પરંતુ ઘટાડા માટે રાહ જોયા કરવી નહીં. આ શૅરો ખરીદતી વખતે ધ્યાન રાખવું કે એ માત્ર એક-બે સેકરના જ ન આવી જાય. બલકે ડાઇવર્સિફાઇડ ર્પોટફોલિયો બનતો જવો જોઈએ. પણ હા, સંખ્યાબંધ જુદી-જુદી સ્ક્રિપ્સ ભેગી કરવી નહીં. અર્થાત્ ર્પોટફોલિયો બની શકે તો દસ જુદી-જુદી સ્ક્રિપ્સથી વધુ મોટો ન હોવો જોઈએ. આ કંપનીઓના પ્રમોટરોના ટ્રૅક-રેકૉર્ડ પણ ધ્યાનમાં રાખવા. ખાસ કરીને ટેઇન્ટેડ અથવા જેની સામે ઍક્શન લેવાઈ હોય કે જે કૉન્ટ્રોવર્સીમાં અટવાઈ ગઈ હોય અથવા જેની સામે એક યા બીજા કેસો ચાલતા હોય તો એવી કંપનીઓ ટાળવામાં ડહાપણ ગણાય, કારણ કે આ શૅરોના ભાવોની દિશા અનિશ્ચિત બની શકે છે.


ગ્લોબલ ઘટના પર નજર જરૂરી


અત્યારે ભારતીય બજારને તેજીમાં રાખે કે આ તેજીને આગળ ખેંચી જવામાં સહાયરૂપ બને એવાં પગલાં સરકાર તરફથી આવી રહ્યાં છે. વડા પ્રધાનની ઑસ્ટ્રેલિયાની મુલાકાત પણ સફળ રહી છે. હવે જેમ-જેમ બજેટ નજીક આવતું જશે એમ-એમ અપેક્ષાઓનો દોર વધતો જશે અને સુધારાનું દરેક પગલું બજારને ઉછાળાની તક આપશે. આ બધા વચ્ચે ગ્લોબલ ઘટના પર સતત નજર રાખવી પડશે. જપાન, અમેરિકા અને ચીનની ઇકૉનૉમી ભારતીય અર્થતંત્રને અસર કરતી રહેશે અને ભારતીય શૅરબજાર પણ એનાથી મુક્ત નહીં રહી શકે. તેથી ગ્લોબલ ઘટનાઓ પર નજર અને એની સમજ રાખવી પડશે. અલબત્ત, લાંબા ગાળે ભારતીય અર્થતંત્રનાં ફન્ડામેન્ટલ્સ જ મહકટવનાં રહેશે.


કંપનીઓની માહિતી ક્યાંથી?


રોકાણકારોને થઈ શકે કે આ બધી માહિતી-સમજ મેળવવી ક્યાંથી? એનો ઉપાય સરળ છે. કંપનીઓની કામગીરી અને ટ્રૅક-રેકૉર્ડની તમામ માહિતી શૅરબજારની સત્તાવાર વેબસાઇટ તેમ જ માર્કેટ સંબંધિત જુદી-જુદી રિસર્ચ-ઇન્ફર્મેશન સાઇટ પરથી મળતી રહે છે. કંપનીઓનાં રિઝલ્ટ્સ, પ્લાન્સ, ભાવોનાં હાઈ-લો લેવલ, કંપનીમાં કોનું કેટલું હોલ્ડિંગ છે એ માહિતી પણ મળી જાય છે. આ બાબત સમજવા માટે અમુક જ મિનિટ પર્યાપ્ત છે. જો તમે માત્ર કોઈના કહેવાથી આડેધડ શૅરો ખરીદી લઈ ફસાવા માટે તૈયાર રહેવા માગતા ન હો તો આટલી મહેનત-અભ્યાસ તમને સાચો નિર્ણય લેવામાં સહાય કરશે. આ ઉપરાંત અખબારો અને ટીવી-ચૅનલો પરથી પણ માહિતી મળતી રહે છે. જોકે આ માધ્યમોની પણ બધી જ વાતને દિમાગ બંધ કરી માનીને નિર્ણય લેવાય નહીં, બલકે એના આધારે સંકેત કે સમજ જરૂર મેળવી શકાય. કમસે કમ કયા શૅરોથી દૂર રહેવું એટલો ઇશારો પણ સમજાય તો ભાવિ સંભવિત ખોટથી બચી શકાય. હવે પછી પણ જો તમને શૅરો ખરીદવામાં સૂઝ ન પડતી હોય અથવા એમાં મોટું જોખમ લાગતું હોય તો અન્ય ઉપાય પણ છે જેની ચર્ચા આગામી સોમવારે કરીશું.