ચીને ઇન્ટરેસ્ટ રેટ ઘટાડતાં સોનામાં ઝડપી ઉછાળો

22 November, 2014 08:15 AM IST  | 

ચીને ઇન્ટરેસ્ટ રેટ ઘટાડતાં સોનામાં ઝડપી ઉછાળો


બુલિયન બુલેટિન- મયૂર મહેતા   

ચીને ઇકૉનૉમિક ક્રાઇસિસનો સામનો કરવા ઇન્ટરેસ્ટ રેટમાં તાત્કાલિક અસરથી કાપ મૂકતાં સોનાના ભાવમાં ઝડપી ૧૦ ડૉલરનો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકાનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં વાર્ષિક ધોરણે વધીને ૧.૭ ટકા થતાં ઇન્ફલેશન વધવાના ડરે સોનામાં નીચા મથાળે નવેસરથી લેવાલી નીકળતાં વધુ ઘટાડો અટક્યો હતો. જોકે ઑક્ટોબર મહિનામાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ એક વર્ષની ઊંચાઈએ પહોંચતાં ઇકૉનૉમિક સ્ટ્રૉન્ગનેસ વધી હોવાથી સોનામાં વધુ સુધારો પણ અટક્યો હતો. સ્વિટ્ઝરલૅન્ડની ઑક્ટોબર મહિનાની ગોલ્ડ-એક્સર્પોટમાં ચીનમાં એક્સર્પોટ સપ્ટેમ્બરની સરખામણીમાં ત્રણ ગણી વધતાં સોનામાં ઘટયા ભાવે ફિઝિકલ ડિમાન્ડ નવેસરથી નીકળવાની આશા ફરી જન્મી હતી, જેની પણ સોનાના ભાવ પર અસર જોવા મળી હતી.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગુરુવારે સોનાનો ભાવ સ્વિસ રેફરેન્ડમ પૂર્વેના સર્વેમાં નેગેટિવ રિપોટથી ઘટયા હતા. શુક્રવારે સવારે સોનાનો ભાવ સ્પૉટ માર્કેટમાં ૧૧૯૩.૨૫ ડૉલર ખૂલ્યો હતો જે આખો દિવસ રેન્જબાઉન્ડ રહ્યા બાદ ચીન દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં કાપ મુકાયા બાદ ઊછળીને ૧૨૦૦ ડૉલર નજીક પહોંચી ગયા હતા. ચાંદી શુક્રવારે સવારે ૧૬.૩૦ ડૉલર ખૂલ્યા બાદ આ લેવલે જ રેન્જબાઉન્ડ રહી હતી. પ્લૅટિનમનો ભાવ ૧૨૧૬ ડૉલર ખૂલ્યા બાદ આખો દિવસ ધીમી ગતિએ વધતો રહ્યો હતો. જ્યારે પેલેડિયમનો ભાવ ૭૭૭ ડૉલર ખૂલ્યા બાદ ધીમી ગતિએ વધ્યો હતો.

ચીન ઇન્ટરેસ્ટ રેટ

ચીનની ઇકૉનૉમી સતત નબળી પડી રહી હોવાથી પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ આશ્ચર્યજનક રીતે ઇન્ટરેસ્ટ રેટમાં કાપ મૂક્યો હતો. વન યર બેન્ચમાર્ક લૅન્ડિંગ રેટમાં ૪૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને ઇન્ટરેસ્ટ રેટ ૫.૬ ટકા કર્યા હતા, જ્યારે ડિપોઝિટ રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વળી બૅન્કોને ડિપોઝિટ ચૂકવવા માટે પણ રાહત આપી હતી. ચીનના ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાના નર્ણિયથી સોનામાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો.

યુક્રેને ગોલ્ડ રિઝર્વ ઘટાડી 

રશિયા સાથે સંઘર્ષ કરી રહેલા યુક્રેનની ઇકૉનૉમિક તાકાત ઘટતાં ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો કર્યો હતો. IMF (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ)ના રિપોટ અનુસાર યુક્રેને ઑક્ટોબરમાં ૨૬.૧ ટન ગોલ્ડ વેચીને ગોલ્ડ રિઝર્વમાં ૩૫ ટકાનો ઘટાડો કર્યો હતો. યુક્રેને ઑક્ટોબરમાં ગોલ્ડ વેચતાં હવે ગોલ્ડ રિઝર્વ છેલ્લાં ૬ વર્ષની નીચી સપાટીએ પહોંચી હતી. યુક્રેન ગોલ્ડ વેચી રહ્યું છે એની સામે રશિયા એની ગોલ્ડ રિઝર્વ સતત વધારી રહ્યું છે. રશિયાએ ઑક્ટોબરમાં ૨૦ ટન ગોલ્ડ ખરીદ્યું હતું. રશિયાએ ૨૦૧૪માં અત્યાર સુધીમાં ૧૫૦ ટન ગોલ્ડ રિઝર્વ વધારી છે. 

ગોલ્ડ ઈમ્પોર્ટમાં સરકારી એજન્સી પર પ્રાઇવેટ ઈમ્પોર્ટરો હાવી

ભારતમાં એક સમયે ગોલ્ડ ઈમ્પોર્ટમાં સરકાર હસ્તકની પાંચ એજન્સીઓની જ બોલબાલા હતી, પણ સરકારે સ્ટાર અને પ્રીમિયમ ટ્રેડિંગ હાઉસોને ગોલ્ડ ઈમ્પોર્ટમાં છૂટછાટો આપ્યા બાદ સરકાર હસ્તકની પાંચ એજન્સીની ઈમ્પોર્ટ સાવ તળિયે પહોંચી ગઈ હતી. સરકારી ડેટા અનુસાર ચાલુ વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન ગોલ્ડની કુલ ઈમ્પોર્ટમાં સરકાર હસ્તકની પાંચ એજન્સીઓનો હિસ્સો માત્ર ૬.૪ ટકા હતો, જ્યારે માત્ર ૬ મોટા ગજાના ગોલ્ડ-ટ્રેડરોનો હિસ્સો ૪૦ ટકાનો હતો. જોકે આ ૬ ટ્રેડરો દ્વારા કરવામાં આવેલી ગોલ્ડ ઈમ્પોર્ટ કોઈ પણ રીતે ગેરકાયદે નહોતી. આ ૬ પ્રાઇવેટ  ટ્રેડરોની એપ્રિલમાં ગોલ્ડ ઈમ્પોર્ટ ૭.૫૭ ટન હતી જે વધીને સપ્ટેમ્બરમાં ૪૭.૨૬ ટને પહોંચી હતી. ઑલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશને સરકારને ફરિયાદ કરી છે કે કેટલાંક મોટાં ગોલ્ડ ટ્રેડિંગ હાઉસોએ મોટા ગજાનો સ્ટૉક જમા કર્યો છે જેનો ઇરાદો આવનારા સમયમાં તગડું પ્રીમિયમ મેળવવાનો છે એથી સરકારે આવાં ટ્રેડિંગ હાઉસોની ગતિવિધિ પર ચેકિંગ રાખવાની જરૂર છે. ફાઇનૅન્સ મિનિસ્ટ્રીએ પણ વધારે ગોલ્ડ ઈમ્પોર્ટ કરનારાં ૬ ટ્રેડિંગ હાઉસો પર વૉચ રાખવાનું નક્કી કર્યું છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૫૨૫

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૩૭૫

ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૬,૯૬૦

(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)