શૅરબજારની તેજી સામે હજી સવાલ અને શંકા છે? તો આટલું વિચારીને નિર્ણય લો

17 November, 2014 05:26 AM IST  | 

શૅરબજારની તેજી સામે હજી સવાલ અને શંકા છે? તો આટલું વિચારીને નિર્ણય લો



શેરબજારની સાદી વાત-જયેશ ચિતલિયા

શૅરબજારમાં તેજીનો દોર ચાલુ છે, પરંતુ શું ખરેખર આ દોર આમ જ ચાલતો રહેશે? આ તો ખોટી તેજી લાગે છે, આનો ભરોસો કઈ રીતે કરવો? ઑપરેટરો કે મોટા સટોડિયાઓ ભાવ ખેંચતા હોય કે ચલાવતા હોય એવું પણ લાગે છે. બજાર માત્ર છ મહિનામાં જ કેટલું બધું વધી ગયું છે. અનેક શૅરોના ભાવો વધુપડતા ઊંચા ચાલ્યા ગયા હોવાની શંકા પણ જાગે છે. આમાં વળી અમે પણ ઊંચા ભાવે ભરવાઈ પડીએ તો? સેન્સેક્સ ૨૮,૦૦૦ આસપાસ ભલે પહોંચી ગયો અને હવે બજેટ દરમ્યાન કે માર્ચ સુધીમાં ૩૦,૦૦૦ થવાની વાતો પણ પુરબહારમાં ચાલી રહી છે. એમ છતાં અત્યારના તેજીના દોર સામે સવાલો અને શંકા હજી પણ ઊભાં થઈ રહ્યાં છે. ગ્લોબલ ઘટનાઓનો ભય માથા પર લટક્યા કરે છે. નવી સરકારના આગમન સાથે સતત આવી રહેલાં આર્થિક સુધારાનાં પગલાં, સતત આગળ વધી રહેલી તેજી, સતત સુધરી રહેલું સેન્ટિમેન્ટ અને સતત વધી રહેલી આશા વચ્ચે પણ અમુક વર્ગમાં શંકાઓ અકબંધ છે ત્યારે શું કરવું? આ સંજોગોમાં શંકાનું નિવારણ ક્યાંથી મળે? વધુપડતી તેજીમાં ભય લાગવો જોઈએ, પરંતુ ભરોસો જ ન બેસે એવું શા માટે? શું ખરેખર વધુપડતી તેજી છે આ? શું માત્ર ઑપરેટરોએ સર્જેલી તેજી છે આ? આવા સંજોગો વચ્ચે શંકા ભલે થતી, પરંતુ આ શંકા વચ્ચે પણ માર્ગ નીકળી શકે છે. આ માર્ગને સમજવાનો પ્રયાસ કરીએ.

આશાવાદ ક્યાંથી ને શા માટે?

પહેલાં તો એ વિચારો કે આ તેજી શેના આધારે ચાલી રહી છે? નવી સરકાર આવી રહી છે એવા સંકેત સાથે જ એની શરૂઆત થઈ ગઈ હતી. દેશને પરિવર્તન જોઈતું હતું અને જે પરિવર્તન જોઈતું હતું એ પ્રાપ્ત થયું તેથી બજાર સતત વધ્યું એમાં ખોટું શું છે? અગાઉની સરકારના સમયે જે ગરબડ-ગોટાળા હતા એના પરથી લોકો વિશ્વાસ ખોઈ બેઠા હતા. પૉલિસી નિર્ણયો લેવાતા નહોતા, માત્ર અને માત્ર આર્થિક કૌભાંડો બહાર આવી રહ્યાં હતાં. ગવર્નન્સના નામે ગરબડ અને મિસમૅનેજમેન્ટ ચાલી રહ્યું હતું. આ બધામાંથી મુક્તિ મળી અને ઝડપી ધોરણે નવી સરકાર પાસે નવો આશાવાદ સર્જા‍યો. સરકારે પણ નવાં પગલાં લઈને સુધારાનો દોર શરૂ કર્યો તેથી તેજીનો દોર પણ શરૂ થયો એમાં ગેરવાજબી શું છે? શંકા શેની છે? રોકાણકારો પોતાની વિવેકબુદ્ધિથી આટલું વિચારશે તો જવાબ તેમને પોતાની પાસેથી જ મળી જશે.

તેજીના આધાર છે ખરા?


બીજી વાત. શું શૅરબજાર અત્યારે માત્ર ઑપરેટરો જ ચલાવે છે? તેઓ ચલાવતા હોય તો પણ કેટલું ચલાવી શકે? શું વિદેશી સંસ્થાકીય રોકાણકારો અમસ્તા જ એકધારી ખરીદી કરી રહ્યા છે? શું તેઓ કોઈ પણ ઊંચા ભાવે શૅરો ખરીદે લે એવા નાદાન છે? તેઓ પણ આ માર્કેટમાં કમાવાના ઉદ્દેશ સાથે જ આવે છે અને ટકી રહે છે. શું તેમની ખરીદીના આંકડા માત્ર ગિમિક છે? શું આ બધાં જ રોકાણો ખોટાં કે બનાવટી છે? ભારતીય નાણાસંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ પણ સતત શૅરો ખરીદીને જમા કરી રહ્યાં છે. તેઓ પણ કોઈ ભૂલ કરી રહ્યાં છે? શું શૅરોના ભાવોની વૃદ્ધિ સાથે કમાઈ રહેલા રોકાણકારો ખરેખર કોઈ લાભમાં નથી? આ માર્કેટમાં કોઈ વર્ગ છ મહિના સુધી કૃત્રિમ તેજી ચલાવી શકે? તમને લાગે છે કે માર્કેટનાં અથવા ઇકૉનૉમીનાં કોઈ ફન્ડામેન્ટલ્સ બદલાયાં નથી અને માર્કેટ માત્ર સેન્ટિમેન્ટ પર ચાલે છે. વાસ્તવમાં બજારમાં સેન્ટિમેન્ટ, પ્રવાહિતા અને ફન્ડામેન્ટલ્સ ત્રણેયમાં સુધારા છે. નવો આશાવાદ સરકારના એક પછી એક નક્કર સ્વરૂપે આવી રહેલાં સુધારાનાં પગલાંને આધારે ઊભો થયો છે.

બધી વાત સાચી, પણ...

રોકાણકારો અહીં કહી શકે કે બધી વાત સાચી; પણ અમને ક્યાંક શંકા છે, ક્યાંક સવાલ છે. આ તેજી કેટલી સાચી છે? ક્યાં સુધી ચાલી શકે? અમારે આમાં ક્યાં અને કઈ રીતે અને શું ધ્યાન રાખવું? આના જવાબ આમ તો ઉપર જણાવેલી બાબતો પરથી મળી જાય છે. એમ છતાં આ વાતને વધુ સ્પક્ટ કરીએ. આ તેજી નવા અને ઊંચા આશાવાદ પર ઊભી થઈ છે અને ચાલી પણ રહી છે. નવી સરકારે જે કોઈ પગલાં અને આર્થિક સુધારા આરંભ્યાં છે એ આર્થિક પ્રવૃત્તિને વેગ આપનારાં, વિકાસને ઊંચે લઈ જનારાં, ઉદ્યોગોને પ્રોત્સાહન આપનારાં, રોજગારનું સતત સર્જન કરનારાં, સ્થાનિક તેમ જ વિદેશી રોકાણનો પ્રવાહ વધારનારાં તેમ જ મોંઘવારી, ખાધ અને ખર્ચને અંકુશમાં મૂકનારાં (ક્રૂડના નોંધપાત્ર ઘટેલા ભાવ પણ જવાબદાર છે), ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તેમ જ ઓવરઑલ ઉદ્યોગોને વેગ અને બળ આપનારાં છે અને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરનારાં છે.

આશાવાદ વધુ મજબૂત

આ સંજોગોમાં મૂડીબજારમાં પ્રવાહ વધે, કંપનીઓની કામગીરી સુધરે, નફાશક્તિ વધે, લોકોનું બચતનું પ્રમાણ વધે એ સહજ છે. સારી કંપનીઓ વધુ ઝડપથી વિકાસ કરી શકે, બૅન્કોનાં કામકાજ વધી શકે, ફાઇનૅન્શિયલ માહોલ વધુ સુધરે, ગ્રોથ ઊંચે જઈ શકે જેને પરિણામે બજાર ઊંચે જાય એ પણ સહજ છે અને બજાર વધતું રહે તેમ જ એમાં ખરીદનારા વધતા રહે અને વેચનારા ઘટતા રહે તો નૅચરલી ભાવો પણ વધવાના છે. આમ બજાર ઊંચે જવા માટે કોઈ ચમત્કાર કે ઑપરેટર નહીં બલ્કે ફન્ડામેન્ટલ્સ કામ કરી રહ્યાં છે. અલબત્ત, અત્યારે ફન્ડામેન્ટલ્સ કરતાં આશાવાદ વધુ કામ કરી રહ્યો છે, સેન્ટિમેન્ટ વધુ સક્રિય છે. જોકે વરસો બાદ જોવા મળેલા સંજોગોમાં લોકો ભારતીય ઇકૉનૉમી અને બજાર હજી વધશે એવો આશાવાદ વધારે એ સ્વાભાવિક છે. આ તેજી આ આશાવાદ પર ઊભી થઈ છે, ચાલી રહી છે; પરંતુ હજી કેટલી અને કેવી ચાલશે એ આગામી સમય જ કહી શકે, કારણ કે બજારમાં આશા અને ધારણા બાંધી શકાય એની ખાતરીપૂવર્‍કની આગાહી ન થઈ શકે. અલબત્ત દોસ્તો, તમે સમજી-વિચારીને ધીરજ સાથે આગળ વધવા માગતા હો અને લાંબા સમયની તૈયારી રાખો તો વિવિધ સરળ, તુલનાત્મક રીતે સલામત અને સીધા માર્ગ પણ છે જેની ચર્ચા હવે પછી કરીશું.

આ ચેતવણી પણ સમજી

શૅરબજારની અત્યારની તેજી (ઑલટાઇમ ઇન્ડેક્સ સાથેની) વિશે ટોચનાં બ્રોકરેજ હાઉસિસ જે કહે છે એ પણ સમજવા જેવું છે. અત્યારની તેજીની ઊંચાઈ માટે બૅન્ક ઑફ જપાનનાં ઉદાર પગલાં, આગામી વરસે સંભવિત એક્સ્ટર્નલ કમર્શિયલ બૉરોઇંગમાં પણ થનારા ફેરફાર, મજબૂત અમેરિકી ડૉલરને કારણે ઘટતા જતા કૉમોડિટીના ભાવ, ચીનની ધીમી પડેલી ગ્રોથની ગતિ સાથે અંકુશમાં આવી રહેલો ફુગાવો અને ભારતમાં વ્યાજદર હળવા થવાની વધતી આશાનાં કારણો જવાબદાર છે. ભારતીય બજારમાં વધતા જતા ભાવોનો ટ્રેન્ડ હજી લાંબો સમય ચાલુ રહેશે, માર્કેટ નિયમિત નવી ઊંચાઈ બનાવે છે જે ભવિષ્યમાં પણ નવી ઊંચાઈ પર જશે; પરંતુ આ સાથે રોકાણકારોએ ખાસ ધ્યાન રાખીને સાવચેત રહેવું પણ જરૂરી છે, કેમ કે અત્યારે માર્કેટમાં સામાન્ય માહોલ-યુફોરિયામાં એવું માનવામાં આવી રહ્યું છે કે હાલ કંઈ પણ અને બધું જ વધતું રહેશે. આ બાબત જોખમી બની શકે. રોકાણકારોએ વ્યક્તિગત સ્ટૉક્સમાં વ્યવસ્થિત રિસર્ચ કરીને જ ખરીદી કરવી બહેતર છે. અન્યથા તેઓ કોઈ પણ શૅરોમાં ઊંચા ભાવે અટવાઈ જઈ શકે છે. જો રોકાણકાર પોતે એ રિસર્ચ કરી શકે એમ ન હોય તો તેના માટે મ્યુચ્યુઅલ ફન્ડનો માર્ગ બહેતર છે અથવા પોતાના વિશ્વસનીય પ્રોફેશનલ સલાહકારની સલાહ સાથે જ આગળ વધે એ બહેતર છે. અફર્કોસ, તેજીના તાલમાં તણાઈ ન જવાય એ માટે વિવેકબુદ્ધિને ખાસ જાળવી રાખે.