શૅરબજારમાં તેજીનું વલણ યથાવત્ રહેશે

17 November, 2014 05:23 AM IST  | 

શૅરબજારમાં તેજીનું વલણ યથાવત્ રહેશે



બ્રોકર-કૉર્નર-દેવેન ચોકસી

ગયા સપ્તાહમાં દેશના અર્થતંત્રના બેરોમીટર સમાન ઇન્ડેક્સ S&P BSE સેન્સેક્સ ફરી ૨૮,૦૦૦ની સપાટી કુદાવી ગયો. માર્કેટ-બ્રેડ્થ પણ તેજીતરફી છે. BSEમાં ૧૫૬૯ શૅરના ભાવ વધ્યા હતા તથા ૧૪૬૧ શૅરના ભાવ ઘટયા હતા. મેટલના સ્ટૉક્સમાં સ્ટીલના શૅર માગમાં રહ્યા હતા. ક્રૂડના ભાવ ઘટવાની સારી અસર સરકારી ઑઇલ માર્કેટિંગ કંપનીઓના સ્ટૉક્સ પર પડી હતી. ભારત પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન અનુક્રમે ૦.૫૩ ટકા અને ૨.૯૨ ટકા વધ્યા હતા. આ કંપનીઓને રાંધણ ગૅસ અને ઘાસતેલનું વેચાણ સરકારી ભાવે કરવાને લીધે પડતી ખોટ ક્રૂડના ઓછા ભાવને લીધે ઓછી થશે. જોકે ડૉલરની સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી આ લાભ એટલા પ્રમાણમાં ઓછો મળશે. બ્ફ્ઞ્ઘ્માં બીજા ક્વૉર્ટરનાં પરિણામોને અનુલક્ષીને વૃદ્ધિ થઈ હતી. 

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના બીજા ક્વૉર્ટરનાં પરિણામો જાહેર થયા બાદ ટ્રેડિંગ ચંચળ રહ્યું હતું અને એના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી. એનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૩૦.૫૪ ટકા વધીને ૩૧૦૦.૪૧ કરોડ રૂપિયા થયો છે. એની કુલ આવકમાં પણ ૧૨.૪૬ ટકાનો વધારો થયો છે. બૅન્કની કુલ NPA (નૉન પફોર્મિંગ ઍસેટ્સ) ૪.૯ ટકા અને નેટ NPA ૨.૭ ટકા રહી છે. એણે એમાંથી ૬૩.૨ ટકા જેટલા પ્રમાણમાં પ્રોવિઝન કરી રાખ્યું છે. અહીં નોંધપાત્ર છે કે સ્ટેટ બૅન્કના ર્બોડે સરકારનો હિસ્સો વેચવા માટે ઇક્વિટી શૅર કે અન્ય સિક્યૉરિટીના ઇશ્યુ લાવવા અર્થે મંજૂરી આપી દીધી છે.

યુરો પ્રદેશનાં બે સૌથી મોટાં અર્થતંત્રોમાં ત્રીજા ક્વૉર્ટરમાં વૃદ્ધિદર વધ્યો હોવાને પગલે યુરોપિયન સ્ટૉક્સમાં થોડો ઘટાડો થયો હતો. ઓપેક ક્રૂડનું ઉત્પાદન ઘટાડશે એવી ધારણાએ ક્રૂડ તેલના ભાવ ચાર વર્ષની સૌથી નીચી સપાટીએથી થોડા ઊંચકાયા હતા. લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે

આકર્ષક મૂલ્ય : ગ્રૅન્યુઅલ્સ ઇન્ડિયા

ગ્રૅન્યુઅલ્સ ઇન્ડિયાએ છેલ્લાં ૧૦ વર્ષમાં આવકમાં ૨૮ ટકાનો અને નફામાં ૩૯ ટકાનો કમ્પાઉન્ડેડ ઍન્યુઅલ ગ્રોથ રેટ (CAGR - સંકલિત વાર્ષિક વૃદ્ધિદર) હાંસલ કર્યો છે. કંપની ઊંચા માર્જિન ધરાવતા બિઝનેસ તરફ વળી રહી છે, એની ક્ષમતાનો વધુ ને વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહી છે તથા ઑક્ટસ ફાર્માના ર્પોટફોલિયોનો લાભ લઈ રહી છે એથી એની વૃદ્ધિ અવિરત રહેશે એવી ધારણા છે. નાણાકીય વર્ષ ૧૪થી ૧૭ના ગાળામાં એની આવક ૨૧ ટકા અને નફો ૩૩ ટકા CAGR રહેવાની ધારણા છે. હાલના ૭૪૭ના બજારભાવે આ સ્ટૉક નાણાકીય વર્ષ ૧૬ની આવકના અંદાજિત ૧૧ ગણા અને વર્ષ ૧૭ના ૮.૫ ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્ટૉક માટે ખરીદીની ભલામણ છે અને એના ભાવનો ટાર્ગેટ ૧૦૧૦ રૂપિયાનો છે.

ભાવિ દિશા

દેશમાં રીટેલ ફુગાવાનો દર તથા ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર ધારણા કરતાં વધારે સારી સ્થિતિમાં હોવાને લીધે બજારમાં તેજીનું વલણ યથાવત્ રહેશે. વર્તમાન સંજોગોમાં રિઝવર્‍ બૅન્ક વ્યાજદર ઘટાડે એવી શક્યતા વધી ગઈ છે. એને લીધે અર્થતંત્રની સુધારણાની ઝડપ પણ વધી જશે. અમે આ બાબતે આશાવાદી છીએ. ખાસ કરીને બૅન્કિંગ સ્ટૉક્સ પર સાનુકૂળ અસર થશે. વધુ નહીં તો પણ સ્ટેટ બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક, બૅન્ક ઑફ બરોડામાં સારી કામગીરી જોવા મળી શકે છે. ફાર્મા સેક્ટરમાં મોટા ભાગની કંપનીઓના સ્ટૉક્સ વાજબી ભાવે આવી ગયા છે અને એમાં ફક્ત કરેક્શન આવે ત્યારે જ ખરીદી કરવી એવી ભલામણ છે. અમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બૅન્ક, અદાણી પાવર અને અદાણી એન્ટરપ્રાઇઝિસ માટે ખાસ ભલામણ કરીએ છીએ.