અમેરિકાના સ્ટ્રૉન્ગ જૉબ મૅન્યુફૅક્ચરિંગ ડેટાથી સોનામાં પીછેહઠ

05 February, 2019 08:53 AM IST  |  | મયૂર મહેતા

અમેરિકાના સ્ટ્રૉન્ગ જૉબ મૅન્યુફૅક્ચરિંગ ડેટાથી સોનામાં પીછેહઠ

સોનાંમાં સુધારો

બુલિયન બુલેટિન

અમેરિકાના જૉબ-ડેટામાં જાન્યુઆરીમાં ધારણા કરતાં ૪૫ ટકાનો વધારો થતાં તેમ જ ઑફિશ્યલ અને પ્રાઇવેટ બન્ને મૅન્યુફૅક્ચરિંગ ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ડૉલર સુધર્યો હતો જેને પગલે સોનામાં પ્રૉફિટબુકિંગ જોવા મYયું હતું. ગત સપ્તાહમાં વર્લ્ડ માર્કેટમાં સોનું સુધરીને ૧૩૨૬.૩૦ ડૉલર થયું હતું જે ઘટીને સપ્તાહના આરંભે ૧૩૧૧ ડૉલર થયું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાના ગત સપ્તાહે જાહેર થયેલા તમામ ઇકૉનૉમિક ડેટા ધારણાથી વધુ સ્ટ્રૉન્ગ આવ્યા હતા. અમેરિકામાં જાન્યુઆરી મહિનામાં ૩.૦૪ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, ડિસેમ્બરમાં ૨.૨૨ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી તેમ જ ઇકૉનૉમિસ્ટોની ધારણા ૧.૬૫ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી. ઇકૉનૉમિસ્ટોની ધારણા કરતાં ૪૫ ટકા વધુ નોકરીઓ ઉમેરાઈ હતી. જોકે વર્કરોના વેતનમાં ૦.૧ ટકાનો વધારો થયો હતો, ડિસેમ્બરમાં ૦.૪ ટકાનો વધારો થયો હતો અને માર્કેટની ધારણા ૦.૩ ટકા વધારાની હતી. અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સમાં ૪ ટકાનો વધારો થઈને ૩.૯ ટકા થયો હતો. અમેરિકાનો ઓફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ પર્ચે‍ઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) જાન્યુઆરીમાં વધીને ૫૬.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૪.૩ પૉઇન્ટ હતો જ્યારે પ્રાઇવેટ માર્કિટ મૅન્યુફૅક્ચરિંગ PMI જાન્યુઆરીમાં વધીને ૫૪.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૩.૮ પૉઇન્ટ હતો. અમેરિકાના કન્સ્ટ્રક્શન સ્પેન્ડિંગમાં નવેમ્બરમાં ૦.૮ ટકાનો વધારો થયો હતો જેમાં ઑક્ટોબરમાં માત્ર ૦.૧ ટકાનો જ વધારો થયો હતો. ચીનનો પ્રાઇવેટ મૅન્યુફૅક્ચરિંગ PMI જાન્યુઆરીમાં ઘટીને ૪૮.૩ પૉઇન્ટ હતો જે ડિસેમ્બરમાં ૪૯.૭ પૉઇન્ટ હતો જ્યારે સર્વિસ સેક્ટરનો PMI જાન્યુઆરીમાં ઘટીને ૫૩.૬ પૉઇન્ટ હતો જે ડિસેમ્બરમાં ૫૩.૯ પૉઇન્ટ હતો. અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે ડૉલર સુધરીને એક સપ્તાહની ઊંચાઈએ પહોંચતાં સોનામાં પીછેહઠ જોવા મળી હતી.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકાના જૉબ-ડેટા અને મૅન્યુફૅક્ચરિંગ ડેટા ધારણાથી વધુ સ્ટ્રૉગ આવતાં ઇકૉનૉમિસ્ટો હવે એવી ધારણા પર આવ્યા છે કે ફેડ ૨૦૧૯ના અંતે એક વખત ઇન્ટરેસ્ટ રેટ વધારશે, અગાઉ ઇકૉનૉમિસ્ટો એવું માનતા હતા કે ફેડ ૨૦૧૯માં એક પણ વખત ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારે. ઇકૉનૉમિસ્ટોની ધારણા ફરતાં સોનામાં પ્રૉફિટબુકિંગ વધ્યું હતું. વળી અમેરિકા-ચીન વચ્ચેની મંત્રણા ઘણી જ પૉઝિટિવ રહી હોવાના બન્ને પક્ષ તરફથી સંકેત આવતાં સોનાનું સેફ હેવન સ્ટેટસ નજીવું નબળું પડતાં સોનામાં નવી ખરીદી અટકી હતી. જોકે વેનેઝુએલામાં થયેલા સત્તાપરિવર્તન બાબતે ટ્રમ્પનું વલણ એકદમ આક્રમક રહેતાં આવનારા સમયમાં યુદ્ધ જેવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો સોનામાં નવેસરથી લેવાલી નીકળી શકે છે. સોનું ઝડપથી વધ્યું હોવાથી થોડું કરેક્શન સ્વાભાવિક હતું જે હવે દેખાઈ રહ્યું છે.

અમેરિકી ડૉલર સુધરતાં લોકલ માર્કેટમાં ચાંદીમાં જોવાયેલી પીછેહઠ

અમેરિકી ડૉલર સુધરતાં વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી ઘટ્યાં હતાં જેની અસર લોકલ માર્કેટમાં સોના કરતાં ચાંદીમાં વધુ જોવા મળી હતી. ચાંદીના ભાવ સોમવારે દિલ્હીમાં ૧૩૦ રૂપિયા ઘટીને પ્રતિ કિલોના ૪૧,૫૩૦ રૂપિયા થયા હતા જ્યારે મુંબઈમાં ૩૪૫ રૂપિયા ઘટીને પ્રતિ કિલોના ૪૦,૧૧૦ રૂપિયા બોલાયા હતા. સોનાનો ભાવ મુંબઈમાં પ્રતિ ૧૦ ગ્રામ ૩૩,૩૭૫ રૂપિયા ટકેલો હતો, જોકે દિલ્હીમાં સોનું ૩૪૦ રૂપિયા સુધરીને ૩૪,૪૫૦ રૂપિયા બોલાયું હતું.