ગ્લોબલ સ્લોડાઉનનો ભય ઘટતાં સોનું ત્રણ સપ્તાહના તળિયે

03 April, 2019 10:42 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ગ્લોબલ સ્લોડાઉનનો ભય ઘટતાં સોનું ત્રણ સપ્તાહના તળિયે

ગોલ્ડ

અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને બિઝનેસ ઇન્વેન્ટરીના ડેટા ધારણા કરતાં સારા આવતા ગ્લોબલ સ્લોડાઉનનો ભય ઘટ્યો હતો, વળી અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વૉરને ખતમ કરવાના બન્ને દેશોના પ્રયાસો હકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા હોઈ સ્ટૉક માર્કેટ એકધારી સુધરી રહી હોઈ અમેરિકન ડૉલર સ્ટ્રૉન્ગ બનતાં સોનામાં વેચવાલી વધી હતી અને ભાવ ત્રણ સપ્તાહના તળિયે પહોંચ્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો ઑફિશિયલ મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ (પરચેઝિગ મૅનેજર્સ ઇન્ડેક્સ) માર્ચમાં વધીને ૫૫.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૫૪.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૪.૫ પૉઇન્ટની હતી, જ્યારે પ્રાઇવેટ માર્કેટ મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ માર્ચમાં નજીવો ઘટીને ૫૨.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે પ્રીલિમનરી એસ્ટિમેટમાં ૫૨.૫ અને ફેબ્રુઆરીમાં ૫૩ પૉઇન્ટ હતો. અમેરિકન બિઝનેસ ઇન્વેન્ટરી જાન્યુઆરીમાં ૦.૮ ટકા વધી હતી, જે ડિસેમ્બરમાં પણ આટલી જ હતી અને માર્કેટની ધારણા ૦.૫ ટકાની હતી. અમેરિકાનું કન્સ્ટ્રક્શન સ્પેન્ડિંગ ફેબ્રુઆરીમાં એક ટકા વધીને નવ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. અમેરિકાના રીટેલ સેલ્સમાં ફેબ્રુઆરીમાં ૦.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેમાં જાન્યુઆરીમાં ૦.૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. યુરો ઝોન કન્ઝ્યુમર્સ ઇન્ફલેશન માર્ચમાં ઘટીને નવ મહિનાના તળિયે ૧.૪ ટકા રહ્યો હતો, જ્યારે પ્રોડ્યુસર્સ ઇન્ફલેશન ફેબ્રુઆરીમાં ત્રણ ટકા રહ્યો હતો, જે જાન્યુઆરીમાં ૨.૯ ટકા હતો અને માર્કેટની ધારણા ૩.૧ ટકાની હતી. ભારતનો મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ માર્ચમાં ઘટીને ૫૨.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૫૪.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૩.૯ પૉઇન્ટની હતી. અમેરિકાના ઇકૉનૉમિક ડેટા અગાઉની ધારણા જેટલા નબળા ન આવતા અને યુરો ઝોનના ડેટા નબળા આવતાં ડૉલર સુધરીને ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યું હતું અને સોનું ઘટીને ત્રણ સપ્તાહના તળિયે પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ચીને સતત બીજે મહિને ફેબ્રુઆરીમાં ગોલ્ડ રિઝવર્માં ૯.૮૫ ટનનો વધારો કર્યો હતો. ગોલ્ડમૅન સાક્સના રિપોર્ટ અનુસાર ૨૦૧૯માં વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની ગોલ્ડ ખરીદી ૬૫૦ ટનને પાર કરી જશે. ૨૦૧૮માં પણ સેન્ટ્રલ બૅન્કોની ગોલ્ડ ખરીદી ૬૫૦ ટન આસપાસ જ રહી હતી. અમેરિકા અને ચીનના છેલ્લા બે દિવસમાં જાહેર થયેલા ઇકૉનૉમિક ડેટાએ ગ્લોબલ સ્લોડાઉનનો ભય હાલ પૂરતો ઓછો કર્યો હોઈ સોનું એકધારુ ઘટી રહ્યું છે, પણ યુરોઝોન અને જપાનના ઇકૉનૉમિક ડેટા હજુ પણ નબળા આવી રહ્યા હોઈ સોનામાં તેજીની સાઇકલ પૂરી થઈ હોવાનું માનવું ભૂલભરેલું હોઈ શકે છે.

આ પણ વાંચો : ICICI બૅન્કે MCLRમાં પાંચ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો

સોનામાં હાલ દરેક ઘટાડે લેનારને આગળની તેજીનો મોટો લાભ મળી શકે છે, પણ જિયોપૉલિટિકલ અને ઇકૉનૉમિક સ્થિતિ હાલ એકદમ અનિશ્ચિત હોઈ સોનાની ખરીદી બહુ જ નાના લૉટમાં અને તબક્કાવાર થવી જરૂરી છે.