યુરોપ-બ્રિટનના ગ્રોથરેટ અંદાજો ઘટતાં ડૉલરની મજબૂતીથી સોનું ઘટ્યું

09 February, 2019 08:55 AM IST  |  | મયૂર મહેતા

યુરોપ-બ્રિટનના ગ્રોથરેટ અંદાજો ઘટતાં ડૉલરની મજબૂતીથી સોનું ઘટ્યું

સોનામા ઘટાડો

બુલિયન બુલેટિન 

યુરોપિયન કમિશને યુરોપ અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે બ્રિટનના ગ્રોથરેટના અંદાજો ઘટાડતાં અમેરિકી ડૉલર એક તબક્કે પાંચ સપ્તાહની ઊંચાઈએ પહોંચતાં સોનું ૧૩૦૦ ડૉલર નજીક પહોંચી ગયું હતું. ડોનલ્ડ ટ્રમ્પે ટ્રેડ-વૉર ખતમ કરવાની ડેડલાઇન અગાઉ જિનપિંગને મળવાનો કોઇ પ્લાન ન હોવાનું નિવેદન કરતાં ટ્રેડ-વૉરનું ભાવિ અનિશ્ચિત બન્યું હતું. અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટા બાદ ડૉલરની મજબૂતીને સતત સર્પોટ મળી રહ્યો હોવાથી સોનું સતત ઘટી રહ્યું છે. વલ્ર્ડ માર્કેટમાં સોનું ત્રણ સપ્તાહ બાદ પ્રથમ વખત વીતેલા સપ્તાહ દરમ્યાન ઘટ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

યુરો ઝોનનો ગ્રોથરેટ ૨૦૧૯માં ઘટીને ૧.૩ ટકા રહેવાનો અંદાજ યુરોપિયન યુનિયને મૂક્યો હતો જે અગાઉ એણે ૧.૯ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ઇન્ટરેસ્ટ રેટ ૦.૭૫ ટકા જાળવી રાખ્યો હતો. બ્રિટનની ઇકૉનૉમીનો ગ્રોથ બ્રેક્ઝિટ અને ટ્રેડ-વૉરને કારણે દસ વર્ષના તળિયે પહોંચ્યો હતો. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે પણ બ્રિટનનો ગ્રોથરેટ ૨૦૧૯માં ૧.૨ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો જે અગાઉ એણે ૧.૭ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો અને ઇન્ફ્લેશન બે ટકાના ટાર્ગેટ કરતાં નીચો રહેવાનો અંદાજ મૂક્યો હતો. અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૧૯ હજારનો ઘટાડો થયો હતો જે માર્કેટની ૩૩ હજારના ઘટાડાની ધારણાથી ઓછો ઘટાડો હતો. યુરો ઝોન અને બ્રિટનના ગ્રોથરેટના અંદાજ ઘટતાં યુરો અને પાઉન્ડ સામે ડૉલર સુધરીને પાંચ સપ્તાહની ઊંચાઈએ પહોંચતાં સોનું ઘટીને ૧૩૦૨.૧૧ ડૉલર ગુરુવારે થયું હતું જે શુક્રવારે ઘટ્યા ભાવથી સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ટ્રેડ-વૉર ખતમ થવા વિશે હજી અનિશ્ચિતતા યથાવત્ છે. ડોનલ્ડ ટ્રમ્પે નવેસરથી નિવેદન કર્યું હતું કે પહેલી માર્ચની ડેડલાઇન અગાઉ જિનપિંગને મળવાનું અત્યારે કોઈ પ્લાનિંગ કર્યું નથી. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉર ખતમ કરવા માટે બન્ને દેશોએ ત્રણ મહિનાની ડેડલાઇન નક્કી કરી હતી જે પહેલી માર્ચે પૂરી થાય છે. ટ્રમ્પે અગાઉથી જ જણાવ્યું હતું કે જો ડેડલાઇન અગાઉ બન્ને દેશો વચ્ચે ટ્રેડ-વૉર ખતમ કરવા વિશેનું સમાધાન નહીં થાય તો અમેરિકા ૨૦૦ ડૉલરની ચાઇનીઝ પ્રોડક્ટ પરની ઇમ્પોર્ટ ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરશે. ટ્રેડ-વૉર લંબાય તો શૉર્ટ ટર્મ માટે ડૉલર સુધરી શકે છે.

વળી અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ડેટા, જૉબ-ડેટા વગેરે બુલિશ આવ્યા હોવાથી ડૉલર છેલ્લા એક સપ્તાહથી સતત સુધરી રહ્યો છે જેને કારણે ગત સપ્તાહમાં સોનું વધીને નવ મહિનાની ઊંચાઈએ ૧૩૨૬.૩૦ ડૉલર થયું હતું જે ઘટીને ગુરુવારે ૧૩૦૨.૧૧ ડૉલર થયું હતું. આમ ટ્રેડ-વૉરની અનિશ્ચિતતા અને ગ્લોબલ સ્લોડાઉનની શક્યતા વચ્ચે સોનું ફેબ્રુઆરીના અંત સુધી ૧૩૦૦ ડૉલરની આસપાસ રેન્જબાઉન્ડ રહેવાની સંભાવના વધારે છે.

સ્ક્રૅપની સપ્લાય વધતાં ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ ઘટવાની ધારણા

ગોલ્ડ સ્ક્રૅપની સપ્લાય ભારતમાં વધતાં ચાલુ વર્ષે ગોલ્ડની ઇમ્પોર્ટ ઘટવાની ધારણા ઇન્ડસ્ટ્રીઝ એક્સપર્ટો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના નૅશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના જણાવ્યા અનુસાર જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં ગોલ્ડ સ્ક્રૅપની સપ્લાય વધીને ૨૫ ટને પહોંચવાની ધારણા છે જે ગત વર્ષે આ ક્વૉર્ટરમાં ૧૪.૧ ટન જ રહી હતી. છેલ્લા અગિયાર મહિનામાં ભારતમાં સોનાના ભાવમાં ૧૧ ટકાનો વધારો થયો હોવાથી ભારતમાં જૂની જ્વેલરી વેચવાનો ટ્રેન્ડ વધ્યો છે અને એને કારણે સ્ક્રૅપની સપ્લાયમાં વધારો થયો છે. ૨૦૧૮માં ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ ૧૪ ટકા ઘટીને ૭૫૬.૮ ટન રહી હોવાનો અંદાજ વલ્ર્ડ ગોલ્ડ કાઉન્સિલે મૂક્યો હતો.

news