સોનું બૅન્ક ઑફ જપાનની ગ્લોબલ સ્લોડાઉનની આગાહીથી સુધર્યું

16 March, 2019 10:16 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

સોનું બૅન્ક ઑફ જપાનની ગ્લોબલ સ્લોડાઉનની આગાહીથી સુધર્યું

ગોલ્ડ

બૅન્ક ઑફ જપાને પૉલિસી મીટિંગમાં નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી જાળવી રાખીને ગ્લોબલ સ્લોડાઉનની શક્યતા વધી હોવાની આગાહી કરતાં સોનામાં નીચા મથાળે ઇન્વેસ્ટરોની લેવાલી વધી હતી. બૅન્ક આરફ જપાને ઇન્ફલેશન, પ્રોડક્શન અને એક્સપોર્ટ ઘટવાની આગાહી કરી હતી. વળી ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે માર્ચના અંતે યોજાનારી મીટિંગ રદ થઈ હોવાની જાહેરાતને પગલે ડૉલર વધુ ઘટ્યો હતો એની અસર પણ સોનાના માર્કેટ પર પડી હતી.

ઇકોનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનમાં ડાયરેક્ટ ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ ફેબ્રુઆરીમાં ૩.૩ ટકા વધ્યું હતું અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બે મહિનામાં ત્રણ ટકા વધ્યું હતું. ચીનમાં નવાં રહેણાક મકાનોના ભાવ ફેબ્રુઆરીમાં ૧૦.૪ ટકા વધ્યા હતા, જે છેલ્લા ૨૧ મહિનાનો સૌથી મોટો ઉછાળો હતો અને મકાનોના ભાવ જાન્યુઆરીમાં ૧૦ ટકા વધ્યા હતા, રહેણાક મકાનોનો ભાવવધારો સતત ૪૬મા મહિને જોવા મળ્યો હતો. યુરો ઝોનનું ફેબ્રુઆરી મહિનાનું ઇન્ફલેશન ૧.૫ ટકા રહ્યું હતું, જે જાન્યુઆરીમાં ૧.૪ ટકા રહ્યું હતું. અમેરિકામાં સિંગલ ફૅમિલી હોમસેલ્સ જાન્યુઆરીમાં ૬.૯ ટકા ઘટ્યું હતું. અમેરિકાના એક્સપોર્ટ પ્રાઇસ ફેબ્રુઆરીમાં ૦.૬ ટકા વધ્યા હતા, જે જાન્યુઆરીમાં ૦.૫ ટકા ઘટ્યા હતા. અમેરિકાની ઇમ્પોર્ટ પ્રાઇસ ફેબ્રુઆરીમાં ૦.૬ ટકા વધી હતી, જે જાન્યુઆરીમાં ૦.૧ ટકા વધી હતી. અમેરિકાના જૉબલેસ ક્લેઇમમાં વીતેલા સપ્તાહ દરમિયાન છ હજારનો વધારો થયો હતો, જે માર્કેટની ધારણા કરતાં વધારે હતો. અમેરિકાના જૉબ અને હાઉસિંગ ડેટા નબળા આવતાં ડૉલર ૦.૨ ટકા વધ્યો હતો અને સોનું ઘટ્યા મથાળાથી સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે માર્ચના અંતિમ સપ્તાહમાં યોજાનારી મીટિંગ કૅન્સલ કરવામાં આવી હોવાની જાહેરાત અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રેડવૉર ખતમ કરવા માટે અમેરિકા-ચીન વચ્ચે હજુ ઘણા મુદ્દા પર સહમતી થવી બાકી હોવાથી આ મીટિંગ માર્ચના એન્ડમાં યોજવી શક્ય નથી. ટ્રેઝરી સેક્રેટરીની જાહેરાત બાદ ટ્રેડવૉરનું ભાવિ વધુ ધૂંધળું બન્યું હતું. બ્રિટિશ પાર્લમેન્ટે થેરેસા મેને બ્રેક્ઝિટ અંગેનું નવું ડાઇવૉર્સ ડીલ તૈયાર કરીને આવતા સપ્તાહે પાર્લમેન્ટની મંજૂરી માટે મૂકવાનું કહ્યું હતું. બૅન્ક ઑફ જપાને પૉલિસી મીટિંગમાં નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી યથાવત્ રાખી હતી, પણ ગ્લોબલ સ્લોડાઉનની શકયતા અગાઉ કરતાં વધી હોવાનું જણાવ્યું હતું. બૅન્ક ઑફ જપાનના પૉલિસીમેકરોએ જણાવ્યું હતું કે ગ્લોબલ સ્લોડાઉનને કારણે જપાનની એક્સપોર્ટ અને આઉટપુટને ઘેરી અસર પડશે. ગયા સપ્તાહે રૉઇટર્સના પોલમાં જપાનનું ઇન્ફ્લેશન એક ટકા આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી હતી. બૅન્ક ઑફ જપાને બે ટકા ઇન્ફ્લેશનનો ટાર્ગેટ રાખ્યો હતો. આમ, ટ્રેડવૉર-બ્રક્ઝિટની અનિશ્ચિતતા અને ગ્લોબલ સ્લોડાઉનની અસરે સોનામાં ધીમી ગતિની મક્કમ તેજી આગળ વધતી જોવા મળશે.

સોના-ચાંદીમાં અફડાતફડી વધતાં લોકલ માર્કેટમાં ભાવની વધ-ઘટ સંકડાઈ

વર્લ્ડ માર્કેટમાં ટ્રેડવૉર-બ્રક્ઝિટની અનિશ્ચિતતાને પગલે સોનાના ભાવમાં અફડાતફડી વધતાં એની અસરે લોકલ માર્કેટમાં પણ સોના-ચાંદીના વેપારો અટકી ગયા હોવાથી ભાવની વધ-ઘટ સંકડાઈ ગઈ હતી. સોનાના ભાવ શુક્રવારે મુંબઈમાં પાંચ રૂપિયા ઘટીને પ્રતિ ૧૦ ગ્રામના ૩૨,૦૮૦ રૂપિયા અને દિલ્હીમાં ૨૬૦ રૂપિયા ઘટીને ૩૩,૧૧૦ રૂપિયા બોલાયા હતા, જ્યારે ચાંદીના ભાવ મુંબઈમાં આગલા દિવસના લેવલે રહ્યા હતા તેમ જ દિલ્હીમાં ચાંદી ૧૩૦ રૂપિયા ઘટીને પ્રતિ કિલોના ૩૯,૧૭૦ રૂપિયા બોલાયા હતા.

japan