ટ્રમ્પની ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની કમેન્ટ બાદ સોનામાં ચમક વધી

09 April, 2019 11:03 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ટ્રમ્પની ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની કમેન્ટ બાદ સોનામાં ચમક વધી

ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વને ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરીને ક્વૉન્ટિટિવ ઇઝિંગનાં પગલાં ભરવા અપીલ કરી હતી. અગાઉ ટ્રમ્પે અનેક વખત ફેડની ઇન્ટરેસ્ટ રેટ વધારવાની પૉલિસીનો વિરોધ કર્યો હતો, પણ આ વિરોધની ફેડ પર કોઈ અસર ન થતાં હવે ટ્રમ્પે ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાની સીધી અપીલ કરીને ફેડ પર દબાણ વધાર્યું હતું. ટ્રમ્પની કમેન્ટને પગલે ડૉલર ઘટ્યો હતો અને સોનું એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાના જૉબમાર્કેટમાં માર્ચમાં ૧.૯૬ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, ફેબ્રુઆરીમાં માત્ર ૩૩ હજાર જ નવી નોકરીઓ ઉમેરાઈ હતી અને માર્કેટની ધારણા ૧.૮૦ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી. અમેરિકામાં ૨૦૧૯ના ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ઍવરેજ દર મહિને ૧.૮૦ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, જે ૨૦૧૮ના ફસ્ર્ટ ક્વૉર્ટરમાં દર મહિને ૨.૨૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. અમેરિકાનો અનએમ્પ્લૉઇમેન્ટ રેટ ૩.૮ ટકાએ સ્થિર રહ્યો હતો અને વર્કરોને પ્રતિ કલાકદીઠ વેતન ચાર સેન્ટ એટલે કે ૦.૧ ટકા જ વધ્યું હતું, જે અગાઉના મહિને ૦.૪ ટકા વધ્યું હતું. જપાનનું કન્ઝ્યુમર્સ મોરલ માર્ચમાં ઘટીને ત્રણ વર્ષના તળિયે ૪૦.૫ પૉઇન્ટે પહોંચ્યું હતું, જે ફેબ્રુઆરીમાં ૪૧.૫ પૉઇન્ટ હતું અને માકેર્ટની ધારણા ૪૨.૩ પૉઇન્ટની હતી. ચીનની ફૉરેન રિઝર્વ માર્ચમાં વધીને સાત મહિનાની ઊંચાઈએ ૩.૦૯૯ લાખ કરોડ ડૉલરે પહોંચી હતી, ફૉરેન રિઝર્વમાં સતત પાંચમા મહિને વધારો થયો હતો. અમેરિકાના જૉબડેટા ધારણા પ્રમાણે બુલિશ આવ્યા નહોતા, આથી ડૉલર પર દબાણ વધ્યું હતું અને સોનું સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ફેડ પર અટૅક કર્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફેડને ઇન્ટરેસ્ટ રેટમાં કાપ મૂકવા સલાહ આપીને ફરી ક્વૉન્ટિટિવ ઇઝિંગનાં પગલાં ભરવા જણાવ્યું હતું. ટ્રમ્પ અગાઉ અનેક વખત ફેડની ઇન્ટરેસ્ટ રેટ વધારવાની પૉલિસીનો વિરોધ કર્યો હતો. આ વખતે ટ્રમ્પે ટીકા કરવાને બદલે ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાની જ સલાહ આપી દીધી હતી. ફેડ દ્વારા ૨૦૧૮માં ચાર વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યા બાદ ૨૦૧૯ના પ્રથમ ત્રણ મહિનામાં ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થયો નથી. અત્યાર સુધી એવી ધારણા હતી કે ફેડ ૨૦૧૯માં એક વખત ઇન્ટરેસ્ટ રેટ વધારશે અને ૨૦૨૦માં ઇન્ટરેસ્ટ રેટમાં કાપ મૂકવાની શરૂઆત કરશે, પણ ટ્રમ્પની કમેન્ટ બાદ આખું ચિત્ર ફરી ગયું છે. હવે કદાચ ૨૦૧૯માં જ ફેડને ઇન્ટરેસ્ટ રેટમાં કાપ મૂકવાની ફરજ પડી શકે છે. આવું જો થાય તો સોનામાં તેજીના ચાન્સીસ અનેકગણા વધશે. ટ્રમ્પની કમેન્ટ બાદ સોનામાં એકાએક સુધારો જોવા મળ્યો હતો અને સોનું એક સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યું હતું. આગામી દિવસોમાં જો ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં કાપ મૂકવાનો કોઈ સંકેત આવશે તો સોનું હજુ વધુ ઝડપથી સુધરશે.

આ પણ વાંચો : શૅર બજારની ચાલ સુસ્ત, નિફ્ટી 11600ની નીચે

ગોલ્ડને ઍસેટ ક્લાસની શ્રેણીમાં મૂકવા સરકારની કવાયત શરૂ

ભારતમાં ગોલ્ડને ઍસેટ ક્લાસની શ્રેણીમાં મૂકવા સરકાર દ્વારા તજવીજ શરૂ થઈ ચૂકી છે. ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમ નિષ્ફળ ગયા બાદ ભારતનાં ઘરોમાં, મંદિરમાં સંગ્રહિત રહેલા સોનાને માર્કેટમાં બહાર કાઢવા અને ઇમ્ર્પોટનું ભારણ ઓછું કરવા ગોલ્ડને ઍસેટ શ્રેણીમાં મૂકવાનો લાંબા સમયથી વિચાર-વિમર્શ ચાલી રહ્યો હતો. ગોલ્ડને અસેટ ક્લાસની શ્રેણીમાં મૂક્યા બાદ ઇન્વેસ્ટર સ્ટૉક, પ્રૉપટીની જેમ ગોલ્ડના પણ માર્કેટરેટ મેળવી શકશે અને ગોલ્ડ હોલ્ડિંગ પર ઇન્સેન્ટિવ પણ મળતું થશે. ૨૦૧૮માં ભારતમાં ગોલ્ડની ઇમ્ર્પોટ ૭૬૬ ટનની થઈ હતી જે ૨૦૧૭માં ૮૩૭ ટનની થઈ હતી.

donald trump