ફેડના ઇન્ટરેસ્ટ-રેટ વધારવાના અનિશ્ચિત વલણથી સોનામાં તેજીને બ્રેક

22 February, 2019 08:55 AM IST  |  | મયૂર મહેતા

ફેડના ઇન્ટરેસ્ટ-રેટ વધારવાના અનિશ્ચિત વલણથી સોનામાં તેજીને બ્રેક

પ્રતીકાત્મક તસવીર

બુલિયન બુલેટિન 

અમેરિકન ફેડરલ રિઝર્વની ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનું વલણ હજી અનિશ્ચિત છે. જાન્યુઆરી મીટિંગની મિનિટ્સમાં ફેડના પૉલિસી મેકરોએ બેતરફી વાતો કરીને ઇન્ટરેસ્ટ-રેટ વધારવા વિશે ગોળ-ગોળ વાતો જ કરી હતી. ફેડના અનિશ્ચિત વલણને પગલે સોનામાં ઘટાડો નોંધાયો હતો, પણ ડૉલર ઘટ્યો હોવાથી આ ઘટાડો મર્યાદિત હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

જપાનનો ઍડ્વાન્સ મૅન્યુફૅક્ચરિંગ PMI (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) ફેબ્રુઆરીમાં ઘટીને ૩૨ મહિનાના તળિયે ૪૮.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૦.૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૪ પૉઇન્ટની હતી. યુરો ઝોનનું કન્ઝ્યુમર્સ મોરલ ફેબ્રુઆરીમાં ૦.૫ પૉઇન્ટ વધીને માઇનસ ૭.૪ પૉઇન્ટ રહ્યું હતું. માર્કેટની ધારણા માઇનસ ૭.૮ પૉઇન્ટની હતી. અમેરિકામાં મૉર્ગેજ ઍપ્લિકેશન વીતેલા સપ્તાહ દરમ્યાન ૩.૬ ટકા વધી હતી જે અગાઉના સપ્તાહે ૩.૭ ટકા ઘટી હતી. બ્રિટનના ફૅક્ટરી ઑર્ડરમાં ફેબ્રુઆરીમાં છ પૉઇન્ટનો વધારો થયો હતો જે જાન્યુઆરીમાં માઇનસ એક પૉઇન્ટ હતો. અમેરિકાએ ચીનને ટ્રેડ-વૉર ખતમ કરવાની મંત્રણા દરમ્યાન તેની કરન્સી યુઆનને સ્ટેબલ રાખવાની શરત રાખતાં ચાઇનીઝ યુઆન સુધર્યો હતો અને ડૉલર સામે ૩૧ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો જેને કારણે અમેરિકી ડૉલર ઘટ્યો હતો જેને કારણે સોનું વધુ ઘટી શક્યું નહોતું અને હજી પણ ૧૦ મહિનાની ઊંચી સપાટીએ સોનું ટ્રેડ કરી રહ્યું છે.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકન ફેડરલ રિઝર્વની ૨૯-૩૦ જાન્યુઆરીએ યોજાયેલી મીટિંગની જાહેર થયેલી મિનિટ્સમાં પૉલિસી મેકરો ઇન્ટરેસ્ટ-રેટ વધારવા બાબતે બહુ ગડમથલમાં હોવાનું જાહેર થયેલાં નિવેદન બાદ દેખાઈ રહ્યું છે. ફેડની મિનિટ્સમાં છેલ્લાં ત્રણ વર્ષથી ઇન્ટરેસ્ટ-રેટમાં જે રીતે વધારો થાય છે એ પ્રોસેસને સમાપ્ત ન કરવાની વાત કહેવાઈ છે એની સાથે-સાથે રિસેશનનો ભય દેખાતો હોવાનું જણાવીને ઇન્ટરેસ્ટ-રેટ વધારો થોડો સમય અટકાવવાની વાત પણ કહેવાઈ છે. ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે કે ઇન્ટરેસ્ટ-રેટ પૉલિસી વિશે ફેડનું સ્ટેન્ડ એકદમ અનિશ્ચિત છે. યુરોપિયન યુનિયન, ચીન અને નૉર્થ કોરિયા સાથે જે સમસ્યા પ્રવર્તે છે એ સમસ્યાનું નિરાકરણ કરવા ટ્રમ્પ હવે નિર્ણાયક મૂડમાં આવ્યા છે. આવતા સપ્તાહે ટ્રમ્પ અને કિમ જોંગ વિયેટનામના કૅપિટલ હેનોઈમાં મળશે. ટ્રમ્પે યુરોપિયન યુનિયનને ધમકી આપી હતી કે જો ટ્રેડ-ડીલ નહીં થાય તો યુરોપિયન કાર પર અમેરિકા ઇમ્પોર્ટ ડ્યુટી લાદશે. પૉલિટિકલ અને ટ્રેડ ક્રાઇસિસનો અંત સોનાની માર્કેટ માટે લૉન્ગ ટર્મ પૉઝિટિવ ડેવલપમેન્ટ બની રહેશે.

આ પણ વાંચો : HSBCના નબળાં પરિણામોથી ગ્લોબલ સ્લોડાઉનનો ભય વધતાં સોનું ઊછળ્યું

ચાંદીમાં એકધારી તેજી બાદ લોકલ માર્કેટમાં ભાવ ઘટ્યા

ચાંદીમાં એકધારી તેજી જોવા મળી હતી. વર્લ્ડ માર્કેટમાં અમેરિકન ડૉલરની નબળાઈ અને લાંબા સમય સુધી ભાવ દબાયેલા રહ્યા હોવાથી બાઉન્સબૅક જોવા મળ્યો હતો. એને પગલે લોકલ માર્કેટમાં પણ ચાંદીના ભાવ ઝડપી વધ્યા હતા એમાં ગુરુવારે પીછેહઠ જોવા મળી હતી. ચાંદીના ભાવ મુંબઈમાં ૩૩૦ રૂપિયા ઘટીને પ્રતિ કિલોના ૪૦,૩૦૦ રૂપિયા અને દિલ્હીમાં ૧૪૦ રૂપિયા ઘટીને પ્રતિ કિલોના ૪૧,૬૬૦ રૂપિયા થયો હતો. સોનાનો ભાવ મુંબઈમાં ૧૩૦ રૂપિયા ઘટીને પ્રતિ ૧૦ ગ્રામના ૩૩,૬૮૦ અને દિલ્હીમાં ૩૬૦ રૂપિયા વધીને સોનું ૩૪,૮૩૦ રૂપિયા થયું હતું.