અમેરિકી ડૉલરની નબળાઈથી સોનું દસ મહિનાની ઊંચાઈએ

20 February, 2019 09:16 AM IST  |  | મયૂર મહેતા

અમેરિકી ડૉલરની નબળાઈથી સોનું દસ મહિનાની ઊંચાઈએ

સોનું દસ મહિનાની ઊંચાઈએ

બુલિયન બુલેટિન

યુરો ઝોન અને જપાનના ઇકૉનૉમિક ડેટા ધારણાથી સારા આવતાં અમેરિકી ડૉલર પર દબાણ વધ્યું હતું. વળી ફેડ ૨૦૧૯માં ઇન્ટરેસ્ટ-રેટ નહીં વધારે એવી ધારણા વધી રહી હોવાથી ડૉલર ઘડ્યો હતો અને સોનું દસ મહિનાની ઊંચાઈએ પહોંચ્યુ હતું. નૉર્થ કોરિયાના વડા કીમ જોંગ સાથેની મંત્રણા અગાઉ ટ્રમ્પે ડીન્યુક્લિયરાઇઝેશનનું દબાણ વધારવા યુનાઇટેડ નૅશન્સની ડેવલપમેન્ટ પ્રવૃત્તિ પર રોક લગાવ્યો છે જેની અસરે જીઓપૉલિટિકલ ટેન્શન વધવાનો ડર ફરી વધ્યો હતો. અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ-વૉર બાબતે બન્ને દેશોના પૉઝિટિવ ઍટિટ્યુડને કારણે ડૉલરનું સેઇફ હેવન સ્ટેટસ નબળું પડ્યું હતું એ પણ સોનાની તેજી માટે સર્પોટિવ હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

યુરો ઝોનનું ઇન્વેસ્ટર મોરલ ફેબ્રુઆરીમાં પાંચ મહિનાની ઊંચાઈએ માઇનસ ૧૬.૬ પૉઇન્ટે પહોંચ્યું હતું જે જાન્યુઆરીમાં માઇનસ ૨૦.૯ પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા માઇનસ ૧૮.૨ પૉઇન્ટની હતી. જપાનના મશીનરી ઑર્ડરમાં ડિસેમ્બરમાં ૦.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે માર્કેટની ૧.૧ ટકાના ઘટાડાની ધારણાથી ઘણો જ ઓછો હતો. અમેરિકામાં વિદેશી ઇન્વેસ્ટરોએ ૩૩.૧ અબજ ડૉલરની ઍસેટ વેચી હતી જે નવેમ્બરમાં ૩૨.૧ અબજ ડૉલરની વેચી હતી. વિદેશી ઇન્વેસ્ટરોએ ડિસેમ્બરમાં ૪૮.૩ અબજ ડૉલરની સિક્યૉરિટી વેચી હતી જે નવેમ્બરમાં ૩૨ અબજ ડૉલરની વેચી હતી. અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટા સામે યુરો ઝોન અને જપાનના સ્ટ્રોન્ગ ડેટાને પગલે કરન્સી બાસ્કેટમાં ડૉલર નબળો પડ્યો હતો અને સોનું દસ મહિનાની ઊંચાઈએ જળવાયેલું રહ્યું હતું. સોમવારે વલ્ર્ડ માર્કેટમાં સોનું વધીને ૧૩૨૭.૬૪ ડૉલર થયું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા અને ચીન વચ્ચેની મંત્રણા ચાલુ સપ્તાહે ફરી ચાલુ થશે. ટ્રમ્પે ૧ માર્ચની ડેડલાઇન વધારવાની ખાતરી આપ્યા બાદ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉર ખતમ થવા વિશે હવે ઔપચારિકતા જ બચી હોવાનું ટૉપ લેવલના ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે. ટ્રમ્પ અને કિમ જોંગ ફેબ્રુઆરીના અંતે વિયેટનામમાં મળવાના છે એ અગાઉ અમેરિકન પ્રતિબંધો લાદવાનું પ્રેશર વધે એ માટે ટ્રમ્પે UN (યુનાઇટેડ નેશન્સ)ના સિવિલ એવિયેશનને ઇમ્પ્રુવ કરવાના પ્રયાસોને બંધ કરાવ્યા હતા. ફેડની ગઈ મીટિંગની મિનિટસ બુધવારે જાહેર થવાની છે જેમાં ફેડની ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની પૉલિસીની વધુ સ્પક્ટતા થશે. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉર ખતમ થવાની ધારણા અને ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ-રેટ નહીં વધારાય એવા અનુમાન પર સોનું એકધારું વધી રહ્યું છે. આ ધારણા જ્યાં સુધી બનેલી રહેશે ત્યાં સુધી સોનું ધીમી ગતિએ મજબૂત થતું રહેશે.

પુલવામા અટૅક બાદ બૉર્ડર-સિક્યૉરિટી વધતાં સોનાનું સ્મગલિંગ ઘટશે

ગયા સપ્તાહે પુલવામામાં આતંકવાદીઓના હુમલા બાદ સરકારે બૉર્ડર-સિક્યૉરિટી વધુ ટાઇટ કરી છે એને કારણે બૉર્ડર પરથી સ્મગલિંગ થતું સોનું અટકશે એવી ધારણા ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના નૅશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ વ્યક્ત કરી હતી. ડિસેમ્બરના અંત બાદ સોનાના ભાવમાં ૧૦ ટકાનો ઉછાળો આવ્યો હોવાથી ગોલ્ડ સ્મગલિંગમાં પણ તગડી કમાણી થઈ રહી છે. આ સંજોગોમાં ગોલ્ડ સ્મગલરો વધારે ઍક્ટિવ થયા હતા, પણ પુલવામામાં આતંકવાદી હુમલા બાદ હવે બૉર્ડર પરથી સોનાની હેરાફેરી કરવી અતિકઠિન બનતાં હવે ગોલ્ડ સ્મગલિંગની માત્રામાં મોટો ઘટાડો થવાની ધારણા છે.