G૨૦ની મીટિંગ પહેલાં સોનું રેન્જબાઉન્ડ

24 December, 2018 01:53 PM IST  | 

G૨૦ની મીટિંગ પહેલાં સોનું રેન્જબાઉન્ડ

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

આર્જેન્ટિનામાં G૨૦ની મીટિંગમાં ટ્રેડ-વૉરનું ભાવિ નક્કી થવાનું હોવાથી એની રાહે સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું. અમેરિકાના હોમસેલ્સના ડેટામાં ચાર વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો હોવા છતાં ડૉલર સ્ટડી રહ્યો હતો, જ્યારે ચીનના મૅન્યુફૅક્ચરિંગના ડેટા ૨૮ મહિનાના તળિયે અને સર્વિસ સેક્ટરના ડેટા ૧૫ મહિનાના તળિયે પહોંચ્યા હતા. જપાનના ઇકૉનૉમિક ડેટા પણ નબળા આવ્યા હતા, પણ બધાની નજર G૨૦ની બેઠક પર હતી. સોનામાં કામકાજ થંભી ગયાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાના પેન્ડિંગ હોમસેલ્સમાં ઑક્ટોબરમાં ચાર વર્ષનો સૌથી મોટો ૬.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો જેમાં સપ્ટેમ્બરમાં ૦.૯ ટકાનો જ ઘટાડો થયો હતો. અમેરિકાની પર્સનલ ઇન્કમ ઑક્ટોબરમાં ૦.૫ ટકા વધી હતી જે સપ્ટેમ્બરમાં ૦.૨ ટકા જ વધી હતી. ચીનનો ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ PMI (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) નવેમ્બરમાં ઘટીને ૨૮ મહિનાના તળિયે ૫૦ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૦.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા પણ ૫૦.૨ પૉઇન્ટની હતી. ચીનનો ઑફિશ્યલ સર્વિસ સેક્ટરનો PMI ઘટીને ૧૫ મહિનાના તળિયે ૫૩.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૫૩.૯ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૩.૮ પૉઇન્ટની હતી. જપાનનો કન્ઝ્યુમર્સ મૉરલ ઇન્ડેક્સ નવેમ્બરમાં ઘટીને ૪૨.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૩ પૉઇન્ટ હતો. જપાનનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઑક્ટોબરમાં ૨.૯ ટકા વધ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૦.૪ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૧.૨ ટકા વધવાની હતી. જપાનનો હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં ૦.૩ ટકા વધ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૧.૫ ટકા ઘટ્યો હતો. બ્રિટનનો કન્ઝ્યુમર્સ મૉરલ ઇન્ડેક્સ નવેમ્બરમાં ઘટીને ૧૧ મહિનાના તળિયે માઇનસ ૧૩ પૉઇન્ટ થયો હતો જે માર્કેટની માઇનસ ૧૧ પૉઇન્ટની ધારણાથી નીચો રહ્યો હતો.

અમેરિકા-ચીન અને જપાનના નબળા ઇકૉનૉમિક ડેટાને પગલે અને G૨૦ મીટિંગની અનિશ્ચિતતાને પગલે ડૉલર અને સોનું રેન્જબાઉન્ડ રહ્યાં હતાં.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

સોના-ચાંદી માર્કેટ સહિત આખા વર્લ્ડની નજર આજની ટ્રમ્પ-જિનપિંગ વચ્ચેની મીટિંગ પર મંડાયેલી છે. ટ્રમ્પે આર્જેન્ટિના રવાના થતાં અગાઉ જણાવ્યું હતું કે ટ્રેડ-ઍગ્રીમેન્ટ થવા વિશે હું ભારે આશાવાદી છે, પણ ટ્રેડ-ઍગ્રીમેન્ટ વિશે બન્ને પક્ષે સહમતી થશે જ એ વિશે મને ખાતરી નથી. ટ્રેડ-વૉરથી ૩૬૯ અબજ ડૉલરની ચાઇનીઝ એક્સપોર્ટ ઘટી હતી. ટ્રેડ-વૉરને કારણે ચીન-અમેરિકા બન્નેને લગભગ સરખું નુકસાન થયું હોવાથી બન્ને દેશો વચ્ચે ટ્રેડ-ઍગ્રીમેન્ટ થવા વિશે આખું વર્લ્ડ આશાવાદી છે. જો બન્ને દેશો વચ્ચે ટ્રેડ-ઍગ્રીમેન્ટ થશે તો ડૉલરનું સેફ હેવન સ્ટેટસ કડડડભૂસ થશે અને સોનામાં ઝડપી તેજીના ચાન્સિસ વધી જશે, પણ જો ટ્રેડ-ઍગ્રીમેન્ટ વિશે સહમતી નહીં સધાય તો સોનાના ફન્ડામેન્ટ્સ નબળા બનશે અને ભાવ ફેડની ૧૭-૧૮ ડિસેમ્બરની મીટિંગ સુધી ઘટતા રહેશે. ત્યાર બાદ સોનાના ભાવ ધીમી ગતિએ ગ્રૅજ્યુઅલી વધશે.

રૂપિયો એકધારો મજબૂત બનતો હોવાથી સોનું-ચાંદી લોકલ માર્કેટમાં સતત ચોથા દિવસ ઘટ્યા

ભારતીય રૂપિયો કરન્સી માર્કેટમાં સતત મજબૂત બની રહ્યો હોવાથી ગઈ કાલે લોકલ માર્કેટમાં સોના-ચાંદી સતત ચોથા દિવસ ઘટ્યા હતાં. મુંબઈમાં સોનાનો ભાવ ૧૨૫ રૂપિયા ઘટીને પ્રતિ ૧૦ ગ્રામનો ૩૦,૩૯૦ રૂપિયા થયો હતો, જ્યારે દિલ્હીમાં સોનાનો ભાવ ૬૫ રૂપિયા ઘટીને પ્રતિ ૧૦ ગ્રામ ૩૧,૪૭૫ રૂપિયા બોલાયો હતો. સોનાની સાથે-સાથે ચાંદીનો ભાવ પણ ઘટ્યો હતો. મુંબઈમાં સોનાનો ભાવ ૨૪૦ રૂપિયા ઘટીને પ્રતિ કિલોના ૩૫,૫૬૦ રૂપિયા અને દિલ્હીમાં ભાવ ૮૫ રૂપિયા ઘટીને ૩૭,૦૭૫ બંધ રહ્યા હતા.