સસ્તાં ઘરો માટે લોનના વ્યાજમાં 1.50 રૂપિયાની અતિરિક્ત મુદત લંબાવાઈ

02 February, 2020 07:39 AM IST  |  New Delhi

સસ્તાં ઘરો માટે લોનના વ્યાજમાં 1.50 રૂપિયાની અતિરિક્ત મુદત લંબાવાઈ

હોમ લોન

ગઈ કાલે કેન્દ્ર સરકારનું વર્ષ ૨૦૨૦-’૨૧નું બજેટ રજૂ કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સસ્તાં ઘરો માટેની લોનના વ્યાજ પર ૧.૫૦ લાખ રૂપિયાની રાહતની મુદત ૨૦૨૧ના માર્ચ મહિના સુધી લંબાવી છે. કેન્દ્રના બજેટમાં સસ્તાં ઘરોના ડેવલપર્સને ટૅક્સ હૉલીડેની મુદત પણ એક વર્ષ લંબાવી છે.

નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ‘સૌને માટે ઘરનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે મેં ગયા વર્ષના બજેટમાં સસ્તા દરનાં રહેઠાણો ખરીદવા માટે લેવામાં આવતી લોન પર દોઢ લાખ રૂપિયા સુધી વધારાની રાહત જાહેર કરી હતી. એ લાભ વધુ લોકોને મળે એ માટે અને સસ્તાં રહેઠાણોને પ્રોત્સાહન મળે એ માટે હું લોન મંજૂર કરવાની તારીખ પણ લંબાવવાનો પ્રસ્તાવ મૂકું છું જેથી આ વધારાની રાહત એક વર્ષ વધારે મળી શકે. ટૅક્સ હૉલીડે માટે પણ સસ્તાં ઘરોના હાઉસિંગ પ્રોજેક્ટ્સને મંજૂરીની મુદત એક વર્ષ લંબાવવામાં આવી છે.’

આ બજેટમાં ૪૫ લાખ રૂપિયા સુધીની કિંમતનાં રહેઠાણો માટે લેવાતી લોનના વ્યાજમાં દોઢ લાખ રૂપિયાની વધારાની રાહત આ વર્ષે પણ યથાવત્ રાખવામાં આવી છે. આ રાહતને પગલે રાહતની કુલ રકમ ૩.૫૦ લાખ રૂપિયા પર પહોંચી છે.

હાઉસિંગ સેક્ટરે કર્યું સ્વાગત

કૉર્પોરેટ રેટિંગ્સની કંપની આઇક્રા લિમિટેડના ગ્રુપ હેડ અને સિનિયર વાઇસ પ્રેસિડન્ટ શુભમ જૈને જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના આ પગલાથી સસ્તાં ઘરોની માગ પર અસર થઈ શકે છે. સસ્તાં ઘરોના બાંધકામની યોજનાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા સરકારે વધુ મજબૂત બનાવી છે.’ ઉક્ત જોગવાઈ બાબતે ‘આના રૉક પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ્સ’ના ચૅરમૅન અનુજ પુરીએ જણાવ્યું હતું કે ‘ઘર ખરીદનારાઓને ૧ એપ્રિલથી નવી કાનૂની જોગવાઈનો લાભ થશે. આ રાહત ૨૦૨૧ની ૩૧ માર્ચ સુધી ઉપલબ્ધ રહેતાં રિયલ એસ્ટેટ સેક્ટર અને સસ્તાં રહેઠાણો બાંધનારા અને ખરીદનારાઓને લાભ થશે.’

budget 2020 railway budget business news nirmala sitharaman