સરકાર ખર્ચ વધારશે પણ એમાં સૌથી મોટો હિસ્સો વ્યાજ પાછળ વપરાશે

02 February, 2020 07:39 AM IST  |  New Delhi

સરકાર ખર્ચ વધારશે પણ એમાં સૌથી મોટો હિસ્સો વ્યાજ પાછળ વપરાશે

ફાઈલ ફોટો

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટનું ભાષણ કરતાં-કરતાં મોટી-મોટી જાહેરાતો કરી. ગયા વર્ષે યોજનાઓની ફાળવણી માટે આંકડા આપ્યા નહોતા એટલે વિપક્ષોએ આકરી ટીકા કરી હતી. આજે તેમણે બજેટ ૨૦૨૦માં આગામી વર્ષે કેટલી રકમ ફાળવવામાં આવી છે એની જાહેરાત કરી હતી પણ સિફતપૂર્વક આ ફાળવણી ગયા વર્ષ કરતાય કેટલી વધારે છે કે ઓછી છે એનો ઉલ્લેખ કર્યો જ નહીં. આ ઉપરાંત અલગ-અલગ ક્ષેત્રને સાથે જોડી દઈ તેમણે આંકડાઓ મોટા જાહેર કર્યા, પણ એનાથી આર્થિક વિકાસને કોઈ ગતિ મળે એવી શક્યતા જણાતી નથી.

બજેટમાં ખર્ચ ૧૨.૭ ટકા વધશે

વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટ અંદાજમાં કેન્દ્ર સરકારે ૨૭,૮૬,૩૪૯ કરોડ રૂપિયાની રકમનો કુલ ખર્ચનો અંદાજ મૂક્યો હતો. કમનસીબે સરકારની કરની આવક નબળી રહેતાં ખાધ અંકુશમાં રાખવા માટે સુધારેલો અંદાજ ઘટાડી ૨૬,૫૮,૫૯૨ કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. નાણાખાધનું લક્ષ્ય આકસ્મિક સંજોગોમાં વધારવાની છૂટ લઈ નાણાપ્રધાને બજેટ ૨૦૨૦-૨૧માં કુલ ૩૦,૪૨,૨૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજ્યો છે જે સુધારેલા અંદાજ કરતાં ૩,૪૩,૬૭૮ કરોડ વધારે છે અથવા તો ૧૨.૭ ટકા વધારે છે.

વધારના ખર્ચમાં સૌથી મોટો હિસ્સો વ્યાજ, ટેલિકૉમને

નાણાની ફાળવણીની દૃષ્ટિએ નહીં, પણ વધેલા ખર્ચમાં સૌથી વધુ હિસ્સો કોનો એ દૃષ્ટિએ જોઈએ તો કેન્દ્ર સરકાર સૌથી વધુ રકમ વ્યાજની ચુકવણીમાં કરશે. ૩,૪૩,૬૭૮ કરોડ રૂપિયાના વધારાના ખર્ચમાં સૌથી વધુ ૮૩,૦૯૮ કે ૨૪.૧ ટકાનો હિસ્સો વ્યાજ પછાળ થવાનો છે. કેન્દ્ર સરકારની ખાધ વધી જતાં દેવું વધશે અને એટલે વ્યાજનો ખર્ચ પણ. એનો સીધો મતલબ થયો કે સરકાર પાસે નવી મિલકતનું સર્જન થાય, વધુ લોકોને રોજગારી મળે એવા રોડ, રેલ કે પોર્ટ બને એના માટે પૈસા બચશે જ નહીં.

વ્યાજ પછી સૌથી વધુ હિસ્સો ટેલિકૉમ ક્ષેત્રને ફાળવવામાં આવ્યો છે. વધારાના ખર્ચના ૧૨.૬૧ ટકા રકમ ટેલિકૉમ ક્ષેત્રમાં થશે. આ રકમનો ઉપયોગ ભારત સંચાર નિગમ લિમિટેડ, મહાનગર ટેલિકૉમ લિમિટેડને 4G સેવાઓ માટે, કર્મચારીઓને વીઆરએસ આપવા માટે અને તેમને બેથી કરવા માટે થશે એટલે એ પણ બહુ મોટો હિસ્સો નથી. અને એનાથી પણ બહુ મોટો ફાયદો દેશના અર્થતંત્રને થવાનો નથી.

જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી કેન્દ્ર સરકારે એને યુનિયન ટેરિટરી જાહેર કરી છે. એટલે એનો સઘળો ખર્ચ હવે બજેટ થકી ફાળવવાનો હોવાથી ત્રીજો સૌથી મોટો ખર્ચ આ ક્ષેત્રે થવાનો છે. વધારાની ફાળવણીના ૧૧ ટકા કે ૩૭,૮૩૮ કરોડનો ખર્ચ કેન્દ્રશાષિત પ્રદેશ માટે થવાનો છે. આમ વ્યાજ, ટેલિકૉમ અને યુનિયન ટેરિટરી ભેગા મળી ૧,૬૪,૨૩૯ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે જે વધારાની રકમના ૪૭.૭૧ ટકા થવા જાય છે.

નવી મિલકતોનું કેવું સર્જન થશે?

સરકારના બે પ્રકારના ખર્ચ હોય છે, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. મહેસૂલી ખર્ચ સરકારનાં અગાઉનાં કાર્યો આગળ ધપાવવા માટે, પગાર, વ્યાજ, સબ્સિડી પ્રકારના હોય છે જ્યારે મૂડી ખર્ચ નવી હૉસ્પિટલ બાંધવા કે રોડ, રેલ કે ડૅમ બાંધવા જેવી ચીજો પાછળ થાય છે. મૂડી ખર્ચ એ એક પ્રકારનું મૂડીરોકાણ છે અને એના કારણે અન્ય ચીજોની માગ વધે છે અને રોજગારીની તકોનું સર્જન પણ થાય છે.

વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ મૂડી ખર્ચ ૩,૩૮,૫૬૯ કરોડ અંદાજ્યો હતો જે ૨૦૧૯-૨૦ના સુધારેલા અંદાજમાં થોડો વધી ૩,૪૮,૯૦૭ થશે એવો અંદાજ છે. આગામી વર્ષે કેન્દ્ર સરકારે ૪,૧૨,૦૮૫ કરોડનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે, જે અગાઉના વર્ષ કરતાં ૧૮.૧ ટકા વધારે છે.

કેન્દ્ર સરકારે મહેસૂલી ખર્ચ ગયા વર્ષ કરતાં ૧૧.૯ ટકા વધી ૨૬,૩૦,૧૪૫ કરોડ રહેશે એવો અંદાજ મૂક્યો છે એટલે કે કુલ ખર્ચના ૮૬.૫ ટકા રકમ માત્ર સરકારી તંત્રના નિભાવ પાછળ જશે.

મનરેગાની ફાળવણીમાં ધરખમ ઘટાડો

મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ‍ ગૅરન્ટી સ્કીમ ભારત સરકારની અત્યાર સુધીની સૌથી મોટો સામાજિક છત્ર આપતી સેવા છે. બેરોજગારને રોજગારી સામે નાણાં આપતી આ સ્કીમ થકી ગ્રામ્ય ભારતમાં વર્ષ ૨૦૦૬થી આર્થિક વિકાસનો પાયો વધારે મજબૂત થયો હતો. એક સમયે ભારતીય જનતા પક્ષ આ સ્કીમની વિરુદ્ધમાં હતો પણ સત્તા પર આવ્યા પછી સરકારે આ સ્કીમનો વ્યાપ વધાર્યો હતો. જોકે બજેટ ૨૦૨૦માં આ સ્કીમની પાંખ કાપી નાખવામાં આવી છે. કેન્દ્ર સરકારે બજેટમાં મનરેગા માટે ગયા વર્ષ કરતાં ૯૫૦૧ કરોડની ઓછી ફાળવણી કરી છે. ગ્રામ્ય ભારતને મજબૂત બનાવવા માટે બજેટમાં લાંબી વાતો નાણાપ્રધાને કરી હતી. કુલ ફાળવણી ગયા વર્ષે ૭૧,૦૦૧ કરોડ હતી એ ઘટાડી આ વર્ષે ૬૧,૫૦૦ કરોડ કરવામાં આવી છે. જોકે સામે છેડે સરકારે પોતાની માનીતી યોજનાઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક, પ્રધાનમંત્રી અમૃત મિશન, પ્રધાનમંત્રી આવાસ ઓજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવાઓ જેવી સેવાઓ માટે ફાળવણી વધારી દીધી છે.

બજેટમાં સામેલ ન હોય એવા ખર્ચ

વર્તમાન સરકાર પર એવા સતત આરોપ લાગી રહ્યા છે કે કેન્દ્ર સરકાર બજેટ બહાર દેવું ઊભું કરી કેન્દ્ર સરકારની ખાધ કાબૂમાં હોવાનું જણાવે છે. આથી આજે નાણાપ્રધાને બજેટની સાથે આ રીતે નૅશનલ સ્મૉલ સેવિંગ્સ સ્કીમ કે બૉન્ડ થકી જે રકમ એકત્ર કરવામાં આવી છે જેનો બજેટની ડિમાન્ડ ફૉર ગ્રાન્ટ (એટલે કે સંસદની મંજૂરી વગર) જે ખર્ચ થાય છે એની વિગતો જાહેર કરી છે.

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કેન્દ્ર સરકારે ૧,૭૨,૬૮૯ કરોડની આ રીતે ફાળવણી કરી છે એવું સ્વીકાર્યું હતું અને આગામી વર્ષે આ રકમ વધી ૧,૮૬,૧૦૦ કરોડ થશે એમ જ જણાવ્યું છે. સરકારની આવી રકમમાં સૌથી મોટો હિસ્સો ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાનો છે. સરકાર બજારમાં કૃષિ ચીજોના ભાવ – ખાસ કરી ઘઉં, ચોખા અને કઠોળ માટે ટેકાના ભાવે ખરીદી કરે છે અને બજારમાં જયારે અછત હોય ત્યારે એને વેચવામાં આવે છે. આ માર્કેટ ઑપરેશન માટે ફૂડ કૉર્પોરેશનને સરકાર રોકડના બદલે હવે નૅશનલ સ્મૉલ સેવિંગ્સ ફન્ડ્સમાંથી રકમની ફાળવણી કરે છે. રોકડ બજેટમાં હાથ પર વધારે રહે તો સરકાર એનો અન્યત્ર ઉપયોગ કરી શકે એવો ઉદ્દેશ છે.

કેન્દ્ર સરકાર દેશની પ્રજાની સુખાકારી માટે અલગ–અલગ સેંકડો સ્કીમ ચલાવે છે અને એના માટે સીધી ફાળવણી કરવામાં આવે છે. ફૂડ સબ્સિડી, ખેડૂતોને વર્ષે ૬૦૦૦ની રકમ આપવી, ગ્રામ્ય ભારત સડક યોજના સહિત આવી સ્કીમ પાછળ સરકારે બજેટમાં ૮,૩૧,૮૨૫ કરોડની કુલ ફાળવણી કરી છે જે ગયા વર્ષ કરતાં ૫૮,૬૨૯ કરોડ વધારે છે. આમાં સૌથી વધુ ફાળવણી કિસાન યોજના પાછળ કરવામાં આવી છે.

nirmala sitharaman business news budget 2020 railway budget