Budget 2020 અપેક્ષાઃ માગ વધારવા સરકાર પર્સનલ ઇન્કમટેક્સનાં દરો ઘટાડે

24 January, 2020 04:55 PM IST  |  Delhi | Mumbai Desk

Budget 2020 અપેક્ષાઃ માગ વધારવા સરકાર પર્સનલ ઇન્કમટેક્સનાં દરો ઘટાડે

અર્થવ્યવસ્થાની મંદીને દૂર કરવાના આશયથી ભારતીય કંપનીઓએ માંગ અને વપરાશ વધારવા માટે આગમી બજેટમાં અંગત ઇન્કમ ટેક્સનાં દરમાં કાપ મુકાય તેવી આશા સેવી છે. કંપનીઓનું કહેવું છે કે માગમાં વધારો થાય તે માટે પર્સનલ ઇન્કમ ટેક્સમાં પણ ઘટાડો થવો જોઇએ. એક પ્રિ બજેટ સરવેમાં આ જાણવા મળ્યું છે. આ અંગે આપણે નોંધવું રહ્યું કે સરકારે ગયા વર્ષે જ કોર્પોરેટ ટેક્સમાં મોટો કાપ મુક્યો હતો. સરકારે કોર્પોરેટ ટેક્સના દરને જુની કંપનીઓ માટે 25 ટકા સુધી અને ઉત્પાદન ક્ષેત્રેમાં આવવા વાળી નવી કંપનીઓ માટે 15 ટકા જેટલો ઘટાડ્યો હતો.

કેપીએમજી દ્વારા આ સરવે કરવામાં આવ્યો હતો જેમાં 215 કંપનીઓ સાથે વાતચીત કરાઇ હતી. સરવે અનુસાર મોટાભાગનાં લોકોને આશા છે કે સરકાર આ બજેટમાં ઇન્કમટેક્સની છુટની મર્યાદાને વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધારશે. હાલનાં ફાઇનાન્શિયલ વર્ષમાં સરકારે પાંચ લાખ રૂપિયા સુધીની વેરા યોગ્ય આવકને ટેક્સ ફ્રી કરી છે. સરવે અનુસાર મોટાભાગની કંપનીઓ માને છે કે વિદેશી કંપનીઓને માટે પણ ટેક્સનો દર ઓછો હોવો જોઇએ. સર્વેમાં ભાગ લેનારા લોકોનું માનવું છે કે આગામી બજેટમાં સરકાર હોમ લોનને પ્રોત્સાહિત કરવા માટે પણ પગલાં ભરી શકે છે. આ ઉપરાંત 30 ટકા ટેક્સ રેટમાં આવનારી આવકની મર્યાદા પણ આગામી બજેટમાં વધી શકે છે. સરવેમાં સામેલ અડધોઅડધ લોકોએ કહ્યું કે નિકાસ માટે સેઝ એકમોને મળેલી ટેક્સની છૂટનો લાભ માર્ચ 2020 પછી સ્થપાયેલા એકમોને પણ આપી શકાય.

finance ministry income tax department company