BSE સ્ટાર MF મંચ પર ૧૦ ઑક્ટોબરે એક જ દિવસમાં ૧૧,૧૧૧ SIPનો વિક્રમ

13 October, 2018 11:00 AM IST  | 

BSE સ્ટાર MF મંચ પર ૧૦ ઑક્ટોબરે એક જ દિવસમાં ૧૧,૧૧૧ SIPનો વિક્રમ

BSEના મ્યુચ્યુઅલ ફન્ડના સોદા માટેના મંચ સ્ટાર MFમાં આ સપ્ટેમ્બરમાં વધુ એક વિક્રમ નોંધાયા બાદ હવે ઑક્ટોબરમાં પણ નવો રેકૉર્ડ સર્જા‍યો છે. સપ્ટેમ્બરમાં ૩૧.૬૬ લાખ સોદા-વ્યવહાર (ટ્રાન્ઝૅક્શન્સ) થયા હતા. મહિનાથી મહિનાના ગ્રોથ મુજબ આ વધારો દસ ટકા હતો, જ્યારે સપ્ટેમ્બર-૨૦૧૭ની તુલનાએ આમાં ૧૧૬ ટકાની વૃદ્ધિ થઈ હતી. આ ૧૦ સપ્ટેમ્બરે બીજો એક રેકૉર્ડ એ થયો કે એક જ દિવસમાં આ સ્ટાર MF પ્લૅટફૉર્મ પર ૬ લાખ સોદા થયા, જે અગાઉ ૨૦૧૮ની ૧૦ ઑગસ્ટે પાંચ લાખ થયા હતા. હવે ઑક્ટોબરની ૧૦ તારીખે આ મંચ  પર ૧૧,૧૧૧ SIP  એક જ દિવસમાં શરૂ થયા હતા. આ રેકૉર્ડ સ્વસ્તિકા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડે નોંધાવ્યો છે. અમુક મહિનાઓ અગાઉ  એક જ દિવસમાં ૩૦૧ SIP  ઓપન થયા હતા.

આ કંપની મ્યુચ્યુઅલ ફન્ડ ડિસ્ટ્રિબ્યુટર એજન્ટ છે, જેના મૅનેજિંગ ડિરેક્ટર સુનીલ નિયતીએ જણાવ્યાનુસાર તેઓ દેશભરમાં ૯૦ ઑફિસ ધરાવે છે અને આ પરિણામ તેમને  રોકાણકારોની જાગૃતિના સતત કાર્યક્રમ કરવાને કારણે મળે છે. BSE સ્ટાર MF પર કામકાજ કરવાથી એજન્ટની અને ઉદ્યોગની કૉસ્ટ પણ નીચે આવે છે.

BSE સ્ટાર MF SIP માટે વિશેષ પ્રોત્સાહન આપે છે, જેમાં ખાસ કરીને ૧૦થી ૧૫ સપ્ટેમ્બરના સપ્તાહમાં ૫૩,૫૪૭ નવા SIP શરૂ થયા હતા. આમ એક જ સપ્તાહમાં આટલી મોટી સંખ્યામાં SIPનો ઉદ્યોગમાં આ નવો રેકૉર્ડ થયો હતો એમ BSEની અખબારી યાદીમાં જણાવ્યું હતું.