૨૦૧૫માં સેન્સેક્સ જૂન સુધીમાં ૩૦,૦૦૦ ને ડિસેમ્બર સુધીમાં ૩૨,૯૮૦

18 December, 2014 03:35 AM IST  | 

૨૦૧૫માં સેન્સેક્સ જૂન સુધીમાં ૩૦,૦૦૦ ને ડિસેમ્બર સુધીમાં ૩૨,૯૮૦




તાજેતરના દિવસોમાં જ્યારે શૅરબજારમાં કડાકા બોલાઈ રહ્યા છે અને સેન્સેક્સ સતત તૂટીને નીચે આવી રહ્યો છે ત્યારે સેન્સેક્સ આગામી વરસ ૨૦૧૫ના અંત સુધીમાં વધીને ૩૨ હજારની ઉપર પહોંચી જશે એવી ધારણા ઍનૅલિસ્ટોના પોલમાં વ્યક્ત થઈ છે. રોઇટર્સ દ્વારા કરાયેલા આ પોલમાં સંખ્યાબંધ ઍનૅલિસ્ટોને સ્ટૉક માર્કેટના ટ્રેન્ડ વિશે  પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે વરસ ૨૦૧૫માં સરકાર તરફથી સતત ઇકૉનૉમિક  રિફૉમ્સર્‍નો દોર ચાલશે અને એને લીધે બજારમાં રૅલી પણ આગળ વધશે. જૂન સુધીમાં સેન્સેક્સ ૩૦,૦૦૦ થશે અને ડિસેમ્બર ૨૦૧૫ સુધીમાં ૩૨,૯૮૦ સુધી જઈ શકે છે.

ઍનૅલિસ્ટ્સ વર્ગનું માનવું છે કે નવું વરસ ૨૦૧૫ રિફૉમ્સર્‍નું વરસ રહેશે, જેમાં GST (ગુડ્ઝ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) તથા ઇન્શ્યૉરન્સ સેક્ટરમાં FDI (ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)ના સુધારા અમલી બનશે. એની અસર ઇકૉનૉમી અને માર્કેટ બન્ને પર જોવા મળશે. GSTને લીધે  દેશના GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન)માં પણ વૃદ્ધિ થવાની આશા રહે છે, જેને પગલે પણ દેશમાં સીધા વિદેશી રોકાણનો પ્રવાહ વધવાની શક્યતા રહેશે. આ વરસે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ  ભારતીય બજારમાં ૮૨૨ અબજ રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ ઉપરાંત આગામી વરસે રિઝર્વ બૅન્ક વ્યાજદર ઘટાડે એવી આશા પણ ઊભી છે, જે બજારને નવો વેગ આપવામાં નિમિત્ત બની શકે. જોકે અત્યારે ભારતીય માર્કેટ માટે બે મહત્વના મુદ્દા છે, US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કરાનારો ફેરફાર અને ચીનની ગતિ. અલબત્ત, USના વ્યાજદરનો મોટો ફેરફાર વિદેશી રોકાણ પાછું ખેંચી શકે છે. જોકે ભારતમાં ચાલનારા રિફૉર્મ્સની અસર પૉઝિટિવ કામ કરશે.