BSE અને NSE સ્મૉલ બૅન્ક ખોલવા ઇચ્છુક

18 November, 2014 03:30 AM IST  | 

BSE અને NSE સ્મૉલ બૅન્ક ખોલવા ઇચ્છુક




બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) રિઝર્વ બૅન્ક પાસે નાની બૅન્ક (સ્મૉલ બૅન્ક)ની શ્રેણીમાં બૅન્ક ખોલવા માટેની પરવાનગી માગવાની છે. કેન્દ્રીય બૅન્ક એના માટે અરજીઓ મગાવે એની પ્રતીક્ષા થઈ રહી છે.

આ એક્સચેન્જો હજારો કરોડોના રોકડ સોદાઓ કરાવે છે એથી એમને અમુક ભંડોળ સંભાળવા માટે બૅન્કની સ્થાપના કરવાનું માફક આવશે. જોકે એને લીધે HDFC બૅન્ક જેવી બૅન્કોને ફટકો પડશે, કારણ કે તેઓ એક્સચેન્જોની રકમનું સંચાલન કરતી આવી છે.

રિઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજને ગુરુવારે કહ્યું હતું કે ‘નાની બૅન્કો માટે નવેસરથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે અને મહિનાના અંત સુધીમાં એના માટે અરજીઓ મગાવાશે.

જોકે એક્સચેન્જો અરજી કરવા માટે છેલ્લા થોડા મહિનાથી સક્રિય છે. BSEના બોર્ડમાં એના વિશે ચર્ચા પણ થઈ હતી. અમુક ડિરેક્ટરોએ એ બાબતે અનિચ્છા દર્શાવી છે. રિઝર્વ બૅન્ક નવી માર્ગદર્શિકા જાહેર કરે પછી નવેસરથી ચર્ચા થાય એવી શક્યતા છે.

દરમ્યાન નિષ્ણાતો કહે છે કે રિઝર્વ બૅન્ક તેમને પરવાનગી આપે એ જરૂરી નથી. બૅન્કના માળખાના આધારે કેન્દ્રીય બૅન્ક નિર્ણય લેશે. અનેક વિકાસશીલ દેશોમાં બૅન્કોએ ભેગી થઈને સ્ટૉક એક્સચેન્જો બનાવ્યાં છે, પરંતુ સ્ટૉક એક્સચેન્જની બૅન્ક બનાવવાની વાત પહેલી વખત થઈ રહી છે.

સ્મૉલ બૅન્ક એટલે શું?

સ્મૉલ બૅન્કની વ્યાખ્યા હવે તો નવેસરથી કરવામાં આવશે, પરંતુ એ પહેલાં જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં કહેવાયું હતું કે આ પ્રકારની બૅન્ક ડિપોઝિટ લેવાનું તથા એની ધીરધાર કરવાનું કામ કરશે, પરંતુ એનો વ્યાપ મર્યાદિત વિસ્તાર સુધી રહેશે. સ્મૉલ બૅન્કનો ઉદ્દેશ અત્યાર સુધી જેમના સુધી બૅન્કિંગ સેવા પહોંચી નથી તેમને બચતનાં સાધનો ઉપલબ્ધ કરાવવાનો છે. એ ઉપરાંત નાના ખેડૂતો અને નાના-મધ્યમ સ્તરના ઉદ્યોગો તથા અસંગઠિત ક્ષેત્રની સંસ્થાઓને ધિરાણ આપવાનો છે. આ પ્રકારની બૅન્કની શાખાઓનો વિસ્તાર કરવા માટે પ્રથમ ત્રણ વર્ષ સુધી આગોતરી મંજૂરી આવશ્યક રહેશે. સ્મૉલ બૅન્કના પ્રમોટરોની અન્ય નાણાકીય અને બિનનાણાકીય પ્રવૃત્તિઓ અલાયદી રાખવાની રહેશે. તેઓ કોઈ એક ગ્રુપ કે એક લેણદારને મૂડીભંડોળના મહત્તમ ૧૫ ટકા સુધી કરજ આપી શકશે.