બીએસઈના ડેરિવેટિવ્ઝ વિભાગમાં જીવ-સંચાર

29 September, 2011 05:10 PM IST  | 

બીએસઈના ડેરિવેટિવ્ઝ વિભાગમાં જીવ-સંચાર

 

પ્રોત્સાહક યોજનાના અમલના પ્રથમ દિવસે ૩૩૦ કરોડનું કામકાજ થયું

જયેશ ચિતલિયા


મુંબઈ, તા. ૨૯

જેમાં સૌથી વધુ કામકાજ સેન્સેક્સ ફ્યુચર્સ અને ઑપ્શન્સમાં થયાં હતાં. સેન્સેક્સ ફ્યુચર્સમાં ૨૨૫ કરોડ રૂપિયા અને ઑપ્શન્સમાં આશરે ૪૨ કરોડ રૂપિયાનું વૉલ્યુમ થયું હતું.


બીએસઈએ પોતાના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના રિવાઇવલ માટે એક ઇન્સેન્ટિવ સ્કીમ લાગુ કરી છે, જે હેઠળ એક્સચેન્જ મહિને પાંચ કરોડ રૂપિયા જેટલી રકમ સભ્યોના પ્રોત્સાહનરૂપે વાપરશે, જ્યારે આ સ્કીમનો બીજો ભાગ દિવાળી આસપાસ અમલમાં મુકાશે, ત્યારે બીએસઈ મહિને ૧૭ કરોડ રૂપિયા જેટલી રકમ પ્રોત્સાહનરૂપે વાપરશે. આને પગલે બીએસઈ આ સેગમેન્ટના વૉલ્યુમને નવી ઊંચાઈએ લઈ જવાની આશા રાખે છે. એક્સચેન્જે આ હેતુસર આશરે ૧૦૭ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આજે પ્રથમ દિવસે ૯.૬૭ લાખ ઑર્ડર્સ મુકાયા હતા. આ સેગમેન્ટમાં અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ મેમ્બર્સ રજિસ્ટર થયા છે, જેમાંથી ૭૬ સભ્યો માર્કેટમેકર્સની ભૂમિકા ભજવશે.

બીએસઈના મતે આ વખતે વ્યાપક પાર્ટિસિપેશનને લીધે આ સેગમેન્ટને નવું જોમ મળશે, જે પહેલા દિવસના સંકેત પરથી પ્રતીત થાય છે. ખાસ કરીને સેન્સેક્સ ઉપરાંત સેન્સેક્સ-૩૦ સ્ક્રિપ્સમાં પણ વૉલ્યુમ વધવાની આશા છે. અત્યારે ડેરિવેટિવ્ઝમાં માત્ર એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ) પર જ કામકાજ થતાં રહ્યાં છે. હવે પછી બીએસઈ પર આ સોદા વધશે તો સ્પર્ધા પણ વધશે અને રોકાણકારોને નવા વિકલ્પો મળશે.

એસએમઈ એક્સચેન્જ માટે સેબીની લીલી ઝંડી

સેબી (સિક્યૉરિટીઝ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા) તરફથી બીએસઈને એના એસએમઈ (સ્મૉલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ માટેના એક્સચેન્જ) પ્લૅટફૉર્મ માટે પણ ફાઇનલ મંજૂરી મળી ગઈ હતી. હવે પછી એક્સચેન્જ દિવાળી બાદ આ નવા સેગમેન્ટનો પણ આરંભ કરવા ઉત્સુક છે, જ્યાં નાની કે મધ્યમ કદની કંપનીઓ પોતાનું લિસ્ટિંગ કરાવી મૂડીબજારનો લાભ લઈ શકશે.