28 February, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિટકૉઇનની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકામાં પ્રમુખપદે ડોનલ્ડ ટ્રમ્પ આવ્યાને પગલે સર્જાયેલા આશાવાદને કારણે બિટકૉઇન એક લાખ ડૉલરનો આંક વટાવી ગયો હતો, પરંતુ હવે એ જ ટ્રમ્પની વેપારનીતિને લીધે બિટકૉઇનમાં તોતિંગ ઘટાડો આવ્યો છે. એટલું જ નહીં, વાસ્તવમાં સમગ્ર વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ધરખમ ઘટાડો થયો છે.
ટ્રમ્પે કૅનેડા અને મેક્સિકો સહિતના દેશો માટે લાગુ કરેલી ટૅરિફને કારણે ક્રિપ્ટો માર્કેટનું કૅપિટલાઇઝેશન ૭.૮૫ ટકા ઘટીને ૨.૮૫ ટ્રિલ્યન ડૉલર થઈ ગયું છે. આટલો જ ઘટાડો થઈને બિટકૉઇન ૮૬,૫૭૮ના સ્તરે પહોંચી ગયો છે. ઇથેરિયમમાં ૯.૮૩ ટકા, એક્સઆરપીમાં ૯.૮૨, સોલાનામાં ૧૧.૫૬, ડોઝકૉઇનમાં ૯.૯૨, કાર્ડાનોમાં ૯.૫૬, ટ્રોનમાં ૭, ચેઇનલિન્કમાં ૯.૭૯ ટકા અને અવાલાંશમાં ૧૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ટ્રમ્પની નીતિને લીધે સમગ્ર વિશ્વના વેપાર પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે અને રોકાણકારો પ્રમાણમાં વધુ જોખમ ધરાવતી ઍસેટ્સમાંથી રોકાણ ઘટાડી રહ્યા છે.