બૅન્કોનો મોટો નિર્ણય : તમામ ગ્રાહકો માટે 3 સુવિધા ફ્રી કરી

27 April, 2020 07:42 AM IST  |  Mumbai | Agencies

બૅન્કોનો મોટો નિર્ણય : તમામ ગ્રાહકો માટે 3 સુવિધા ફ્રી કરી

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

એક વાત સ્પષ્ટ છે કે સરકાર હવે કોરોના સંકટનો સામનો કરવા માટે અનેક કામ એકસાથે કરી રહી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગરીબો તેમ જ સામાન્ય લોકોને રાહત આપવા માટે ઘણા પગલાં લીધાં છે. લોકો તેમના પોતાના ઘરે છે. સરકાર તેમની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. તેમાં બૅન્ક દ્વારા મળતા આ લાભ વિશે તમારે ખરેખર જાણવું જોઈએ.

ત્રણ મહિના સુધી કોઈ પણ બૅન્કનાં એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે કોઈ ચાર્જ નહીં

જૂન ૨૦૨૦ સુધીમાં કોઈ પણ બૅન્કનાં એટીએમમાંથી કોઈ પણ બૅન્કના ડેબિટ કાર્ડમાંથી પૈસા ઉપાડવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે. સરકારનો હેતુ છે કે લોકોને રોકડ ઉપાડવા માટે તેમના ઘરેથી વધુ દૂર ન જવું પડે અને નજીકના એટીએમમાંથી પૈસા ઉપાડી શકે. આ સિવાયના સામાન્ય દિવસો માટે આરબીઆઇ દ્વારા બહાર પાડેલા નિયમો અનુસાર બૅન્કોએ એક મહિનામાં ઓછામાં ઓછા પાંચ ટ્રાજેક્શન ફ્રીમાં કરવા દેવાની છૂટ આપી છે.

ઓછામાં ઓછું બેલેન્સ રાખવાની જરૂર નથી

સેવિંગ બૅન્ક અકાઉન્ટ માટે ન્યુનતમ બેલેન્સ રદ કરવામાં આવ્યું છે. એટલે કે ૩૦ જૂન ૨૦૨૦ સુધી બૅન્ક ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ જાળવવાની પણ જરૂર નથી. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ) એ તેના કરોડો ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. એસબીઆઇએ તમામ પ્રકારનાં બચત ખાતાં પર સરેરાશ માસિક સંતુલન (એએમબી)ની જરૂરિયાત પૂરી કરી દીધી છે.

આનો અર્થ એ થયો કે ગ્રાહકોનાં ખાતામાં લઘુતમ બેલેન્સ રાખવાની તકલીફ સમાપ્ત થઈ ગઈ છે. એસબીઆઇના આ નિર્ણયનો લાભ ૪૪.૫૧ કરોડ ગ્રાહકોને મળશે. આ સિવાય અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણયમાં એસબીઆઇએ બચત બૅન્ક ખાતાં પરના તેના વ્યાજદરને વાર્ષિક ધોરણે ૩૨ ટકા કરી નાખ્યો છે.

ઑનલાઇન ટ્રાન્જેક્શન થયું ફ્રી

સરકારી બૅન્ક પીએનબીએ ઇન્ટરનેટ બૅન્કિંગ અને મોબાઇલ બૅન્કિંગ દ્વારા કરવામાં આવતા ટ્રાન્જેક્શન પરના આઇએમપીએસ ચાર્જને સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. પંજાબ નૅશનલ બૅન્કે આ માહિતી આપી છે. પીએનબીએ જણાવ્યું હતું કે આઇએમપીએસ ચાર્જને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો આ નિર્ણય તાત્કાલિક અસરને જોતા લીધો છે. પંજાબ નૅશનલ બૅન્કના ગ્રાહકો હવે આ નિર્ણય પછી દિવસ દીઠ ૫૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરશે ત્યાં સુધી કોઈ જ ચાર્જ નહીં ચૂકવવો પડે. આ પહેલાં આઇએમપીએસ ચાર્જ રૂપે ૫ રૂપિયા + જીએસટી ચૂકવવા પડતા હતા.

nirmala sitharaman business news