લૂપ મોબાઇલ ખરીદવાનો સોદો ઍરટેલે રદ કર્યો, મુંબઈકર્સને હેરાનગતી

06 November, 2014 03:36 AM IST  | 

લૂપ મોબાઇલ ખરીદવાનો સોદો ઍરટેલે રદ કર્યો, મુંબઈકર્સને હેરાનગતી



ટેલિકૉમ ક્ષેત્રની અગ્રણી ભારતી ઍરટેલે લૂપ મોબાઇલનો બિઝનેસ અને એની અસ્કયામતો ખરીદી લેવા માટેનો પ્લાન પડતો મૂક્યો છે, કારણ કે લગભગ ૭૦૦ કરોડ રૂપિયાના આ પ્લાનને ટેલિકૉમ ખાતાની મંજૂરી મળી નથી.

લૂપ મોબાઇલના પ્રવક્તાએ જણાવ્યા મુજબ લૂપ અને ઍરટેલે બિઝનેસ ટ્રાન્સફર માટે માર્ચ ૨૦૧૪માં ટેલિકૉમ ખાતાની મંજૂરી માગી હતી. સરકારનું કહેવું છે કે લૂપ ટેલિકૉમે એને સ્પેક્ટ્રમ તથા અન્ય ચાર્જિસ મળીને ૮૦૮ કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવાની બાકી છે. લૂપ મોબાઇલની મુંબઈની પરમિટ ૨૯ નવેમ્બરે પૂરી થાય છે અને એણે ફેબ્રુઆરીમાં થયેલી હરાજી વખતે સ્પેક્ટ્રમની ખરીદી કરી નથી. એના વગર એ ટેલિકૉમ સર્વિસ પૂરી પાડી શકે એમ નથી.

ઍરટેલે લૂપ સાથે ફેબ્રુઆરીમાં સોદો કર્યો હતો. એ સોદા મુજબ લૂપ મોબાઇલના મુંબઈમાંના તત્કાલીન ત્રીસ લાખ ગ્રાહકોને ઍરટેલના ગ્રાહકો બનાવી લેવાશે અને એને લીધે મુંબઈમાં ઍરટેલ સૌથી મોટું નેટવર્ક બની જશે.

સોદો રદ થવાની આડઅસર

પ્રાઇવેટ ક્ષેત્રની ઍક્સિસ બૅન્કે ટેલિકૉમ ખાતાને કહ્યું છે કે ઍરટેલ અને લૂપનો સોદો પાર નહીં પડે તો લૂપ મોબાઇલને અપાયેલી ૨૧૫ કરોડ રૂપિયાની લોન વાંધામાં આવી જશે. ઍક્સિસના વડપણ હેઠળ બૅન્કોના સમૂહે લૂપ મોબાઇલને ૩૫૦ કરોડ રૂપિયાની લોન આપી હતી અને એમાંથી ૨૧૫ કરોડ રૂપિયા હજી ચૂકવાયા નથી. ટ્રાઇના આંકડા મુજબ ઑગસ્ટમાં લૂપના ગ્રાહકોની સંખ્યા ૧૭ લાખ કરતાં વધારે હતી.